ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લાવી શકે છે LPG સંચાલિત ઇસ્ત્રી

ચેન્નઇઃ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એલપીજીની ખપત વધારવા માટે નવા રસ્તા શોધી રહી છે. કંપની કપડા પર પ્રેસ કરવા માટે એલપીજી આયરન બોક્સથી લઇને ઉદ્યોગો માટે ઉપયોગી ઉપકરણ અને ટેકનિક વિકસાવી રહી છે.

કંપનીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર આર. સિધ્ધાર્થનના જણાવ્યા અનુસાર આઇઓસી ગેસથી ચાલતા આયરન બોક્સ વિકસાવવા પર વિચાર કરી રહી છે. તેનાથી લોન્ડ્રી શોપ પર કોલસા કે વિજળીના બદલે સ્વચ્છ ઇંધણ એટલેકે એલપીજીથી કપડા પર પ્રેસ કરાશે. તેમણે જણાવ્યુ કે તે કોલસાવાળા આયરન બોક્સની જેમ જ છ કિલોનું હશે અને તેની કિંમત લગભગ 7000 રુપિયા હશે. તેનાથી ઇસ્ત્રી કરવાનો ખર્ચ 50 પૈસા પ્રતિ કપડાં આવશે, જ્યારે કોલસામાં એક રૂપિયાનો ખર્ચ આવે છે.

એલપીજી આયરન બોક્સ માત્ર બે મિનિટ ઉપયોગમાં લેવાથી ગરમ થઇ જશે, જ્યારે કોલસાથી ઇસ્ત્રી 45 મિનિટમાં ગરમ થાય છે. તેમણે જણાવ્યું કે મેટલ કટિંગ યુનિટ માટે ઉપકરણ અને રાઇસમિલો, ફુડ ફેક્ટ્રી અને હોટલો માટે મોટા ગેસ સિલિન્ડર લાવવા પર પણ વિચાર કરી રહી છે. આઇઓસીને લિગ્નાઇટ માઇનિંગ અને પાવર જનરેશન કંપની એનએલસી ઇંડિયા લિ. પાસેથી કટિંગ એજ ટેકનોલોજી એલપીજીથી ચાલિત ઇંડેન નેનોકટ માટે મોટો ઓર્ડર મળ્યો છે.

You might also like