અારોપીને માર મારવાની ફરિયાદમાં PI સહિત પોલીસ કર્મીઅો સામે તપાસ

અમદાવાદ: શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ, ત્રણ પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં એક યુવકનું અપહરણ કરીને ઢોરમાર માર્યા બાદ ખોટી ફરિયાદ દાખલ કરી હોવાના આક્ષેપના પગલે મેટ્રોપો‌િલટન કોર્ટના ચીફ મેટ્રોપો‌િલટન મે‌િજસ્ટ્રેટ બી. બી. પટેલે કોર્ટ તપાસનો આદેશ કર્યો છે.

કોર્ટમાં કરેલી ફરિયાદ અનુસાર તા.ર૯-૯-ર૦૧૭ના રોજ અસારવા વિસ્તારમાં ઓમનગરમાં રહેતાે રોહિત પટણી એ‌િકટવા લઇને ઘેવર કોમ્લેક્સની એક હોટલમાં જમવા માટે ગયો હતો. રોહિત હોટલમાં જમતો હતો તે સમયે તેની સામેના ટેબલ પર શાહીબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. પી. ડાભી અને પીએસઆઇ એમ. એસ. ઝાલા ચાર-પાંચ પોલીસ કર્મચારીઓ સાથે જમવા બેઠા હતા. રોહિતે પોલીસ કર્મચારીઓ સામે જોતાં બન્ને પીએસઆઇ ઉશ્કેરાયા હતા અને તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

બન્ને પીએસઆઇ રોહિતને હોટલની બહાર લઇ ગયા હતા અને માર મારવા લાગ્યા હતા. પોલીસની ટીમ રોહિતને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી, જ્યાં તેને પોલીસ ઇન્સ્પેેક્ટર એ. કે. પટેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ ઢોરમાર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ રોહિતનું એ‌િકટવા લઇને આવ્યા હતા, જેમાંથી દારૂની બોટલ અને એક છરી મળી આવી હતી. રોહિત પાસેથી રર હજાર પણ મળી આવ્યા હતા, જે પોલીસે ચાંઉ કરી નાખતાં તેણે પોલીસે રૂપિયા લૂંટી લીધાની બૂમો પોલીસ સ્ટેશનમાં પાડી હતી.

એએસઆઇ લાલજી દેસાઇએ તેની છાતી પર રિવોલ્વર મૂકી દીધી હતી અને કહ્યું હતું કે સાલા પોલીસની વિરુદ્ધ કંઇ પણ કરીશ તો અમે બધા પોલીસવાળા ભેગા થઇને તને જાનથી ખલાસ કરી નાખીશું. પોલીસ સ્ટેશનમાં રોહિતને માર મારતાં તે બેભાન થઇ ગયો હતો, જ્યાંથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રોહિતને સાબરમતી જેલના હવાલે કર્યો હતો. કોર્ટમાંથી જામીન લીધા બાદ રોહિત જેલની બહાર આવતાં તેને પોલીસ કમિશનર એ. કે. સિંઘને રજૂઆત કરી હતી, જોકે કોઇ તપાસ નહીં થતાં તેણે મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે.

રોહિતે શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. પટેલ, પીએસઆઇ આર. પી. ડાભી, પીએસઆઇ એમ. એસ. ઝાલા, પીએસઆઇ મેહુલ પટેલ, એસએસઆઇ લાલજી દેસાઇ, હેડકોન્સ્ટેબલ ચંદુભાઇ પંચા‌િસયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ બલાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઇ અને એલ.આર. ભવ્યસિંહ વિરુદ્ધમાં અપહરણ કર્યા બાદ મારમારીની ખોટી ફરિયાદ કરવા બદલ ફરિયાદ કરી છે. શાહીબાગ પોલીસે એ‌િકટવાની ડેકીમાંથી મળેલ દારૂ અને છરીના બે અલગ અલગ કેસ કર્યા હતા.

You might also like