ભારતના લોકો ટીકા કરતા રહ્યા, પરંતુ એક કાંગારું આ ખેલાડીને સમજી શક્યો

મુંબઈઃ મહેન્દ્રસિંહ ધોનીને પુણેના કેપ્ટનપદેથી જ્યારે હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે મીડિયાથી માંડીને ઘણા દિગ્ગજોએ એટલે સુધી કહી નાખ્યું હતું કે ધોનીની નિવૃત્તિનો આ જ યોગ્ય સમય છે. જ્યારે ટૂર્નામેન્ટમાં તે બેટિંગમાં ઘણી વખત ફ્લોપ રહ્યો ત્યારે બધાંએ ધોનીની આકરી ટીકા કરી અને કેટલાકે તો તેની વધતી ઉંમરની પણ યાદ અપાવી દીધી, જોકે ધોનીએ પ્લેઓફમાં મુંબઈ સામે ફરી એક વાર દેખાડી આપ્યું કે જ્યારે ટીમને મોટી મેચમાં તેની જરૂર હોય છે ત્યારે તે દમ દેખાડે છે. ધોનીએ મુંબઈ સામે પહેલાં ક્વોલિફાયરમાં ૨૬ બોલમાં અણનમ ૪૦ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ધોનીની એ ઇનિંગ્સના દમ પર જ પુણેનો સ્કોર ૧૬૨ રન સુધી પહોંચી શક્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ ૧૪૨ રન જ બનાવી શકી અને ૨૦ રનથી મેચ હારી ગઈ. જો ધોની ૪૦ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ ના રમ્યો હોત તો મેચનું પરિણામ કંઈક અલગ જ આવ્યું હોત.

સ્મિથને જ્યારે પુણેનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે સ્મિથ એ વાતને સારી રીતે સમજતો હતો કે ટીમમાં ધોનીની હાજરી કેટલી મહત્ત્વની છે. દરેક મેચમાં તે ધોની પાસેથી સલાહ-સૂચન લેતો નજરે પડ્યો હતો. થોડા દિવસ પહેલાં ધોનીના ફોર્મ અંગે સ્મિથને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સ્મિથે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ”ધોની એક અદ્ભુત ખેલાડી છે અને મોટી મેચમાં તે જરૂર કામ આવે છે.” સ્મિથના આ શબ્દો મુંબઈ સામેની ક્વોલિફાયર મેચમાં જ ધોનીએ સાચા પાડી દીધા.

http://sambhaavnews.com/

You might also like