રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી ડેરડેવિલ્સ માટે આજે ‘કરો યા મરો’નો મુકાબલો

નવી દિલ્હીઃ આઠ મેચમાંથી છ મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર થવાએ પહોંચી ગયેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમ માટે આજે રાજસ્થાન સામેનો મુકાબલો “કરો યા મરો’ સમાન છે. ગૌતમ ગંભીરે કેપ્ટનશિપ છોડી દીધા બાદ શ્રેયસ અૈયરને દિલ્હી ટીમનું નેતૃત્વ સોંપી દેવામાં આવ્યું છે, જેણે ૪૦ બોલમાં અણનમ ૯૪ રન બનાવીને ફિરોજશાહ કોટલા મેદાન પર કોલકાતા સામે ટીમને ૫૫ રને જીત અપાવી હતી, જોકે ચેન્નઈની ટીમે દિલ્હીને ૧૩ રને હરાવી દઈને દિલ્હીની વાપસીની ઇચ્છાઓ પર પાણી ફેરવી દીધું હતું. હવે ઐયરને પોતાની ટીમને દરેક મેચ જીતવા માટે પ્રેરિત કરવી પડશે, જેથી ટૂર્નામેન્ટમાં તેનું અસ્તિત્વ જળવાઈ રહે.

ઐયર અત્યાર સુધી વર્તમાન આઇપીએલમાં ૩૦૬ રન અને ઋષભ પંત ૨૫૭ રન બનાવી ચૂક્યો છે. બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટે ૧૧ વિકેટ ઝડપી છે, પરંતુ બીજા છેડાથી બોલ્ટને યોગ્ય સહયોગ મળી રહ્યો નથી.

વિજય શંકરે જણાવ્યું કે, ”એક ટીમ તરીકે અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ નાની નાની ભૂલો અમને ભારે પડી રહી છે. અમે ચેન્નઈ સામે વિશાળ લક્ષ્ય હાંસલ કરવાની નજીક પહોંચી ગયા હતા, પરંતુ અમે લક્ષ્યથી થોડા દૂર રહી ગયા.”

બીજી તરફ રાજસ્થાન સાત મેચમાં છ પોઇન્ટ સાથે પાંચમા સ્થાન પર છે. અજિંક્ય રહાણેની ટીમ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. એક મેચ જીત્યા બાદ તેણે એક મેચ ગુમાવી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેમણે પોતાના પ્રદર્શનમાં ઘણો સુધારો કરવો પડશે.

હૈદરાબાદ સામે તેઓ ૧૫૨ રનના લક્ષ્યનો પીછો કરી શક્યા નહોતા અને ૧૧ રનથી મેચ હારી ગયા હતા. એ મેચમાં રહાણેએ ૬૫ અને સંજુ સેમસને ૪૦ રન બનાવ્યા હતા, અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.

બેન સ્ટોક્સ અને જોસ બેટલરના કંગાળ પ્રદર્શનના કારણે પણ રાજસ્થાન રોયલ્સને ઘણું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. બોલર્સમાં જોફ્રા આર્ચરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ સ્પિનર શ્રેયસ ગોપાલ અને કે. ગૌતમ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા છે. ટૂંકમાં ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે રાજસ્થાન સામે દિલ્હીએ કોઈ પણ ભોગે વિજય મેળવવો જ પડશે.

You might also like