સોશિયલ મીડિયા કહે છે, IPL-10ની ફાઇનલ ફિક્સ હતી

મુંબઇ: આઇપીએલ ર૦૧૭ની રોમાંચક સફર હવે સમાપ્ત થઇ ચૂકી છે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમે શ્વાસ થંભાવી દે એવા મુકાબલામાં જીત હાંસલ કરીને આઇપીએલની દસમી સિઝનની ટ્રોફી જીતી લીધી છે. મુંબઇની આ ત્રીજી જીત છે, પરંતુ આઇપીએલના ફાઇનલ મુકાબલા બાદ હવે મુંબઇની જીત પર સોશિયલ મી‌િડયા પર અનેક પ્રકારના સવાલો ઊઠ્યા છે. માત્ર એક જ રનથી રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બનેલ મુંબઇ ઇન્ડિયન્સની જીત અંગે જુદા જુદા પ્રકારની એવી વાતો વહેતી થઇ છે કે આ ફાઇનલનું ફિક્સિંગ પહેલાંથી જ થઇ ગયું હતું.

લોકો એવું કહેતાં નજરે પડે છે કે મેચમાં ચોક્કસપણે ગરબડ થઇ છે. હવે સોશિયલ મી‌િડયા પ્લેટફોર્મ ટ્વિટર પર એવા ટ્વિટ થઇ રહ્યાં છે, જે આ વાતનો પુરાવો આપે છે. સૌપ્રથમ ટ્વિટ કરવામાં આવ્યું હતું કે ટોસ કોઇ પણ ટીમ જીતે, પરંતુ પુણેની ટીમ પહેલાં બોલિંગ કરશે એટલે કે મુંબઇ ટોસ જીતશે તો પણ બેટિંગ જ પસંદ કરશે અને પુણે જીતશે તો તે પહેલાં બોલિંગ જ પસંદ કરશે. થયું પણ આવું જ. મુંબઇએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

બીજા ટ્વિટમાં એવું જણાવાયું છે કે મુંબઇ પહેલાં બેટિંગ કરીને ૧ર૦થી ૧૩૦ વચ્ચે રન બનાવશે. મુંબઇએ પહેલાં બેટિંગ કરીને ૧ર૯ રન બનાવ્યા હતા અને પુણેને ૧૩૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા ટ્વિટમાં એવું જણાવ્યું હતું કે મુંબઇ છેલ્લી ઓવરમાં મેચ જીતશે અને મેચમાં આવું જ બન્યું હતું. મુંબઇએ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર મેચ જીતી હતી. ચોથા ટ્વિટમાં એવું જણાવ્યું હતું કે પાર્થિવ પટેલ ૧૦ રનની અંદર આઉટ થઇ જશે. એ મુજબ વિકેટકીપર અને ઓપરેટર માત્ર ચાર જ રન બનાવી શક્યો હતો અને આઉટ થઇ ગયો હતો.
http://sambhaavnews.com/

You might also like