IPLની બ્રાન્ડ વેલ્યૂ ૫.૩૦ અબજ ડોલર પર પહોંચી

મુંબઈ ઇન્ડિયન્સ ૧૦.૬૦ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચ પરઃ KKR ૯.૯૦ કરોડ ડોલર સાથે બીજા અને RCB ૮.૮૦ કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાન પર છે.

મુંબઈઃ દર્શકોની સંખ્યામાં વધારો અને ટૂર્નામેન્ટમાં મોટા ભાગે વિવાદથી દૂર રહેવાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બ્રાન્ડ વેલ્યૂ ૧૦મી ટૂર્નામેન્ટ બાદ વધીને પ.૩૦ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ગ્લોબલ વેલ્યૂએશન એન્ડ કોર્પોરેટ ફાઇનાન્સ એડવાઇઝર ડફ એન્ડ ફેલ્પ્સે આ આકારણી કરી છે. ડફ એન્ડ ફેલ્પ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વ્યવસાયના રૂપમાં આઇપીએલની કુલ કિંમત ગત વર્ષના ૪.૨૦ અબજ ડોલરની સરખામણીએ વધીને ૫.૩૦ અબજ ડોલર થઈ ગઈ છે, જેમાં ત્રણ વર્ષના ૧૩.૯ ટકા સીએજીઆર પણ સામેલ છે.

ડફ ફેલ્પ્સ ઇન્ડિયાના અધિકારી વરુણ ગુપ્તાએ કહ્યું, ”આ આઇપીએલ સિઝને બધાં યોગ્ય કારણોથી પ્રશંસા મેળવી. ટૂર્નામેન્ટ ઘણી હદે વિવાદોથી મુક્ત રહી. સોશિયલ મીડિયા સાથેના જોડાણમાં વધારો થયો. આ બધાં કારણોથી દુનિયાની સૌથી વધુ કિંમતવાળી ક્રિકેટ લીગના રૂપમાં આઇપીએલની સ્થિતિ મજબૂત થઈ છે.”

આઇપીએલ ૨૦૧૭નો ખિતાબ જીતનારી મૂકેશ અંબાણીની માલિકીની મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૧૦.૬૦ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચના સ્થાને છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ૯.૯૦ કરોડ ડોલર સાથે બીજા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ૮.૮૦ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે ત્રીજા સ્થાને છે.

You might also like