આઈપીએલ હરાજીઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે..!

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી-૨૦ને આજકાલ કરતાં એક દાયકો થઈ ગયો. આગામી પાંચ એપ્રિલે હૈદરાબાદમાં તેની દસમી સિઝન શરૂ થનાર છે ત્યારે હાલ તો ગત ૨૦મી ફેબ્રુઆરીએ યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ટી-૨૦ અનુભવી ભારતીય ખેલાડીઓની અવગણનાનો મુદ્દો ચર્ચામાં છે. બેંગાલુરુમાં યોજાયેલી આઈપીએલની દસમી સિઝનની હરાજીમાં આઠ ફ્રેન્ચાઈઝીઓએ રૂ. ૯૧ કરોડમાં ૬૬ ખેલાડીઓની ખરીદી કરી હતી.  જેમાં ટીમ ઈન્ડિયા વતી આ ફોર્મેટમાં શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ ધરાવતા કેટલાક ખેલાડીઓને કોઈ ખરીદદાર ન મળતા ક્રિકેટરસિયાઓને મોટો આંચકો લાગ્યો છે. સામે વિદેશી ખેલાડીઓને ખરીદવામાં દરેક ફ્રેન્ચાઈઝીઓમાં હોડ જામી હતી. ઇંગ્લેન્ડના બૅન સ્ટોક્સને પૂણેએ રૂ. ૧૪.૫ કરોડમાં જ્યારે તાયમલ મિલ્સને બેંગલુરુએ રૂ.૧૨ કરોડમાં ખરીદ્યો હતો. સૌથી આશ્ચર્યજનક ખરીદી અફઘાનિસ્તાનના રશીદ ખાનની જોવા મળી જેને હૈદરાબાદે તેની બેઝપ્રાઈઝ ૫૦ લાખ કરતાં આઠ ગણી રકમ રૂ.૪ કરોડ આપીને ખરીદ્યો હતો. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ(૫ાંચ કરોડ), રબાદા(પાંચ કરોડ), પેટ કમિન્સ(૪.૫ કરોડ), ક્રિસ વૉક્સ(૪.૨ કરોડ) સહિતના વિદેશી ખેલાડીઓ પણ કરોડોમાં વેચાયા.

નવાઈની વાત એ રહી કે આઈસીસીના વન-ડે અને ટી-૨૦ રેન્કિંગમાં નંબરવન ખેલાડી દક્ષિણ આફ્રિકાના ઈમરાન તાહીરને એક પણ ફ્રેન્ચાઈઝીએ ખરીદવામાં રસ ન દાખવ્યો. ક્રિકેટના ખેરખાંઓ પણ આનાથી આશ્ચર્યમાં મુકાઈ ગયા. આવું કેટલાક ભારતીય ખેલાડીઓ સાથે પણ બન્યું. ઈશાંત શર્મા, ઈરફાન પઠાણ, પ્રજ્ઞાન ઓઝાને ખરીદવા એક પણ ટીમ આગળ આવી નહોતી. તો જે તે ફ્રેન્ચાઈઝીએ તેના હોમ ગ્રાઉન્ડના લોકલ બોયને ન ખરીદતા સ્થાનિક ફેન્સમાં વિરોધનો સૂર ઊઠતો દેખાયો છે.

અન્ય ફ્રેન્ચાઈઝીઓનું તો ઠીક, ખુદ ગુજરાત લાયન્સે રાજકોટ તેનું હોમગ્રાઉન્ડ હોવા છતાં લોકલ બોય ચેતેશ્વર પૂજારા ઉપરાંત ગુજરાતના જ ઈરફાન પઠાણ, પ્રિયાંક પંચાલ, ઋષિ કાલરિયામાંથી કોઈને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો.  ઈરફાને હજુ થોડા દિવસ પહેલાં જ યોજાયેલી સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ની મેચમાં શિખર ધવન, યુવરાજસિંહ અને રિષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓને ઉપરાછાપરી પેવેલિયનભેગા કરીને પોતાનું ફોર્મ બતાવી આપ્યું હતું. ઓલરાઉન્ડર તરીકે તે ટી-૨૦ ક્રિકેટમાં બરાબર ફિટ બેસતો હોવા છતાં તેની અવગણના અનેક સવાલો ઊભા કરે છે. ગુજરાતની ટીમ તેને ઓછાવત્તા ભાવ સાથે ખરીદી શકી હોત.

એ જ રીતે ચેતેશ્વર પૂજારાની દરેક વખતે થતી અવગણના પણ સ્થાનિક ક્રિકેટરસિકોમાં રોષ જન્માવે છે. ટેસ્ટ ક્રિકેટર તરીકેની પૂજારાની છાપ તેને નુકસાન કરી રહી છે. પણ અનુભવે સમજાય છે કે હવે તો ટી-૨૦માં પણ દરેક ટીમને આવા એકાદ ખેલાડીની જરૂર પડે જ છે. ફેન્ચાઈઝીઓ કહે છે કે, અમે ટીમના સંતુલનને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ ખરીદીએ છીએ. પણ આ ખુલાસો યોગ્ય લાગતો નથી, કેમ કે જો ટીમ સંતુલિત કરવાની હોય તો ગૌતમ, તિવારી, સૈની જેવા ક્લબ કક્ષાથી પણ ઊતરતા ખેલાડીઓને ખરીદવાનો શો અર્થ છે ?

જે રીતે વિદેશી ખેલાડીઓ કે દેશના ક્લબ કક્ષાના ક્રિકેટરોને કરોડોમાં ખરીદવામાં આવે છે તેની સામે ટીમ ઈન્ડિયામાં રમી ચૂકેલો કે સ્થાનિક ઓછી બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓને મોકો આપી શકાય છે. ફ્રેન્ચાઈઝીઓ પોતાનું માર્કેટ ઊભું કરવા જે તે રાજ્યને પોતાનું પ્લેટફોર્મ બનાવે અને તે જ રાજ્યના સારા ખેલાડીઓને

અન્યાય થાય તે ચલાવી શકાય નહીં. આઈપીએલની આખી રમત પહેલેથી જ વગોવાયેલી છે ત્યારે ખરેખર લાયક ખેલાડીની અવગણના કરાય અને નબળો ખેલાડી રાતોરાત કરોડોમાં રમતો થઈ જાય તે કેમ ચાલે ? જે રીતે ઈરફાન જેવા ગુજરાતના ક્રિકેટરને નજરઅંદાજ કરાયો છે એ જોતાં આ મામલે શંકા ચોક્કસ જાય છે.
http://sambhaavnews.com/

You might also like