IPL-10: KKR સામે લાયન્સનો ટોચનો બેટિંગ ક્રમ મોટો પડકાર

રાજકોટઃ પોતાના ઘરેલુ બોલર્સ પર ઘણી હદે નિર્ભર કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) માટે આઇપીએલ-૧૦ની પહેલી મેચમાં ઘણા પડકારો છે. કેકેઆર સામે સૌથી મોટો પડકાર ગુજરાત લાયન્સનાે ટોચનાે બેટિંગ ક્રમ છે, જેમાં કેટલાક દિગ્ગજ વિદેશી બેટ્સમેન સામેલ છે. સુરેશ રૈનાના નેતૃત્વવાળી ગુજરાત લાયન્સની ટીમે ગત વર્ષે પોતાના પદાર્પણ વર્ષમાં જ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે લીગ રાઉન્ડમાં ટોચના સ્થાને રહી હતી.

એ અલગ વાત છે કે ગત વર્ષે ગુજરાતની ટીમ ક્વોલિફાયર્સમાં સારું પ્રદર્શન કરી શકી નહોતી અને છેવટે તેને ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. કેકેઆરે પણ ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે અને ગત વર્ષે તે ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. ગુજરાત લાયન્સનો બેટિંગ ક્રમ બધી ટીમોમાં સૌથી મજબૂત છે. તેઓ પાસે ટોચના ક્રમમાં બ્રેન્ડન મેક્કુલમ, ડ્વેન સ્મિથ, એરોન ફિંચ અને સુરેશ સામેલ છે.

ગુજરાત માટે આ ચારે બેટ્સમેને ગત વર્ષે ૩૦૦થી વધુ રન બનાવ્યા હતા. મધ્યમ ક્રમમાં શાનદાર ફોર્મમાં રમી રહેલો દિનેશ કાર્તિક અને ઇશાન કિશન છે, જ્યારે જેમ્સ ફોકનર જેવો બિગ હિટર ડેથ ઓવર્સમાં પોતાની ઉપયોગિતા સાબિત કરી ચૂક્યો છે. ડ્વેન બ્રાવો અને રવીન્દ્ર જાડેજા સંપૂર્ણપણે ફિટ થયા બાદ જ આ વર્ષે રમવાના છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરનારા જાડેજા અંગે લાયન્સના બ્રેડ હોજ પણ કહી ચૂક્યો છે કે તેની ગેરહાજરી અન્ય કોઈ ખેલાડી ભરપાઈ કરી શકે નહીં. નિશ્ચિત રીતે આજની મેચમાં કેકેઆર સામે જાડેજાની ગેરહાજરી લાયન્સને વર્તાશે જ.

ગુજરાત લાયન્સની બોલિંગ ઘણી હદે ઘરેલુ બોલર્સ પર નિર્ભર છે, જેમાં ધવલ કુલકર્ણી અને પ્રવીણકુમાર મુખ્ય છે. સ્મિથ અને ફોકનરની ઉપસ્થિતિથી રૈના પાસે વધુ વિકલ્પ રહેશે. જાડેજાની વાપસી સુધી સ્પિન વિભાગની જવાબદારી શાદાબ જકાતી અને શિવિલ કૌશિક પર રહેશે. લાયન્સના આ બોલર્સની કેકેઆરના ઘરેલુ બેટ્સમેનો સામે પરીક્ષા થશે, જેનું નેતૃત્વ ગૌતમ ગંભીર કરી રહ્યો છે.

કેકેઆર પાસે ગંભીર ઉપરાંત રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, સૂર્યકુમાર જાદવ, ઇશાંક જગ્ગી અને યુસુફ પઠાણ છે. કેકેઆરને વિન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની ખોટ સાલી રહી છે, જેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગેલો હોવાથી તે આ વખતની આઇપીએલમાં રમી રહ્યો નથી. આથી ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સ અને ન્યૂઝીલેન્ડના કોલિન ડી ગ્રેન્ડહોમ પર વધુ જવાબદારી રહેશે.

કેરેબિયન સ્પિનર સુનીલ નરૈન ફરી એક વખત કેપ્ટન ગૌતમ ગંભીરનો હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. નરૈને કેકેઆર તરફથી અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. સ્પિન વિભાગમાં તેનો સાથ આપવા માટે શાકિબ અલ હસન અને ચાઇનામેન બોલર કુલદીપ યાદવ છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાલા ટેસ્ટમાં પ્રભાવશાળી પદાર્પણ કર્યું હતું. ઉમેશ યાદવ શરૂઆતની બે મેચમાં રમવાનો નથી તેથી ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પાસેથી કેકેઆર સારા પ્રદર્શનની આશા રાખી રહી છે.

http://sambhaavnews.com/

You might also like