આજે મુંબઈ ઘરઆંગણે હૈદરાબાદને જીતની હેટટ્રિક કરતું રોકી શકશે?

મુંબઈઃ આજે વાનખેડેમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. મુંબઈ અત્યાર સુધી બે મેચ રમ્યું છે, જેમાં એક મેચમાં જીત અને એકમાં હાર મળી છે. હૈદરાબાદ અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી ચૂક્યું છે અને પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. સવાલ એ છે કે ઘર આંગણે શું મુંબઈ મહેમાન ટીમ હૈદરાબાદને જીતની હેટ ટ્રિક કરતું રોકી શકશે ખરું? બંને ટીમ પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. યુવા ખેલાડીઓમાં મુંબઈ પાસે નીતિશ રાણા, કુણાલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ છે, જ્યારે હૈદરાબાદ પાસે અફઘાની યુવા લેગ સ્પિનર રાશિદ ખાન અને ઓલરાઉન્ડર તરીકે મોઇઝેક હેનરિક છે.

કોલકાતા સામે મુંબઈની જીતમાં ટીમના દરેક ખેલાડીનું યોગાદાન હતું. કુણાલે પોતાની બોલિંગથી કોલકાતાના બેટ્સમેનોને દબાવમાં રાખ્યા હતા, જ્યારે રાણા અને હાર્દિકે પોતાની બેટિંગથી શાનદાર પ્રદર્શન કરતાં પોતાની ટીમને જીત અપાવી હતી. મુંબઈને કેપ્ટન રોહિત શર્મા, પોલાર્ડ અને સ્પિનર હરભજનસિંહ જેવા અનુભવી ખેલાડીઓ પાસે સારા પ્રદર્શનની આશા છે. મલિંગા અને બૂમરાહને કારણે મુંબઈની ટીમ મજબૂત દેખાઈ રહી છે, જોકે ટીમ બોલિંગ આક્રમણમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. ન્યૂઝીલેન્ડના મેક્લેઘનના સ્થાને આજે ટિમ સાઉધીને મુંબઈ તક આપે તેવી શક્યતા છે.

બીજી તરફ હૈદરાબાદની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર નજરે પડી રહી છે. ટીમ ઘણી બેલેન્સ છે. તેની પાસે એવા ખેલાડીઓ છે, જે એકલા હાથે ટીમને જીત અપાવી શકે છે. બેટિંગમાં શિખર ધવન, કેપ્ટન ડેવિડ વોર્નર, યુવરાજસિંહ, હેનરિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે, જ્યારે બોલિંગમાં આશિષ નેહરા, ભુવનેશ્વરકુમારે ટીમને મજબૂતી આપી છે.

ફટકાબાજ ઓલ રાઉન્ડર યુવરાજને ગુજરાત લાયન્સ (જી.એલ.) સામેની બીજી મેચમાં બૅટિંગ કરવાની તક મળી નહોતી, કારણ કે એ મેચમાં સુકાની ડેવિડ વોર્નર અને ઓસ્ટ્રેલિયાની ટીમના તેના સાથી ખેલાડી મોઈસીસ હેનરિક્સે વિજય મેળવવા માટેનો નાનો જુમલો પોતાની શાનદાર રમતથી પાર કરી દીધો હતો. વોર્નર તેના બૅટિંગ ફોર્મમાં પાછા ફરવાથી મુંબઈની ટીમની ચિંતા વધી હશે. અફઘાનિસ્તાનનો લેગ-સ્પિનર રશીદ મેચમાં બધાનું આકર્ષણ બનશે, જેણે અગાઉની બે મેચમાં હરીફ બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકી દેતા અત્યાર સુધીમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે.
http://sambhaavnews.com/

You might also like