પહેલી વાર ધોની-રૈના સામસામે ટકરાશે

રાજકોટઃ પોતપોતાની શરૂઆતની મેચ જીતીને આઇપીએલ-૯માં પ્રભાવશાળી પદાર્પણ કરનારી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ આજે અહીંના ખંઢેરી સ્ટેડિયમમાં ટકરાશે ત્યારે તેઓનો ઇરાદો એકબીજા પર દબદબો બનાવી રાખવાનો હશે. બંને ટીમમાં સસ્પેન્ડ થયેલી સીએસકે અને રાજસ્થાનના ખેલાડીઓ સામેલ છે. ભૂતકાળમાં એક જ ટીમના સાથી એવા આ ખેલાડીઓ પહેલી વાર એકબીજા સામે ટકરાશે.

બે ખાસ મિત્ર અને ચેન્નઈની ટીમના સાથી ખેલાડીઓ મહેન્દ્રસિંહ ધોની તથા સુરેશ રૈના હરીફ કેપ્ટનો તરીકે હવે પોતપોતાની ટીમની વ્યૂહરચવા ઘડશે અને બન્નેએ કબૂલ્યું હતું કે સી.એસ.કે. સિવાયની જરસીમાં રમવાનું ઘણું લાગણીપ્રધાન છે, પણ તે બન્નેએ પોતાની ટીમ વતી પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કરવાની ખાતરી ઉચ્ચારી હતી. ધોનીના નેતૃત્વમાં પુણેની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને તેની પહેલી મેચમાં નવ વિકેટથી સહેલાઈથી પરાજય આપ્યો હતો અને તે વિજય મેળવવામાં પુણેને ધોની ઉપરાંત સ્ટીવ સ્મિથ સહિતના મધ્યમક્રમના કોઈ બેટ્સમેનની જરૂર પડી ન હતી.

બીજી તરફ ગુજરાતની ટીમનો કિંગ્સ ઈલેવન પંજાબ સામેનો વિજય થોડો મુશ્કેલ બન્યો હતો. પંજાબની ટીમે તે મેચમાં સારી બેટિંગ કરી હતી, પણ તેની બોલિંગ બિલકુલ સામાન્ય રહી હતી. મેન ઓફ ધી મેચનો એવોર્ડ જીતેલા ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિન્ચે સારું ફોર્મ દેખાડ્યું હતું, પણ પંજાબના દિશાહીન બોલરોએ તેનું કામ સહેલું બનાવ્યું હતું. ગુજરાતની ટીમ વતી ભારતની ૧૯-હેઠળના ખેલાડીઓની ટીમના કેપ્ટન ઈશાન કિશને બધાંને પ્રભાવિત કર્યાં હતાં, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. આજે ઇશાન પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે.

You might also like