IPL હરાજી પર અનિશ્ચિતતાની અસર પડશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ હાલમાં બીસીસીઆઇ અને લોઢા કમિટી વચ્ચે ચાલી રહેલી ઊથલ-પાથલ જોઈને દુઃખી દુઃખી છે. કોઈને કંઈ સમજમાં નથી આવી રહ્યું કે ભવિષ્યમાં શું થવાનું છે. ૧૭ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં લોઢા સમિતિની ભલામણોને લઇને ફરીથી સુનાવણી થવાની છે અને તેના આઠ દિવસ બાદ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલનાં દસ વર્ષના પ્રસારણ અધિકારનાં ટેન્ડર ખૂલવાનાં છે. બીસીસીઆઇને એવાતનો ડર સતાવી રહ્યો છે કે આ અનિશ્ચિતતાઓ વચ્ચે તેને જો નુકસાન થાય તો તેની સીધી અસર ભારતીય ક્રિકેટના સ્તર પર પડશે.

ભલામણો લાગુ કરવા માટે કોર્ટે અલ્ટિમેટમ આપી દીધું છે, પરંતુ બીસીસીઆઇ બહાનાબાજી કરી તેને ટાળી રહી છે. બીસીસીઆઇએ બધી જવાબદારી રાજ્ય સંઘ પર નાખીને કહી દીધું છે કે જો તેઓ આ ભલામણો લાગુ કરવા ના ઇચ્છે તો બોર્ડ કંઈ કરી શકે નહીં. ગત ૭ ઓક્ટોબરે જ સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી રાજ્ય ક્રિકેટસંઘ ભલામણો સ્વીકારી લીધાનું સોગંદનામું ના કરે ત્યાં સુધી તેઓને ફંડ આપવું નહીં એટલું જ નહીં, ૧૩ રાજ્ય સંઘને ટીવી રાઇટ્સનાં નાણાં આપી દેવામાં આવ્યાં છે તેઓ પણ સોગંદનામું આપ્યા વિના એ નાણાં ખર્ચી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સુનાવણી દરમિયાન પણ બીસીસીઆઇ પોતાના જૂના વલણને વળગી રહેવાની છે. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે બધી ભલામણો સ્વીકારવી અમારા માટે સંભવ નથી. અમે એ ભલામણોને નજરમાં રાખીને જ આઇપીએલના વૈશ્વિક પ્રસારણ અધિકારોની ફાળવણી માટે ખુલ્લી ટેન્ડર પ્રક્રિયાની જાહેરાત કરી, પરંતુ આ અનિશ્ચિતતાભર્યા વાતાવરણમાં જો ઓછાં નાણાં મળશે તો તેની સીધી અસર ભારતીય ક્રિકેટ પર પડશે.
આઇપીએલની આગામી સિઝન બાદ આ કરાર ખતમ થઈ જશે. ૨૦૦૮માં વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રૂપ (WSG)એ આઇપીએલના ટીવી રાઇટ્સ ૯૧.૮૦ કરોડ ડોલર (લગભગ ૬૧૫૦.૬ કરોડ રૂપિયા)માં દસ વર્ષ માટે હાંસલ કર્યા હતા. WSGએ ત્યાર બાદ મલ્ટિ સ્ક્રીન મીડિયા પ્રાઇવેટ લિ. (MSMPL) પાસેથી સોનીને સત્તાવાર પ્રસારક બનાવવા માટે કરાર કર્યા. બીસીસીઆઇએ ૨૦૦૯માં WSGને બાજુ પર હડસેલી આગામી નવ વર્ષ માટે MSMPL સાથે ૧.૬૩ અબજ ડોલર (લગભગ ૧૦,૯૨૧ કરોડ રૂપિયા)નો કરાર કર્યો.

બીસીસીઆઇનો દાવો છે કે હવે આઇપીએલ બ્રાન્ડ ૪.૫ બિલિયન ડોલર (લગભગ ૨૭,૦૦૦ કરોડ રૂપિયા)ની બની ગઈ છે. બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અનુમાન છે કે આઇપીએલનાં દસ વર્ષના ટીવી રાઇટ્સ અને પાંચ વર્ષના િડજિટલ મીડિયા રાઇટ્સથી ૨૦થી ૨૫ હજાર કરોડ રૂપિયા બોર્ડને મળી શકે છે, પરંતુ આ સમયે જે અનિશ્ચિતતા છે, એ અનિશ્ચિતતાથી ડરીને પ્રસારણકર્તા ડરીને બોલી ઓછી લગાવશે તો તેનાથી દેશના ક્રિકેટને જ નુકસાન થશે. જો ચાર-પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન પણ થાય તો એ ભારતીય ક્રિકેટ માટે યોગ્ય નહીં હોય.
ઉલ્લેખની છે કે આઇપીએલના પ્રસારણ માટે સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા અને સ્ટાર સ્પોર્ટ્સ વચ્ચે જોરદાર મુકાબલો છે, જ્યારે ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને પણ ટેન્ડર ભર્યું છે.

You might also like