કલમાડી-ચૌટાલાને આજીવન પ્રમુખ બનાવવાનો નિર્ણય રદ

નવી દિલ્હી: ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)ના લાઇફટાઇમ પ્રેસિડેન્ટ બનાવવામાં આવેલ સુરેશ કલમાડી અને અભય ચૌટાલાની નિમણૂક રદ કરી દેવામાં આવી છે. આ વિવાદ આગળ વધે તે પહેલાં જ આઇઓએએ આ નિર્ણય કર્યો છે. આઇઓએના પ્રમુખ એન. રામચંદ્રને જણાવ્યું છે કે ચેન્નઇમાં યોજાયેલી એજીએમમાં કલમાડી અને ચૌટાલાને આઇઓએના લાઇફટાઇમ પ્રેસિડેન્ટ બનાવવાનો કોઇ પ્રસ્તાવ હતો નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે બંને સામે ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધોના આરોપો છે. કલમાડી અને ચૌટાલાને આ જવાબદારી સોંપાતાં સરકારે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનને ર૮ ડિસેમ્બરના રોજ કારણદર્શક નોટિસ જારી કરી હતી. એ વખતે જવાબ આપવાના બદલે આઇઓએએ સરકાર પાસે ૧પ દિવસનો સમય માગ્યો હતો. તેમનું કહેવું હતું કે આઇઓએના પ્રમુખ એન. રામંચદ્રન હજુ દેશની બહાર છે. તેના પર રમતગમત પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે સરકાર ખોટી બાબતોનું સમર્થન કરી શકે નહીં.

સરકારની નોટિસને ગંભીરતાથી લેવામાં આવી નથી, પરંતુ ૧પ દિવસનો સમય માગવામાં આવ્યો હતો. એટલા માટે સરકારે ફેંસલો કર્યો છે કે જ્યાં સુધી કલમાડી અને ચૌટાલાની નિમણૂક પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી એસોસિયેશનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ રહેશે.

કલમાડી સામે કોમનવેલ્થ ગેમ્સ ગોટાળાનો આરોપ છે. તેમણે પણ પોતાની નિમણૂકને લઇને છેડાયેલા વિવાદ બાદ આઇઓએના લાઇફટાઇમ પ્રેસિડેન્ટ બનવાનો ઇનકાર કર્યો હતો. આઇઓએને મોકલેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે મને એવું લાગે છે કે અત્યારે મારે આ સન્માન સ્વીકારવું જોઇએ નહીં. મારી નિમણૂક કરવા બદલ આભાર. જોકે ચૌટાલા આ પદને વળગી રહ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like