દિલ્હીનો શિકાર કરવો બેંગલુરુ માટે આસાન નહીં હોય

બેંગલુરુઃ ઈજાઓથી પરેશાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે અહીં આઇપીએલમાં ઈજાઓ સામે ઝઝૂમી રહેલી અન્ય ટીમ દિલ્હી ડેરડેવિલ્સ સામે ટકરાશે ત્યારે તેમનો ઇરાદો શરૂઆતની મેચમાં થયેલી હારની નિરાશાને દૂર કરીને સત્રની પોતાની પહેલી જીત નોંધાવવાનો રહેશે. જોકે દિલ્હીની ટીમનો શિકાર કરવો બેંગલુરુ માટે આસાન નહીં જ હોય. ભલે દિલ્ી પાછલાં નવ વર્ષોથી સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ટીમ હોય. આ સ્થિતિમાં દિલ્હીની ટીમની નજર પણ પોતાની પહેલી મેચમાં જીત મેળવીને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવા પર રહેશે.

ઈજાઓની અસરઃ બેંગલુરુની ટીમને કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી સાલી રહી છે, જે ખભાની ઈજાને કારણે મેદાનની બહાર છે. ડીવિલિયર્સ પણ પીઠની સમસ્યાને કારણે સનરાઇઝર્સ સામેની મેચમાં રમી નહોતો શક્યો. આજની મેચમાં પણ તેનું રમવું શંકાસ્પદ છે. આ પરિસ્થિતિમાં શેન વોટસન કાર્યકારી કેપ્ટન બની રહેશે. ઈજાગ્રસ્ત સ્ટાર બેટ્સમેન કે. એલ. રાહુલ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર છે, જ્યારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો પ્રતિભાશાળી યુવા ખેલાડી સરફરાઝ ખાન પણ ટીમની બહાર છે.

બેંગલુરુની આશાઃ બેંગલુરુની ટીમ એ જ આશા રાખી રહી છે કે આજના મુકાબલામાં તેના બંને વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને વોટસન સારા ફોર્મમાં રમે. મનદીપસિંહ અને ગેલની ઓપનિંગ જોડીએ ગત મેચમાં સારી શરૂઆત અપાવી હતી અને આ જોડી ફરી એ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઇચ્છશે. કેદાર જાધવ પણ વિસ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે પ્રતિભાશાળી યુવા ખેલાડી સચીન બેબી પોતાની છાપ છોડવા ઇચ્છે છે.

બોલિંગમાં વિકલ્પઃ બોલિંગમાં બેંગલુરુનો ભાર ટાઇમલ મિલ્સ અને યુજવેન્દ્ર ચહલના ખભા પર રહેશે. જોકે પાછલી મેચમાં બંને એક એક વિકેટ જ ઝડપી શક્યા હતા. અનિકેત ચૌધરી અને શ્રીનાથ અરવિંદ આઇપીએલની પ્રથમ મેચમાં બહુ જ ખર્ચાળ સાબિત થયા હતા.

દિલ્હીની ચિંતાઃ ક્વિન્ટન ડિકોક અને જેપી ડુમિની ટીમની બહાર થવાથી દિલ્હીના સંતુલન પર બહુ જ મોટી અસર પડી છે. ડુમિની અંગત કારણસર ટૂર્નામેન્ટનો હિસ્સો નથી, જ્યારે ડિકોકની આંગળીમાં ઈજા થઈ છે. મોહંમદ શામીની સાથે શ્રીલંકાના એન્જેલો મેથ્યુસની ઈજા પણ ટીમ માટે ચિંતાનો વિષય છે.

સવાલ અને ક્ષમતાઃ બોલિંગ આક્રમણનું નેતૃત્વ દિલ્હીનો કેપ્ટન ઝહીર ખાન સંભાળશે. જોકે આ સિઝનમાં તેણે હજુ સુધી બોલિંગ કરી નથી તેથી તેના પ્રદર્શન સામે સવાલો ઊઠી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like