લાયન્સનાે શિકાર કરવા માટે નાઇટ રાઇડર્સ તૈયાર

કોલકાતાઃ એક તરફ આઇપીએલ-૧૦માં સૌથી મજબૂત મનાતી ટીમ, જ્યારે બીજી તરફ સૌથી નબળી ટીમ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર ટકાશે. આંકડા દર્શાવે છે કે કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ગુજરાત લાયન્સની સરખામણીમાં ઘણું વધારે ભારે છે. આજે આ બંને ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં બીજી વાર એકબીજા સામે ટકરાશે ત્યારે યજમાન ટીમ પાસેથી જોરદાર જીતની આશા રાખવામાં આવી રહી છે. જોકે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે.
પોતાની પાંચ મેચમાં ઘરઆંગણે અને હરીફ ટીમના મેદાન પર પ્રાપ્ત થયેલા બે-બે વિજય સાથે કોલકાતાની ટીમ તેના ટોચના ફોર્મમાં આગળ વધી રહી છે અને તેની સામે ગુજરાતની ટીમ તેની પાંચ મેચમાંથી ફક્ત એકમાત્ર વિજય સાથે તાલમેલ મેળવવા ઝઝૂમી રહી છે. કોલકાતાની ટીમની અત્યાર સુધીની આગેકૂચમાં કોઈ એક ખેલાડી હીરો બન્યો નથી અને ટીમની સફળતામાં દરેક ખેલાડી એકબીજાને સાથ આપી રહ્યો છે. આ જ કારણે ગૌતમ ગંભીર માટે ટીમનું નેતૃત્વ કરવું સરળ બન્યું છે.

બીજી બાજુ સુરેશ રૈનાની આગેવાની હેઠળ ગુજરાતની ટીમ માટે બૅટિંગ કે બૉલિંગમાં કાંઈ જ બરોબર બની રહ્યું નથી અને તેનો સ્પિન બૉલિંગ વિભાગ બિલકુલ નિષ્ફળ રહ્યો છે. ત્રણ દિવસના આરામ પછી કોલકાતાની ટીમ તેના ઘરઆંગણે આગામી ત્રણ દિવસમાં ઉપરા ઉપરી બે મેચ રમનાર છે, જેમાં રવિવારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ક્રિકેટ સ્ટાર્સ ભરપૂર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સામે પણ તેનો મુકાબલો થનાર છે, પણ સફળતાના ભરપૂર આત્મવિશ્વાસ સાથે રમી રહેલા કોલકાતાના ખેલાડીઓ કોઈ પણ પડકાર ઝીલવા તૈયાર છે.
http://sambhaavnews.com/

You might also like