Interview: દર્શકો મસાલા ટાઈપ ફિલ્મો ઇચ્છે છે

મનોરંજક અને પ્રેરણાદાયી ફિલ્મો બનાવવાના આગ્રહી સંજય સુરીએ ફિલ્મ ‘ચૌરંગા’માં અભિનય પણ કર્યો છે. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં વખણાયેલી ‘ચૌરંગા’ પ્રદર્શિત થવા જઈ રહી છે ત્યારે સંજય સાથે ખાસ વાતચીત…

‘ચૌરંગા’ને પ્રોડ્યુસ કરવા સાથે તેમાં અભિનય પણ કર્યો. શું છે ખાસ?
એનએફડીસીની સ્ક્રીન રાઈટર્સ લેબમાં એક-બીજાની સ્ક્રિપ્ટ જોઈ શકાય છે. ત્યાં આ સ્ક્રિપ્ટ હતી જે મને પસંદ આવી, મેં ઓનિરને કહ્યું અને અમે ફિલ્મ બનાવવા વિચાર્યું. ફિલ્મમાં સમય ચોક્કસ લાગ્યો, પણ તે ખૂબ જ સારી બની અને ગત વર્ષે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખણાઈ.

આટલો રિસ્પોન્સ મળવાની આશા હતી?
દરેકને આશા હોય છે. બિકાસ મિશ્રાએ પણ ફિલ્મનું સુંદર દિગ્દર્શન કર્યું છે. ફિલ્મની વાર્તા પણ સારી છે અને દરેક કલાકારોએ સુંદર કામ કર્યું છે. ફિલ્મ માત્ર બોલીવૂડ જ નહીં, ભારતીય સિનેમાનું પણ પ્રદર્શન કરે છે.

ભારતીય સિનેમાની ફિલ્મો કેમ પસંદ છે?
મનોરંજનની પરિભાષા મારા માટે અલગ છે. કોઈ મેસેજને હું ઘર સુધી લઈ જઈ શકું. આવી ફિલ્મો માટે મને ઓફર મળે તો તે હું સ્વીકારી લઉ છું, પરંતુ ફિલ્મ ન હોય ત્યારે હું અન્ય ક્રિએટિવ કાર્યમાં લાગી જાઉ છું. સમય બગાડવાનું મને યોગ્ય નથી લાગતું. જો સારી વાર્તા બતાવવી હોય તો જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવી જોઈએ. ‘માય બ્રધર નિખિલ’ પણ આવી જ રીતે બની હતી. મને અને ઓનિરને વાર્તા પસંદ હતી, પરંતુ કોઈ પ્રોડ્યુસ કરવા તૈયાર નહોતું એટલે અમે જાતે જ પ્રોડ્યુસ કરી. બાદમાં ‘સોરી ભાઈ’, ‘આઈ એમ’ જેવી ફિલ્મો પણ કરી જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો. હવે ‘ચૌરંગા’ રિલીઝ થઈ રહી છે અને વધુ બે ફિલ્મો પ્રોડક્શનમાં છે. મારી ઈન્ડિપેન્ડેન્ટ જર્ની ધીમી ભલે હોય પણ સલામત છે.

સિનેમાને બદલવાની માત્ર વાતો જ થાય છે? કોઈ પહેલ નથી કરતું?
સાચી વાત છે, એમાં ખૂબ જ સંઘર્ષ છે. મલ્ટિપ્લેક્સની ૩૦૦થી પ૦૦ની ટિકિટ પછી પોપકોર્ન અને કોફી પણ મોંઘી. એટલે જ લોકો ઈન્ડિપેન્ડેન્ટ સિનેમા નથી જોતા. આજે માર્કેટિંગ પણ ખર્ચાળ બન્યું છે. કોઈ એવી જગ્યા નથી જ્યાં કન્નડ, બંગાળી, તેલુગુ કે પ્રાદેશિક ફિલ્મો જોઈ શકાય. આપણે એક-બીજાની ફિલ્મો જોવી જરૂરી છે, પરંતુ અન્ય ફિલ્મોને જગ્યા મળતી નથી.

કોઈ મોટી ભૂમિકા કરવાની ઇચ્છા છે?
લોકો મારું કામ પસંદ કરે છે. હું મારા ક્રાફ્ટની જાણકારી રાખંુ છું, પરંતુ આ ક્ષેત્ર ખર્ચાળ હોઈ લોકો મોટા બેનર સાથે કામ કરવાની ઇચ્છા રાખે છે. હું અને ઓનિર કોઈ કહાની અંગે વિચારીએ ત્યારે તેમાં ભૂમિકા કોણ ભજવશે તે નક્કી નથી કરતા. અમે ફિલ્મો બનાવીએ છીએ, પ્રોજેક્ટ નહીં.

‘ચૌરંગા’ માટે સંઘર્ષ કરવો પડ્યો?
સંઘર્ષ રહે છે, પરંતુ અમે ડરતા નથી. હવે લોકો મસાલા ટાઈપ ફિલ્મો ઇચ્છે છે. મને લાગે છે કે, મારી ફિલ્મનો પ્રથમ દર્શક હું જ હોવો જોઈએ. જો એ મને પસંદ આવે તો હું પ્રેક્ષકો સુધી પહોંચાડી શકું. એક પ્રોડ્યુસર તરીકે અમે પણ કમાણીની આશા રાખીએ, પરંતુ અમે હકીકતથી વાકેફ છીએ. આવી ફિલ્મ ઓછા સ્ક્રીનમાં રિલીઝ થાય અને લોકોને પસંદ આવે તો એ બીજા શહેરોમાં ચાલે. જોકે આવી ફિલ્મોમાં ડિસ્ટ્રિબ્યુશન લેવલે તકલીફો ઊભી થાય છે.

‘ચૌરંગા’માં તે નિભાવેલી ધવલની ભૂમિકા અંગે જણાવીશ?
મેં પ્રથમ વાર ગ્ર્રામ્ય લેવલની ફિલ્મમાં કામ કર્યું. મને આ ભૂમિકાનો દંભ પસંદ આવ્યો. એક તરફ તે મજબૂત અને લેન્ડ લૉર્ડ છે, પરંતુ અંદરથી ખૂબ જ કમજોર છે. ઉચ્ચ જ્ઞાતિનું નેતૃત્વ કરનારને એક દલિત છોકરી સાથે પ્રેમ થાય, પરંતુ તે જાહેરમાં સ્વીકારી શકતો નથી.

ફિલ્મ માટે જિમ છોડવું પડેલું?
હું વધુ પડતી કસરત નથી કરતો, પરંતુ ફિટનેસમાં વિશ્વાસ રાખું છું. ફિલ્મ નિર્દેશકને આ રોલ માટે સિક્સ પેક્સ ઍબ નહોતા જોઈતા. સામાન્ય દેખાવ એ આ રોલની ખૂબી હતી એટલે મેક-અપ પણ નહિવત્ છે. બૉડી અને ભાષા માટે સ્થાનિક લેવલે કામ કર્યું એટલે જ ફિલ્મમાં મારો રોલ રિયલ લાગે છે.

સૌથી વધુ શુભેચ્છાઓ કઈ બાબતે મળી?
ગામડાનું ફિલ્માંકન લોકોને ખૂબ પસંદ આવ્યું. વાર્તા, કલાકાર અને મ્યુઝિક એટલું રિયાલિસ્ટિક છે કે, પ્રેક્ષકોને ગામડાના માહોલની કલ્પના થયા વિના ન રહે. આ ફિલ્મનું સેટિંગ લોકલ હશે, પરંતુ તેની થીમ ગ્લોબલ છે અને લોકો તેનાથી કનેક્ટ છે.

તું અને ઓનિર ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છો. ખાસ કારણ?
અમે સારા મિત્રો હોઈ અને ૧૧ વર્ષથી સાથે કામ કરીએ છીએ. લડાઈ-ઝઘડા છતાં એક-બીજાના કામને આદર આપીએ છીએ. અમારા પ્રોડક્શનની આ પહેલી એવી ફિલ્મ હતી જેનું દિગ્દર્શન ઓનિરને બદલે બિકાસે કર્યું. અમે બિકાસને પણ આ મામલે પૂરી આઝાદી આપી હતી. જોકે અમારી પાસે અનુભવ હોવાનો થોડો લાભ ચોક્કસ મળ્યો. ‘માય બ્રધર નિખિલ’ બનાવતી વખતે અનુભવ ન હોવાથી ઘણી ભૂલો કરી હતી. અમારો ધ્યેય સમાન હોઈ સાથે મળીને જે સારું લાગે તે કરીએ છીએ.

તારી આગામી ફિલ્મ અંગે કંઈ જણાવીશ?
સમીર સોની દિગ્દર્શિત સાયકોલોજિકલ થ્રિલર ‘માય બર્થ-ડે સોંગ’ આવી રહી છે, જેમાં હું મુખ્ય ભૂમિકામાં છું. હાલ તેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. બહુ જ ઝડપથી રિલીઝ થશે.

You might also like