ગેરસમજને કારણે IPLમાં હરપ્રીતને કોઈએ ખરીદ્યો નહીં

ઇન્દોરઃ આઇપીએલ-૧૦ની હરાજીમાં ઘણા અજાણ્યા ખેલાડીઓ પર લાખો-કરોડો રૂપિયાનો દાવ ખેલાયો, પરંતુ દેશના અત્યંત પ્રતિભાશાળી બેટ્સમેન હરપ્રીતસિંહ ભાટિયા માટે કોઈએ બોલી પણ લગાવી નહીં. આવું એટલા માટે થયું, કારણ કે હરાજી શરૂ થવાથી લઈને પૂરી થવા સુધી ઇલેક્ટ્રોનિક અને વેબ મીડિયામાં હરપ્રીતના નામથી ખોટા સમાચારો પ્રસારિત કરાયા, જેમાં હરપ્રીતની મુંબઈમાં ધરપકડ થતી દર્શાવાઈ.

મધ્યપ્રદેશના બેટ્સમેન હરપ્રીતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-૨૦માં ૫૨.૭૫ની ધમાકેદાર સરેરાશથી સૌથી વધુ ૨૧૧ રન બનાવ્યા. મુંબઈમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી મુંબઈ ઇન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટ પ્રભાવિત થયું હતું અને તેને ખરીદવા ઇચ્છુક પણ હતું. ઈશાંક જગ્ગી, ગૌતમ ગંભીર અને શિખર ધવન જેવા સિનિયર બેટ્સમેનો પણ રન બનાવવામાં હરપ્રીતથી પાછળ રહી ગયા. આમ છતાં કોઈ પણ આઇપીએલ ટીમે તેને ખરીદ્યો નહીં.

સોમવારે સવારે મુંબઈમાં હરમીતસિંહ નામના ક્રિકેટરે રેલવે પ્લેટફોર્મ પર કાર દોડાવી હતી, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી. ચેનલોએ હરપ્રીતનું નામ અને તેની તસવીર દેખાડવાનું શરૂ કરી દીધું. આ સિલસિલો હરાજી પ્રક્રિયા પૂરી થવા સુધી ચાલ્યો. પરિણામ એ આવ્યું કે બધી ફ્રેંચાઇઝીએ મધ્ય પ્રદેશના બેટ્સમેન હરપ્રીતથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હતું.

આ અંગે હરપ્રીતસિંહ ભાટિયાએ કહ્યું, ”હું ઘરેલુ ટી-૨૦ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છું. હરાજી શરૂ થવાથી માંડીને પૂરી થવા સુધી ચેનલો અને વેબસાઇટોએ મારું નામ અને તસવીર દેખાડી. હરાજી પૂરી થયા બાદ અચાનક પોતાની ભૂલ સુધારતાં હરમીતનું નામ અને તેની તસવીરો દર્શાવવાનું શરૂ થયું. આ એક યોજનાબદ્ધ રીતે થયું કે કે કેમ એ હું નથી જાણતો, પરંતુ મારી મહેનત પાણીમાં ગઈ એ નક્કી છે.”
http://sambhaavnews.com/

You might also like