હૈદરાબાદ સામેની જીતથી ઉત્સાહિત દિલ્હી સુરેશ રૈનાની ટીમની મુશ્કેલીઓ વધારશે

નવી દિલ્હીઃ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં મળેલી જીતથી ઉત્સાહિત દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આજે પોતાના ઘરઆંગણે ગુજરાતસામે પોતાની ૧૦મી મેચ રમવા ઊતરશે ત્યારે તેનો લક્ષ્યાંક પ્લેઓફની દોડમાં જીવંત રહેવાનો હશે. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં દિલ્હીની આ બીજી મેચ હશે. તેણે પહેલી મેચમાં ગત મંગળવારે હૈદરાબાદને હરાવ્યું હતું. દિલ્હીએ પોતાના બેટ્સમેનોનાં પ્રદર્શનને કારણે હૈદરાબાદે આપેલા ૧૮૬ રનના મુશ્કેલ લક્ષ્યાંકને આંબી લીધો હતો તેમજ પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી હતી. બીજી તરફ ગુજરાતની ટીમ પણ સતત બે હાર બાદ પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે ધકેલાઈ ગઈ છે.

છેલ્લી મેચમાં દિલ્હીને સારી શરૂઆત મળીહતી. યજમાન ટીમને ફરી એક વાર યુવા બેટ્સમેન અને કાર્યકારી કેપ્ટન કરુણ નાયર તેમજ સંજુ સેમસન પાસેથી સારી શરૂઆતની આશા છે. જે પ્રકારનું પ્રદર્શન દિલ્હીએ છેલ્લી મેચમાં કર્યું હતું એનું પુનરાવર્તન આજે તો દિલ્હીની જીતની શક્યતાઓ ઘણી વધી જાય છે.

બીજી તરફ ગુજરાત પોતાની છેલ્લી બે રોમાંચક મેચમાં મુંબઈ અને પુણે સામે હારી ગઈ હતી. મુંબઈ સામે સુપર ઓવરમાં, જ્યારે પુણેના બેન સ્ટોક્સની સદીએ ગુજરાતને જીતવા દીધું નહોતું. ગુજરાત પાસે ટી-૨૦ના વિસ્ફોટક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ, એરોન ફિંચ, સુરેશ રૈના અને ડ્વેન સ્મિથ છે. આ તમામ બેટ્સમેન કોઈ પણ બોલિંગ આક્રમણનો કચ્ચરઘાણ કાઢી નાખવા સક્ષમ છે. બોલિંગ ગુજરાતનું નબળું પાસું રહ્યું છે. વળી એન્ડ્ર્યુ ટાઇ ઈજાગ્રસ્ત થવાને કારણે ગુજરાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
http://sambhaavnews.com/

You might also like