અાઈઅોસી પ્લાન્ટમાંથી ગેસના બાટલા ભરેલી ટ્રકની ઉઠાંતરી

અમદાવાદ: સાણંદ ખાતે આવેલા આઇઓસી પ્લાન્ટમાં રવિવારે ગેસના બાટલા ભરેલી ટ્રકની ઊઠાંતરી થયાની ફરિયાદ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ટ્રક ડ્રાઇવરે રવિવારે રજા હોવાથી ટ્રકને પ્લાન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે ડુપ્લિકેટ ચાવીથી કોઇ ઇસમ તેની ચોરી કરી ગયો હતો બીજી તરફ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી રૂ.૧.૮૭ લાખની મતાની ચોરી કરી હતી. જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ મહેસાણાના વેલબુડા ગામના અને હાલ.ચાંદખેડા આઇઓસી રોડ ખાતે રહેતા અમરતભાઇ હરજી ભાઇ દેસાઇ આઇઓસીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. રવિવારે રજા હોવાથી અમરતભાઇ કુલ ૩૦૬ નંગ ગેસના બાટલા ભરેલી ટ્રકને સાણંદનાં આઇઓસી પ્લાન્ટ ખાતે લઇ ગયા હતા અને તેને ત્યાં પાર્ક કરી દીધી હતી. દરમિયાનમાં કોઇ અજાણી વ્યક્તિ ટ્રકની ડુપ્લિકેટ ચાવી લઇને ગેસના બાટલા ભરેલી ટ્રક લઇ નાસી ગઇ હતી. બીજા દિવસે સવારે જ્યારે અમરતભાઇ આઇઓસી પ્લાન્ટ ખાતે આવ્યા ત્યારે ટ્રક ન જોવા મળતાં તેમણે આસપાસમાં પૂછપરછ અને શોધખોળ હાથ ધરી હતી. જેથી તેમણે આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આસપાસના અને રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવી ચોર અને ટ્રકની શોધખોળ શરૂ કરી છે.

નિર્ણયનગરમાં આવેલી માધવબાગ સોસાયટી પાસેની અક્ષરધામ સોસાયટીમાં વિપુલભાઇ ઓમકારપ્રસાદ અગ્નિહોત્રી રહે છે. ગત ગુરુવારથી વિપુલભાઇ અને તેમનો પરિવાર બહાર ગયો હતો. તે દરમિયાનમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી ઘરમાં રહેલ રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂ.૧.૮૭ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગઇ કાલે સવારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેઓના ઘરમાં ચોરીની જાણ થતાં તેઓએ વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

You might also like