આજે પુણે-મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ફાઈટ ટુ ફિનિશ

બેંગલુરુ: ગઇ કાલે બેંગલુરુમાં રમાયેલી બીજી કવોલિફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને છ વિકેટે હાર આપીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે આજે ર૧ મે રવિવારના રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટસ વચ્ચે ફાઇટ ટુ ફિનિશ ફાઇનલ જંગ ખેેલાશે.

આઇપીએલના ઇતિહાસમાં બીજી વાર એવું બનશે કે જ્યારે બે પડોશી શહેરો ફાઇનલમાં આમને સામને ટકરાશે. આ અગાઉ ર૦૧૧માં ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર બેંગલુરુને પરાજય આપ્યો હતો.

આઇપીએલ ર૦-ર૦ની બીજી કવોલિફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતાને ૧૦૭ રનમાં ઓલઆઉટ કરીને વિજયનો લક્ષ્યાંક ૧૪.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને તેમજ ૩૩ બોલ બાકી રાખીને હાંસલ કર્યો હતો. મુંબઇ તરફથી કૃણાલ પંડયાએ સૌથી વધુ ૩૦ બોલમાં સાત ચોગ્ગા સાથે નોટઆઉટ ૪પ રન કર્યા હતા. રોહિત શર્માએ ર૬ રનનું યોગદાન આપ્યું હતું.

આ પહેલાં જશપ્રિત બુમરાહ (૩ ઓવરમાં સાત રન પર ૩ વિકેટ)ની સ્વિંગ અને કર્ણ શર્મા (ચાર ઓવરમાં ૧૬ રનમાં ચાર વિકેટ)ની સ્પીન બોલિંગનો જાદુ કોલકાતા નાઇટ રાઇડર્સ પર એવો હાવિ થયો હતો કે સમગ્ર ટીમ ૧૮.પ ઓવરમાં ૧૦૭ રને ધરાશાયી થઇ ગઇ હતી. કોલકાતા છેલ્લે ર૦૧પમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત્યું હતું અને ત્યાર બાદ કોલકાતાની સતત છઠ્ઠી હાર છે.

હૈદરાબાદ ખાતે યોજાનારી આજની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ હવે પુણે સામે ટકરાશે. મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલમાં ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. લીગ મેચમાં પ્રથમ અને બીજા ક્રમે રહેનારી ટીમે સાતમાંથી પાંચ વખત ફાઇનલ જીતી છે. તો લીગમાં બીજા ક્રમાંકે રહેનાર ટીમ છ વખત વિજયી થઇ છે. આ સિઝનમાં બે લીગ સહિત પ્રથમ કવોલિફાયરમાં સ્મિથની ટીમે રોહિતના ખેલાડીઓને ફાવવા જ નહોતા દીધા. આ રેકોર્ડને જોતાં જીત માટે પુણેની શકયતા વધુ છે. પુણેએ અત્યાર સુધી આ સિઝનમાં મુંબઇને બે વખત લીગ મેચમાં તો એક વખત પહેલી કવોલિફાયરમાં હરાવ્યું હતું મુંબઇ બે વખત ચેમ્પિયન બન્યું છે તો પૂણે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે.
http://sambhaavnews.com/

You might also like