આજે ફાઇનલની ટિકિટ કોને મળશે?

બેંગલુરુઃ પ્લેઓફમાં સ્થાન મેળવનારી ચાર સૌથી શાનદાર ટીમમાંથી ટોચના બે સ્થાન પર રહેલી ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે રાત્રે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઇપીએલ-૯નો પહેલો ક્વોલિફાયર મુકાબલો યોજાશે. આજની મેચમાં જીતનારી ટીમને સીધી ફાઇનલની ટિકિટ મળી જશે, જોકે આવા મુકાબલામાં ટીમ પાસે કરેલી ભૂલનું નુકસાન ભરપાઈ કરવાની તક હોતી નથી, પરંતુ આઇપીએલના ફોર્મેટ અનુસાર અહીં હારનારી ટીમ પાસે પણ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે વધુ એક મોકો હોય છે, પરંતુ બંને ટીમ કોઈ જ પણ જાતના ‘જો’ અને ‘તો’ વિના પહેલા જ પ્રયાસમાં ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેશે.

અત્યાર સુધીનું પ્રદર્શન
ગુજરાત લાયન્સઃ આઇપીએલમાં પહેલી વાર ભાગ લઈ રહેલી ગુજરાત લાયન્સે જીત સાથે શરૂઆત કર્યા બાદ પાછું વાળીને જોયું નથી. સુરેશ રૈનાના નેતૃત્વ હેઠળની આ ટીમ નવમી સિઝનની સરપ્રાઇઝ પેકેજ સાબિત થઈ છે. વચ્ચે જરૂર આ ટીમ થોડી લથડાતી જોવા મળી હતી, પરંતુ તેણે બહુ જલદી પોતાની સ્થિતિ સંભાળી લીધી. ગુજરાત લાયન્સે લીગ તબક્કામાં ૧૪માંથી નવ મેચ જીતીને ૧૮ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ જ્યારે એક સમયે એવું લાગતું હતું કે કદાચ આ ટીમની માલિકી ધરાવતી કંપનીની જેમ તેની ટીમનું નસીબ પણ રુઠી ગયું છે, પરંતુ આ ટીમે જોરદાર વાપસી કરી. કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની વિસ્ફોટક બેટિંગના દમ પર પાછલી સાતમાંથી છ મેચ આરસીબીએ જીતી લીધી. તેણે અંતિમ તબક્કામાં બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું અને વિરાટના નેતૃત્વ હેઠળની આ ટીમે ૧૪માંથી આઠ મેચ જીતી લઈને ૧૬ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબૂલમાં બીજું સ્થાન હાંસલ કર્યું.

ચિંતા
ગેલનો જલવો જોવા નથી મળ્યોઃ કોહલી અને ડિવિલિયર્સના શાનદાર ફોર્મને કારણે ભલે બેંગલુરુ ટીમની બેટિંગની એક નિષ્ફળતા છુપાઈ ગઈ હોય, પરંતુ હકીકત તો એ છે કે ટી-૨૦ ફોર્મેટમાં દુનિયાનાે સૌથી વિસ્ફોટક બેટ્સમેન મનાતો ક્રિસ ગેલ હજુ સુધી પોતાનો જલવો દેખાડી શ્યો નથી. જોકે એ અલગ વાત છે કે કોઈ પણ ટીમ ગેલને હળવાશથી લેવાની ભૂલ નથી કરતી.

સ્પિનર્સનું નબળું પ્રદર્શનઃ રવીન્દ્ર જાડેજા અને પ્રવીણ તાંબે પર ગુજરાત ટીમના સ્પિન વિભાગની જવાબદારી છે, જોકે અત્યાર સુધી તેઓ અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન કરી શક્યા નથી. ચાઇનામેન શિવિલ કૌશિક પોતાની વિચિત્ર એક્શનથી બેટ્સમેનોને પરેશાન જરૂર કરે છે, પરંતુ તે બહુ પ્રભાવશાળી રહ્યો નથી. જો ગુજરાતની ટીમને પોતાની ચમત્કારિક સફર જારી રાખવી હશે તો સ્પિનર્સે દમદાર પ્રદર્શન કરવું પડશે.

કી પ્લેયર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ ટીમને ફાઇનલમાં પહોંચાડવાનો આધાર કેપ્ટન વિરાટ ઉપરાંત ડિવિલિયર્સના ખભા પર રહેશે. તે અત્યાર સુધીમાં કુલ ૬૦૩ રન બનાવી ચૂક્યો છે. એક બેટ્સમેન લોકેશ રાહુલ (૩૮૬ રન)એ ટોચ અને મધ્ય ક્રમ બંનેમાં પોતાની સુંદર ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનની અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરવાની ક્ષમતા કોઈથી અજાણી નથી. વોટસને જોકે અત્યાર સુધી બોલિંગમાં મુખ્ય ભૂમિકા ભજવીને ૧૬ વિકેટ ઝડપી છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ હુકમનો એક્કો સાબિત થઈ રહ્યો છે. તેણે અત્યાર સુધી રમેલી ૧૧ મેચમાં ૧૯ વિકેટ ઝડપી છે.

ગુજરાત લાયન્સઃ ડ્વેન બ્રાવોને બેટિંગમાં બહુ તક મળી નથી, પરંતુ તેણે બોલિંગમાં પોતાની કમાલ દેખાડી દીધી છે. વેસ્ટ ઇન્ડીઝનો આ ઓલરાઉન્ડર ડેથ ઓવર્સનો ઉપયોગી બોલર છે. તેણે અત્યાર સુધીમાં ૧૫ વિકેટ ઝડપી છે. ધવલ કુલકર્ણી (૧૪ વિકેટ)એ નવા બોલનો સુંદર ઉપયોગ કર્યો છે, જ્યારે પાછલી કેટલીક મેચમાં ડ્વેન સ્મિથે પોતાનું બોલિંગ કૌશલ્ય દેખાડીને કેપ્ટન રૈના માટે એક સારો વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે. સ્વિંગ બોલર પ્રવીણકુમાર અનુકૂળ પરિસ્થિતિઓમાં ખતરનાક સાબિત થઈ શકે છે.

એક્સ ફેક્ટર
બેંગલુરુઃ વિરાટ કોહલીઃ કેપ્ટન કોહલીના ઉત્કૃષ્ટ ફોર્મથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પાછલી મેચોમાં અનુકૂળ પરિણામ હાંસલ કર્યાં છે. અત્યાર સુધી ચાર સદી અને છ અર્ધસદીઓની સાથે ૧૪ મેચમાં ૯૧૯ રન બનાવી ચૂકેલાે કોહલી આઇપીએલની એક સિઝનમાં ૧૦૦૦ રન બનાવનારો પહેલો ખેલાડી પણ બની શકે છે.

ગુજરાતઃ સુરેશ રૈનાઃ ગુજરાતને અહીં સુધી પહોંચાડવામાં ટીમના કેપ્ટન રૈનાનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કેપ્ટનશિપ ઉપરાંત રૈનાએ પોતાનાં બેટથી રનનો વરસાદ વરસાવીને ટીમને અહીં સુધી પહોંચાડી છે. પાછલા બંને મહત્ત્વપૂર્ણ મુકાબલામાં તેણે સતત બે અર્ધસદી ફટકારીને ટીમને ટોચના સ્થાને પહોંચાડી
દીધી. આ સિઝનમાં રૈના અત્યાર સુધી ૧૩ મેચમાં ૩૯૭ રન બનાવી ચૂક્યો છે.

You might also like