ગુજરાત ફરી વિજયની શોધમાં: હૈદરાબાદને યુવીનો ઇંતેજાર

હૈદરાબાદ: IPL-9ની શરૂઆતમાં જબરદસ્ત સફળતા અને ત્યાર બાદ ઉપરાઉપરી નિષ્ફળતાના કારણે હતાશામાં સરી પડેલી ગુજરાત લાયન્સની ટીમ આઈપીએલમાં અાજે અહીં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાનારી મેચમાં વિજયના માર્ગે પાછા ફરવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજસિંહની ઈજાના કારણે લાંબા આરામ પછી રમતમાં પાછા ફરવાની આશા રાખે છે. યુવરાજને પાંચ મૅચમાં સિંગલ ડિજિટમાં રન બનાવનાર દીપક હૂડાના સ્થાને કદાચ મેદાનમાં ઉતારવામાં આવશે. હૂડાને હૈદરાબાદની ટીમે ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

યુવીની હૈદરાબાદની ટીમ વતી આ પહેલી જ મૅચ હશે. યુવરાજ ટી-૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ઈજા પામ્યા પછી વર્તમાન સ્પર્ધામાં હજી સુધી એકેય મેચમાં રમ્યો નથી. છેલ્લી બે મેચ હારી જવા છતાં ગુજરાતની ટીમ પોતાની નવ મેચમાંથી છ વિજય પ્રાપ્ત કરી પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે અને પાંચમા સ્થાને રહેલી હૈદરાબાદની ટીમે ચાર મેચમાં વિજય હાંસલ કર્યો છે. બન્ને ટીમ વચ્ચે સ્પર્ધાના પહેલા તબક્કામાં રમાયેલી મેચ ગત ૨૧ એપ્રિલે દસ વિકેટથી જીતી લીધા બાદ હૈદરાબાદની ટીમનું મનોબળ ઊંચું છે. ગુજરાતના ઓલરાઉન્ડર બ્રાવોને આજે રમવા મળશે તો એ તેની કુલ ૩૦૦મી ટી-૨૦ અને ૧૦૦મી આઇપીએલ મૅચ બનશે.

You might also like