ચૂંટણીને કારણે આ વખતે IPL દેશની બહાર રમાય તેવી શક્યતા, ટિકીટ પડશે મોંઘી

નવી દિલ્હીઃ
ભારતમાં ૨૦૧૯માં યોજાનાર ચૂંટણીઓને કારણે ફરી એક વાર આઇપીએલ દેશની બહાર યોજાય તેવી શક્યતા છે. જોકે આવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે આઇપીએલનું આયોજન દેશની બહાર થશે. આ પહેલાં પણ વર્ષ ૨૦૦૯માં આઇપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. ત્યારે પણ દેશની બહાર આયોજન થયું હોવા છતાં IPLની લોકપ્રિયતા જરાય ઓછી નહોતી થઈ. એ જ કારણ છે કે ફરી એક વાર IPLને અન્ય દેશમાં યોજવા બોર્ડ વિચારી રહ્યું છે.

દ. આફ્રિકા અને દુબઈ ફેવરિ:
લગભગ ૪૦ હજાર કરોડના બજેટવાળી આ લીગનું આયોજન કરવા અત્યારથી ઘણા દેશનાં ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇનો સંપર્ક સાધી રહ્યાં છે, પરંતુ દક્ષિણ આફ્રિકા અને દુબઈ આ લિસ્ટમાં સૌથી ઉપર ચાલી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા એટલા માટે, કારણ કે તે વર્ષ ૨૦૦૯માં આઇપીએલનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે. જ્યારે દુબઈ પણ પોતાની અતિ આધુનિક સુવિધાઓને કારણે લિસ્ટમાં ટોચના સ્થાને ચાલી રહ્યું છે. દુબઈનો એક મોટો ફાયદો એ છે કે તે એશિયામાં જ છે, કારણ કે ક્રિકેટની રમત મોટા ભાગે એશિયન દેશોમાં જ લોકપ્રિય છે. આ સ્થિતિમાં ક્રિકેટ ચાહકો દુબઈ સુધી આરામથી પહોંચી શકે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા દૂર હોવાને કારણે એશિયાના સામાન્ય લોકોને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.

કેન્દ્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે:
જોકે હજુ સુધી બીસીસીઆઇના અધિકારીઓએ IPLને દેશની યોજવાનો કોઈ નિર્ણય કર્યો નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે બીસીસઆઇ અધિકારીઓની નજર આગામી ચૂંટણીને કારણે સરકારી આદેશો પર છે. જો ૨૦૧૯ના માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાશે તો IPLનું આયોજન કરવામાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

BCCI સામે બે મુશ્કેલી:
મે મહિનામાં ક્રિકેટ વર્લ્ડકપ યોજાશેઃ આગામી વર્ષે એટલે કે ૨૦૧૯ના મે મહિનામાં ક્રિકેટ વિશ્વકપ પણ યોજાવાનો છે. જો દોઢ મહિના સુધી ચાલનારી IPLમાં બધા ખેલાડીઓ બિઝી રહે તો વર્લ્ડકપ માટે તૈયારીનો સમય ના મળે. IPLને કારણે ઘરેલુ ક્રિકેટ પણ પ્રભાવિત થશે, જેમાં રમીને ભારતીય બેટ્સમેન વર્લ્ડકપ માટે તૈયારી કરતા હોય છે.

સુપ્રીમ કોર્ટનો આદેશઃ
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા સમિતિની ભલામણો અનુસાર IPLનું આયોજન સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં ન આવે, કારણ કે એનાથી સુરક્ષા વ્યવસ્થા અને યોગ્ય વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી શકે છે. આ સ્થિતિમાં જો IPLનું આયોજન કરવું જ હોય તો ચૂંટણી અને IPL વચ્ચે ૧૫ દિવસનું અંતર હોવું જરૂરી છે. આઇસીસીએ પણ એ નિયમ બનાવ્યો છે કે વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમ લગભગ બે મહિના પહેલાં તૈયાર થઈ જાય. આ સમય દરમિયાન કોઈ ઘરેલુ શ્રેણી કે વિદેશ પ્રવાસ ના કરે.

You might also like