કેપ્ટન તરીકે ઇન્દોરમાં ક્યારેય વિરાટ હાર્યો નથીઃ આજે પંજાબ સામે ટક્કર

ઇન્દોરઃ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ગત મેચમાં થયેલા પરાજયમાંથી બહાર આવીને કિંગ્સ ઈલેવન પંજાબની નજર આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિજય રથને રોકવા પર રહેશે. વિરાટ કોહલી આ પહેલાં ભારતીય કેપ્ટન તરીકે ઇન્દોરમાં ઘણી મેચ રમી ચૂક્યો છે અને ક્યારેય પણ હાર્યો નથી.

વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં એક ટેસ્ટ, એક ટી-૨૦ મેચ અને એક વન ડે મેચ રમી છે. આ ત્રણેય આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમને જીત મળી છે. આમાંનો છેલ્લે મુકાબલો શ્રીલંકા સામે ટી-૨૦ ફોર્મેટનો હતો, જેમાં ભારતનો ૮૮ રનથી વિજય થયો હતો.

કિંગ્સ ઈલેવન પંજાબ હવે અહીંથી કોઈ જોખમ ઉઠાવવા નહીં ઇચ્છે. અહીંથી એક પણ પરાજય તેને પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે. પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સના એકસરખા ૧૨-૧૨ પોઇન્ટ છે, પરંતુ પંજાબ વધુ સારા રનરેટને કારણે ત્રીજા સ્થાન પર છે, જ્યારે કોલકાતા ચોથા સ્થાન પર છે. પંજાબ પાસે આજે આરસીબી સામે જીત મેળવીને પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક છે.

કોલકાતા સામેની મેચમાં અંતિમ ઓવર્સમાં પંજાબના બોલર્સ રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમનાે બેટિંગ ક્રમ મુખ્યત્વે ક્રિસ ગેલ અને લોકેશ રાહુલ પર જ નિર્ભર રહે છે. ગેલ પોતાની જૂની ટીમ સામે આજે હાથ ખોલવા ઇચ્છશે. ગત મેચમાં કેપ્ટન અશ્વિને પણ આક્રમક ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં મુજીબ ઉર રહેમાન અને એન્ડ્રુ ટાય ઉપરાંત કેપ્ટન અશ્વિન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે.

વિરાટની ટીમે ગત શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટથી હરાવીને વાપસી કરી હતી. તેને પ્લેઓફની દોડમાં બની રહેવા માટે આજની મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડે તેમ છે. ટીમ સંપૂર્ણ રીતે કોહલી અને ડિવિલિયર્સ પર નિર્ભર છે. આ જોડીએ ગત મેચમાં ૧૧૮ રનની ભાગીદારી નોંધાવીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.

You might also like