પંજાબ કિંગ્સ ઈલેવને તેવટિયાને અત્યાર સુધી ક્યાં છુપાવીને રાખ્યો હતો?

મોહાલીઃ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે છેવટે ૨૩ વર્ષીય બોલર રાહુલ તેવટિયાને અત્યાર સુધી ક્યાં છુપાવીને રાખ્યો હતો? આ સવાલ દરેક ક્રિકેટ ચાહકના મનમાં ઊભો થયો છે, જેણે ગઈ કાલે રાત્રે પંજાબ અને કોલકાતા વચ્ચેનો મુકાબલો જોયો હશે.

ગઈ કાલે પંજાબે કોલકાતાને ૧૬૮ રનનું લક્ષ્ય આપ્યું હતું. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી કોલકાતાની ટીમે નવ ઓવરમાં એક વિકેટે ૭૮ રન બનાવી લીધા હતા. બધું કોલકાતાના પક્ષમાં હતું. ૧૦મી ઓવરમાં બોલ રાહુલ તેવટિયાને સોંપવામાં આવ્યો અને આ વર્તમાન સિઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલા રાહુલ તેવટિયાએ ઓવરના ત્રીજા અને પાંચમા બોલ પર કોલકાતાના કેપ્ટન ગૌતમ ગંભીર (૮ રન) અને ત્યાર બાદ શાનદાર ફોર્મમાં રમી રહેલા રોબિન ઉથપ્પા (શૂન્ય રન)ને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો.

કોણ છે રાહુલ તેવટિયા?
૨૩ વર્ષીય રાહુલ તેવટિયા હરિયાણાનો જમણેરી સ્પિનર છે. તે અત્યાર સુધી પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં કુલ પાંચ મેચ રમ્યો છે, જેમાં તેણે કુલ આઠ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તે સારો ડાબોડી બેટ્સમેન પણ છે. ગઈ કાલની મેચમાં જ્યારે તેને બેટિંગ કરવા માટે અંતિમ ઓવર્સમાં તક મળી ત્યારે તેણે આઠ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ ૧૫ રનની ઇનિંગ્સ રમી નાખી હતી. તેવટિયા આ પહેલાં આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સનો હિસ્સો રહી ચૂક્યો છે. રાહુલને ૨૦૧૪માં રાજસ્થાન રોયલ્સે રૂ. ૧૦ લાખમાં ખરીદ્યો હતો. એ સિઝનમાં તેણે કુલ ત્રણ મેચ રમી અને બે વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ૨૦૧૫માં તેને ફક્ત એક મેચમાં રમવાની તક મળી. પછી રાજસ્થાન રોયલ્સ સસ્પેન્ડ થઈ અને ૨૦૧૬માં રાહુલને કોઈએ ખરીદ્યો નહીં. ૨૦૧૭ની હરાજીમાં પંજાબની ટીમે આ ખેલાડીને રૂ. ૨૫ લાખમાં ખરીદ્યો, પરંતુ પંજાબની ૧૧ મેચ પૂરી થયા બાદ તેને મેદાનમાં ઊતરવાની તક મળી અને આ તક રાહુલને ઝડપી લીધી.
http://sambhaavnews.com/

You might also like