કેટલાક મુદ્દે આપણે બાગી બનીએ છીએ

બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆતમાં નિષ્ફળતા મેળવ્યા બાદ ‘આશિકી-ર’થી પ્રખ્યાત બનેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે તેની આગામી ફિલ્મ ‘બાગી’ સંદર્ભે ખાસ વાતચીત…

‘બાગી’માં કયા પ્રકારની ભૂમિકા ભજવી છે?
આ ફિલ્મમાં સિયા તરીકે મારી ભૂમિકા સામાન્ય યુવતીઓ જેવી જ છે, જેને મોજમસ્તી કરવી ખૂબ પસંદ છે, પરંતુ કોઈ તેની સાથે ખોટું કરવાનો પ્રયત્ન કરે તો સેલ્ફ ડિફેન્સ જરૂરથી કરશે. જે તેને બાગી બનાવે છે. સામાન્ય રીતે યુવતીઓમાં સેલ્ફ ડિફેન્સનો અભાવ હોય છે. સિયાની મુલાકાત રોની (ટાઈગર શ્રોફ) સાથે થાય છે અને બંને પ્રેમમાં પડે છે.

રિઅલ લાઈફમાં કેટલી બાગી છે?
હું સેલ્ફ ડિફેન્સના સપોર્ટમાં ચોક્કસ છું અને દરેકને સેલ્ફ ડિફેન્સ અંગેની જાણકારી હોવી જ જોઈએ. રિઅલ લાઈફમાં તો આપણે બધાં કોઈ ને કોઈ ચીજવસ્તુ માટે બાગી જ હોઈએ છીએ. કોઈ વસ્તુમાં આપણને વિશ્વાસ હોય અને તેના માટે આપણે લડવું પડે એવું ઘણી વાર બને છે. આમ, કેટલાક મુદ્દે આપણે બાગી બની જઈએ છીએ.

કોઈ મુદ્દા માટે ક્યારેય બાગી બની છે?
ફિલ્મ ‘એબીસીડી’ પહેલાં કોઈને લાગતું નહોતું કે હું ડાન્સ કરી શકીશ. જોકે આજે હું પાછળ વળીને જોઉં છું ત્યારે લાગે છે કે તે મુદ્દે હું બાગી બની હતી. રિહર્સલ દરમિયાન જ મેં મન બનાવી લીધું હતું કે મારે ડાન્સમાં સુપર પરફોર્મન્સ કરવું જ છે.

આ ફિલ્મમાં ટ્રેનિંગ માટે કેટલો સમય મળ્યો હતો?
ટ્રેનિંગ માટે થોડાક જ દિવસો મળ્યા હતા, તેમાં અમુક કલાક જ પ્રેક્ટિસ થઈ શકી હતી. ‘એબીસીડી’ વખતે મેળવેલી ફિઝિકલી ટ્રેનિંગ મને આ વખતે ખૂબ જ ઉપયોગી નીવડી છે. ટાઈગરે પણ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે.

‘તીનપત્તી’ની નિષ્ફળતા બાદ સારો સમય આવશે તેમ લાગતું હતું?
મને મારા પરિવારનો ખૂબ જ સારો સપોર્ટ છે, પરંતુ તમને જાતે વિશ્વાસ ન આવે ત્યાં સુધી કંઈ થઈ શકતું નથી. મારી કારકિર્દીની શરૂઆત લૉ-ફેઈઝ રહી છે અને નિષ્ફળતામાં હું કલાકો સુધી રડી છું. જોકે હું કંઈક કરી શકીશ એવા વિશ્વાસથી પ્રયત્નશીલ રહી અને નિષ્ફળતા સામે લડવાનું પણ શીખી ગઈ છું.

ટાઈગર સાથે કામનો અનુભવ કેવો રહ્યો?
ટાઈગર સારી વ્યક્તિ છે. હું તેને ઓબ્ઝર્વ કરું છું અને તેનામાંથી પ્રેરણા લઉં છું. અમે સ્કૂલમાં સાથે હતાં અને અમારા બંનેના પિતાએ પણ સાથે કામ કર્યું છે. તમે જાણતા હોય તેવી વ્યક્તિ સાથે કામ કરવાનું કમ્ફર્ટ રહે છે. ટાઈગર સાથે કામ કરવાની મજા આવે છે.

તારી પર્સનલ લાઈફ જાણવા ફેન્સનું પ્રેશર રહે છે?
મને લાગે છે કે આ એક સ્વાભાવિક બાબત છે કે મારા ફેન્સ મારા જીવન અંગે જાણવા ઈચ્છે છે, પરંતુ હું મારા જીવનની અંગત બાબતોને ઉજાગર કર્યા વગર બીજી બાબતો ફેન્સ સાથે શૅર કરવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે મારા ફેન્સને પણ એ બાબતે કોઈ આપત્તિ નહીં હોય છે.

તારા પિતાની રીલ લાઈફ અંગે શું કહીશ?
મારા પિતા મોટેભાગે વિલનની ભૂમિકા ભજવતા એટલે મને સારું લાગતું કે હું એક મોટા વિલનની પુત્રી છું. સ્કૂલમાં સૌને લાગતું કે શ્રદ્ધા સાથે ઝઘડો કરીશું તો તેના પપ્પા ઘરે આવી જશે. મારી સાથે કોઈ માથાકૂટમાં નહોતું પડતું એટલે હું શાંતિ અનુભવતી હતી. જોકે મારા પિતા અંગે મને હંમેશાં ગર્વ રહ્યો છે કે હું શક્તિ કપૂરની પુત્રી છું.

કોઈ એવી બાબત જે વ્યસ્તતામાં પણ ખુશી આપે?
મારો દિવસ ત્યારે જ પૂરો થાય જ્યારે હું ઘરે જઈને પરિવારજનોને મળું અને તેમની સાથે ભોજન લઉં. મારો પરિવાર જ મારા માટે ખુશ રહેવાનો સૌથી મોટો મંત્ર છે. સકારાત્મક વિચારો રાખવાથી તમામ સમસ્યાઓ ઉકેલાઈ જાય છે.

ગાયકી એ તારું પ્રોફેશન બની ગયું છે?
હા, મને મ્યુઝિકનો શોખ છે અને હું તે જીવંત રાખવા ઈચ્છું છું. ‘બાગી’માં પણ એક ગીત ગાયું છે અને ‘રૉકઓન-ર’માં પણ તક મળી છે. એક્ટ્રેસ તરીકે પણ સંગીત મારી સાથે જોડાયેલું રહેશે અને હું તેને એન્જોય કરતી રહીશ.

હિના કુમાવત

You might also like