દિલ્હી ડેરડેવિલ્સ પાસે સન્માન બચાવવાની અંતિમ તકઃ વિરાટ સેનાને હરાવી શકશે?

નવી દિલ્હીઃ ઋષભ પંતની તોફાની સદી છતાં પોતાના ઘરમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય વહોર્યા બાદ દિલ્હી ડેરડેવિલ્સની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ લગભગ ખતમ થઈ ચૂકી છે. ઋષભ પંત, નવોદિત કેપ્ટન શ્રેયસ ઐયર અને પૃથ્વી શો જેવા યુવાઓએ બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ એક ટીમ તરીકે નિષ્ફળ જવાને કારણે દિલ્હી ડેરડેવિલ્સ પોઇન્ટ ટેબલમાં ક્યારેય ઉપર આવી જ શકી નહીં.

દિલ્હી માટે આરસીબી સામે આજે અહીં રાત્રે ૮.૦૦ વાગ્યે રમાનારો મુકાબલો સન્માન બચાવવાની લડાઈ સમાન છે. દિલ્હી હવે પોતાનું સન્માન આરસીબી સહિત પોતાની ત્રણેય મેચ જીતીને જ બચાવી શકે તેમ છે. દિલ્હી માટે જરૂરી એ છે કે હવે બધું જ ભૂલીને આગામી ત્રણ મેચમાં જીતના ઇરાદા સાથે મેદાનમાં ઊતરે.

વિરાટ કોહલીના નેતૃત્વવાળી આરસીબીના દસ મેચમાં ત્રણ જીત સાથે છ પોઇન્ટ છે અને તે પણ પોતાની ચારેય મેચ જીતીને ૧૪ પોઇન્ટ સુધી પહોંચવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

ફિરોજશાહ કોટલા મેદાન પર મેચનું પરિણામ જે પણ આવે, દિલ્હીના ક્રિકેટ ચાહકો પોતાના બે ‘લાડલા’ ઋષભ પંત (દિલ્હી ડેરડેવિલ્સ) અને વિરાટ કોહલી (આરસીબી) પાસેથી તોફાની બેટિંગની આશા રાખી રહ્યા છે. બેંગલુરુ માટે સૌથી સારા સમાચાર એ છે કે તેણે ૧૭ એપ્રિલ, ૨૦૧૬ બાદ દિલ્હી સામે કોઈ મેચ ગુમાવી નથી અને તેની ટીમ પોતાના આ હરીફ સતત પાંચમી વાર હરાવવા માટે કોઈ કસર નહીં છોડે.

બેંગલુરુ તરફથી વિરાટ કોહલી (૩૯૬ રન) સૌથી વધુ બનાવનારો બેટ્સમેન છે, જ્યારે ડિવિલિયર્સ (૨૮૬ રન), મનદીપસિંહ (૨૩૨) અને ડિ’કોક (૨૦૧ રન)એ ટુકડે ટુકડે સારું પ્રદર્શન કર્યું છે. જે પરિસ્થિતિ દેખાઈ રહી છે તે જોતાં આજની મેચમાં જે પણ ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ સારી રહેશે તેની જીતવાની શક્યતાઓ વધી જશે. એમ પણ ફિરોજશાહ કોટલા મેદાન પર મોટો સ્કોર ખડકવો આસાન વાત નથી હોતી.

You might also like