મેચ હાર્યા પછી પ્રીતિ ઝિંટા સેહવાગ સાથે ઝઘડી પડી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન-11માં મંગળવાર સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ને 15 રનથી હરાવી. પંજાબની હાર બાદ કૉ-ઓનર પ્રીતિ ઝિંટા એટલી ગુસ્સામાં દેખાઈ કે, તે મેન્ટોર વીરેન્દ્ર સેહવાગ સાથે ઝઘડી પડી. જોકે, આ બધું એટલી બધી ગંભીરતા સાથે બન્યું નહોતું પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમની હારથી પ્રીતિ ખૂબ જ નાખુશ હતી.

મંગળવારે રમાયેલી મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનને 20 ઓવરમાં 8 વિકેટે 158 રનના સ્કોરે મર્યાદિત રાખ્યું. રાજસ્થાન તરફથી સૌથી વધુ રન જોઝ બટલરે(82) બનાવ્યા. જોકે, આમ છતા પંજાબના બોલર્સે રોયલ્સને મોટો સ્કોર બનાવવા ન દીધો. પંજાબ તરફથી એન્ડ્ર્યૂ ટાઈએ 4 અને મુજિબ-ઉર-રહેમાને ત્રણ વિકેટ ઝડપી.

159 રનનો ટાર્ગેટ પંજાબ માટે આસાન લાગી રહ્યો હતો. ખાસ કરીને જ્યારે તેના બંને ઓપનર કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યાં હતા. જોકે, ત્રીજી ઓવરના પ્રથમ બોલે જ ગેઈલની વિકેટ પડી અને પછી વિકેટોનો સિલસિલો ચાલુ થઈ ગયો. બીજી તરફ રાહુલ એક છેડો સાચવીને ઊભો રહ્યો પણ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સપોર્ટ મળી શક્યો નહીં. રાહુલ છેક સુધી અણનમ રહ્યો અને 95 રનની ઈનિંગ રમી પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં.

રાજસ્થાન તરફથી કૃષ્ણપ્પા ગૌતમે 12 રન આપી 2 વિકેટ ઝડપી. જ્યારે અન્ય બોલરોએ પણ ખૂબ જ સંયમિત બોલિંગ કરતા પંજાબના બેટ્સમેનોને છૂટથી રન બનાવવા દીધા નહીં. આ જીત સાથે રાજસ્થાન 10માંથી 4 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. બીજી તરફ પંજાબની આ સીઝનમાં પાંચમી હાર છે અને તે અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

You might also like