શેરબજારમાં રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે

ગઇ કાલે છેલ્લે શેરબજાર ઘટાડે બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૪૮ પોઇન્ટના ઘટાડે ૨૫,૬૩૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૮૨ પોઇન્ટના ઘટાડે ૭,૭૮૧ પોઇન્ટના મથાળે બંધ જોવાયો છે. વૈશ્વિક બજાર સહિત સ્થાનિક બજારમાં એવા કોઇ પોઝિટિવ ટ્રીગર નથી અને તેના કારણે વૈશ્વિક બજારની પાછળ સ્થાનિક બજાર પણ તૂટી રહ્યું છે.

આગામી ૧૫ અને ૧૬ ડિસેમ્બરે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક છે અને આ બેઠકમાં એક દાયકા બાદ વ્યાજના દરમાં વધારો થાય તેવી શક્યતા છે. આ બેઠકના નિર્ણય પૂર્વે શેરબજારમાં મોટી વધ-ઘટ જોવાય તેવી શક્યતા ઓછી છે. બજાર વેઇટ અને વોચ કરી રહ્યું છે. દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકાર પણ બજારથી અળગા થઇ રહ્યા છે. તેઓની ખરીદી અટકી છે તથા પ્રોફિટ સેલિંગ વધ્યું છે.

સ્થાનિક મોરચે જીએસટી બિલ શેરબજાર માટે મહત્ત્વનું બની શકે છે. સોમવારે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનો ડિટેઇલ રિપોર્ટ આવવાનો છે. તે પૂર્વે ગઇ કાલે કમિટીએ જે રીતે ટેક્સની ભલામણ કરી છે તે જોતાં હવે કેન્દ્ર અને વિરોધ પક્ષો વચ્ચે કેટલાક મુદ્દે સંમતિ બની શકે છે, જે બજાર માટે રાહતના સમાચાર બને.

You might also like