VIDEO: હાર્દિક પંડ્યાને થ્રોના કારણે ઇજાગ્રસ્ત થયો વિકેટકીપર

મંગળવાર (17 એપ્રિલ)ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)11ની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો વિકેટકીપર ઇશાન કિશન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. રૉયલ ચેલેન્જર બેંગ્લોરની વિરુદ્ઘની મેચમાં વિકેટ કીપિંગ કરતા ઇશાન કિશનને બૉલ વાગવાને કારણે તેણે ઇજા પહોંચી હતી અને ગંભીર હાલત હોવાને કારણે અધવચ્ચે મેચ છોડવી પડી હતી. ઇશાનને હાર્દિક પંડ્યાના થ્રોના કારણે ઇજા પહોંચી હતી. જોકે હજુ સુધી ઇશાન કિશનની હાલત કેવી છે તે અંગે કોઇ જાણકારી મળી નથી.

 

વાસ્તવમાં 12માં ઑવરમાં બુમરાહની ઑવરમાં વિરાટ કોહલીએ શૉટ માર્યો. હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રી લાઇનથી થ્રો ફેંક્યો, બૉલની ટપ્પી પડતાં 19 વર્ષના ઇશાનના ચહેરા પર વાગ્યો જે પછી તે મેદાન પર જ ફસડાઇ પડ્યો. જોકે આ ઘટના પછી તરત જ ફિઝિયોથેરપિસ્ટને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યો પરંતુ ઇશાનને દુ:ખાવો ન ઓછો થતાં અધવચ્ચે મેચમાંથી પરત ફરવુ પડ્યું હતુ. જોકે ઇશાન કિશન પછી આદિત્ય તારેને વિકેટ કીપિંગ માટે બોલાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 46 રનથી હરાવી દીધુ. મુંબઇ ઇન્ડિયન્સની આ સિઝનની પહેલી જીત છે. મુંબઇએ પહેલા બેટિંગ કરતા 214 રન કર્યા, જ્યારે ટાર્ગેટનો પીછો કરવા આવેલી બેંગ્લોરની ટીમે 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવતા 167 રન કર્યા હતા. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 92 રન કર્યા, જેમાં 7 બાઉન્ડ્રી અને 4 સિક્સર્સ ફટકારી હતી. જ્યારે મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ 94 રન કર્યા જ્યારે ઇવિન લૂઇસે 65 રન કર્યા હતા.

You might also like