અાઈઓસીની પાઈપલાઈનમાં વાલ્વ લગાવી ઓઈલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ: વડોદરા નજીક અાવેલા ત્રિકમપુરાની સીમમાંથી પસાર થતી અાઈઓસીની પાઈપલાઈનમાં ભંગાણ પાડી ઓઈલ ચોરી કરવાના કૌભાંડનું પોલીસે પર્દાફાશ કરી અાગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના ભરતપુરથી વડોદરા સુધીની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાંથી રોજનું લાખો ગેલન કાચુ તેલ વડોદરા અાઈઓસીની રિફાઈનરીમાં પ્રોસેસ થવા અાવે છે. અહીયા પ્રોસેસ થયા બાદ અા ઓઈલનું વિતરણ કરવામાં અાવતું હોય છે. વડોદરા નજીક અાવેલા ત્રિકમપુરાની સીમમાંથી પસાર થતી અાઈઓસીની પાઈપલાઈનમાં ત્રિકમપુરા ગામના ખેડૂત અમતદિપે ભંગાણ કરી તેમાં વાલ્વ બેસાડ્યા હતા અને અા વાલ્વથી ઓઈલ ચોરીનું કૌભાંડ અાચરવામાં અાવતું હતું.

અા કૌભાંડ અંગે નંદેસરી પોલીસને બાતમી મળતા પોલીસે મોડી રાતે છાપો મારી ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કરી અાખા ખેતરમાં પાઈપલાઈનમાં ગોઠવેલા વાલ્વ પકડી પાડ્યા હતા. પોલીસે અા અંગે અાઈઓસીને જાણ કરતાં અાઈઓસી અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી અાવ્યા હતા. તપાસ દરમિયાન અા ખેડૂત ઓઈલની ચોરી કરી ભુગર્ભ ટાંકીમાં સંગ્રહ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અાઈઓસી અધિકારીઓના માનવા પ્રમાણે અત્યાર સુધીમાં લાખો રૂપિયાના ઓઈલની ચોરી થઈ હોવાનું જણાય છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી ફરાર ખેડૂત અમરદિપની શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like