IPL વિરુદ્ધ પિટિશન્સથી BCCI પરેશાન

કાનપુરઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આઇપીએલની મેચના આયોજનને લઈને કોર્ટમાં સતત દાખલ થઈ રહેલી જનહિત અરજીઓથી પરેશાન છે અને આનો કોઈ ઉકેલ બીસીસીઆઇને મળી રહ્યો નથી. બીસીસીઆઇના અધિકારીઓના ચહેરા પર આ અંગેની પરેશાની સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે મેચનાં આયોજનને રોકવા માટે દાખલ થઈ રહેલી અરજીઓએ અમને પરેશાન કરી દીધા છે.

આ પહેલાં બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુરે પણ કહ્યું હતું કે જો આવી રીતે આઇપીએલને ટાર્ગેટ બનાવવામાં આવશે તો અમારે આગામી સિઝન વિદેશમાં આયોજિત કરવા પર વિચારણા કરવી પડશે. શુક્લાએ ગઈ કાલે કહ્યું કે આ ટૂર્નામેન્ટને ટાર્ગેટ કરાઈ રહી છે. અમે આટલી મહેનતથી વિભિન્ન શહેરોમાં આઇપીએલની મેચ યોજવા પ્રયાસ કરીએ છીએ અને ત્યાં કોઈ ને કોઈ મુદ્દે આઇપીએલ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે દુષ્કાળ અને પાણીની તંગીને કારણે મુંબઈ હાઈકોર્ટે ગત તા. ૧ મે બાદ મહારાષ્ટ્રમાં રમાનારી બધી મેચ મહારાષ્ટ્રની બહાર યોજવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે કેટલીક મેચ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની હાઈકોર્ટમાં પણ દુષ્કાળને કારણે મેચને ખસેડાવાની ઘણી અરજીઓ દાખલ થઈ ગઈ, તેથી બીસીસીઆઇને મજબૂરીમાં ત્યાંની મેચ વિશાખાપટ્ટનમ ખાતે ખસેડવી પડી અને પુણેની સાથે મુંબઈનું હોમગ્રાઉન્ડ પણ વિશાખાપટ્ટનમને બનાવવું પડ્યું.

જ્યારે આઇપીએલ ચેરમેનને પૂછવામાં આવ્યું કે શું તેમના ગૃહનગર કાનપુરમાં આગામી સિઝનમાં પણ આઇપીએલની મેચનું આયોજન કરાશે? ત્યારે શુક્લાએ નારાજગીભર્યા સ્વરે કહ્યું કે અમારે આ અંગે ગંભીરતાથી વિચાર કરવો પડશે. મહામુશ્કેલીએ અમે ફ્રેંચાઇઝી અને અધિકારીઓને મનાવીને અહીં મેચ આયોજિત કરીએ છીએ અને અહીં પણ તેની વિરુદ્ધ કોર્ટમાં ઘણી િપટિશન્સ દાખલ કરી દેવામાં આવી છે.

અનુરાગ ઠાકુર કાલે ફોર્મ ભરશે
બીસીસીઆઇ સચિવ અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અનુરાગ ઠાકુર આવતી કાલે શનિવારે બીસીસીઆઇના અધ્યક્ષપદની ચૂંટણી માટે ફોર્મ ભરશે. ત્યાર બાદ રવિવારે તેમને વિધિવત અધ્યક્ષ તરીકે ચૂંટી લેવાશે. તેમનું બિનહરીફ ચૂંટાવું લગભગ નક્કી જ છે. ત્યાર બાદ અનુરાગ ઠાકુર આગામી વાર્ષિક સામાન્ય સભામાં મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘના અધ્યક્ષ અજય શિર્કેને બોર્ડના સચિવ તરીકે ચૂંટશે.

You might also like