રોકાણકારો સાથે કરોડોની ઠગાઈ કરનાર જનાર્દનની ધરપકડ

અમદાવાદ: મહારાષ્ટ્રની મૈત્રેય પ્લોટ્સ એન્ડ સ્ટ્રક્ચર્સ પ્રા.લિ.ના ચેરમેન તથા ડિરેક્ટર વિરુદ્ધમાં એજન્ટોએ નોંધાવેલ 4 કરોડ 36 લાખની છેતરપિંડીની ફરિયાદમાં મણિનગર પોલીસે ડાયરેક્ટર જનાર્દન પારુલેકરની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ડિસેમ્બર-2016માં હાઇકોર્ટના આદેશ બાદ મણિનગર પોલીસે ડાયરેક્ટર જનાર્દન પારુલેકર અને ચેરમેન વર્ષા સતપાલકર વિરુદ્ધમાં છેતર‌િપંડીની ફરિયાદ દાખલ કરી હતી. જંગી વ્યાજ અને પ્લોટ્સની લાલચ આપી કંપનીએ એજન્ટો મારફતે સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો ઉઘરાવીને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા હતા. છેતર‌િપંડીના આ કેસમાં સંડોવાયેલા હાઇ પ્રોફાઇલ આરોપીઓને બોલિવૂડ હસ્તીઓ અને નેતાઓ સાથે સારા સંબંધ હોવાનું પણ સામે આવ્યું હતું.

આ કંપનીએ દેશભરમાં પોતાની શાખાઓ ખોલીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. અમદાવાદના મ‌િણનગર વિસ્તારમાં પણ તેની એક શાખા આવેલી હતી. આ કંપનીએ રાજ્યના બરોડા, રાજુલા જેવાં અનેક શહેરોમાં લોકોના રૂપિયાથી કરોડોની જમીન અને પ્લોટ્સ ખરીદ્યા હતા.

કંપનીના ચેરમેન વર્ષા સતપાલકર અને ડાયરેક્ટર જનાર્દન પારુલેકર મ‌િણનગર ખાતેના એજન્ટો મારફતે લોકોને ઊંચા વ્યાજદર તથા પ્લોટ્સ આપવાની લાલચ આપીને ડિપોઝિટ ઉઘરાવતા હતા. ગત વર્ષે નાસિકમાં બંને વિરુદ્ધમાં છેતર‌િપંડીની ફરિયાદ દાખલ થતાં ના‌િસક પોલીસે જનાર્દનની ધરપકડ કરી હતી, જ્યારે વર્ષા હજુ ફરાર છે.
http://sambhaavnews.com/

You might also like