ખામોશ… હમ જો હૈં જીને કા હુનર રખતે હૈ

રાજકારણમાં પહેલેથી જ વિવાદમાં ઘેરાયેલા રહેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના શૉટગન શત્રુઘ્ન સિંહાએ તેમના જીવનની ઘટનાઓ પર પ્રકાશિત કરેલા પુસ્તક ‘એનિથિંગ બટ ખામોશ’ સંદર્ભે તેમની સાથેની ખાસ વાતચીત…

‘એનિથિંગ બટ ખામોશ’ અંગે શું કહેશો?
મારા જીવન પર પુસ્તક લખાય તે અંગે મને ક્યારેય વાંધો નહોતો. પુસ્તકની લેખિકા ભારતી પ્રધાન અને હું ઘણા સમયથી મિત્રો છીએ, પરંતુ અમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં હતાં. હવે યોગ્ય સમય છે અને પુસ્તક પણ તમારી સામે છે. મારા જીવનમાં ઘણાં ચઢાવ-ઉતાર, સ્ટ્રગલ, પેશન, ડ્રામા, હ્યુમર, કહેવાતી સફળતા, રોમાન્સ, સફળતા અને નિષ્ફળતા તથા સમર્પણ વગેરે છે. જીવનમાં જે લોકો સાથે મુલાકાત થઈ, સંબંધ રહ્યો કે તૂટ્યો તે તમામે મને કંઈક શિખવ્યું છે અને આ તમામ સચ્ચાઈ આ પુસ્તકમાં વાંચવા મળશે.

આ પુસ્તકથી યુવાનોને પ્રેરણા મળશે?
મારું આ પુસ્તક આજની પેઢી માટે ભેટ બરાબર છે. એક વ્યક્તિ માત્ર ભગવાનના આશીર્વાદ લઈને બિહારથી નીકળીને મુંબઈમાં આવે છે અને કોઈ પણ જાતની ઓળખાણ વગર માત્ર મહેનત અને સમર્પણથી એક મુકામ હાંસલ કરે છે, જેને લોકો સફળતા કહે છે. લોકોને આ સફળતા અભૂતપૂર્વ લાગે છે, કારણ કે મારા પરિવારમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈનેય દૂર સુધી કોઈ સંબંધ નહોતો. આમ છતાં મહેનતથી આગળ વધવું એ એક રોમાંચક અને પ્રેરણાદાયી અનુભવ છે.

પુસ્તકમાં રાજકીય સફરનો ઉલ્લેખ છે?
બિલકુલ. સામાજિક જવાબદારીઓ સાથે રાજકીય સફરમાં પણ મેં એક અલગ ઓળખ ઊભી કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી હું એક એવી વ્યક્તિ છું જે પૂર્ણ કદનું કેબિનેટ મિનિસ્ટ્રીપદ ભોગવ્યું છે. કોઈ મદદ વગર માત્ર મહેનતથી આ મુકામે પહોંવામાં હું સફળ થયો છુુ. મારો સંઘર્ષ લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે.

પુસ્તકમાં તમારા જીવનની ખામીઓને પણ ઉજાગર કરાઈ છે?
મને લાગ્યું કે જીવનની દરેક સચ્ચાઈ બતાવવી જોઈએ. અન્ય લોકોએ મારા અંગે જે કહ્યું છે તે તમામ વાતો પુસ્તકમાં એડિટ કર્યા વગર રજૂ કરી છે. હું માનંુ છું કે બ્લેક એન્ડ વ્હાઈટની સાથે ગ્રે શેડ પણ હોવો જોઈએ. આ એક પ્રામાણિક અને પારદર્શી બાયોગ્રાફી છે. એ સાચું છે કે ઘણી બાયોગ્રાફીમાં માત્ર ખુશામત જ હોય છે, પરંતુ આમાં એવું નથી. મેં મહત્તમ ઈમાનદારી સાથે તેને રજૂ કરી છે. એટલે જ તે બેસ્ટસેલરની સૂચિમાં પણ મુકાયું છે.

યુવાપેઢી સાથે પીઢ લોકો પણ પુસ્તકથી ઉત્સાહિત છે?
કોઈને આ પુસ્તક વાંચતો જોઉં છું ત્યારે ખૂબ સારું લાગે છે. કેટલાંક મારી આ સફળતા અંગે પૂછપરછ પણ કરે છે. પુસ્તકની લેખિકાએ તમામ વિગતો એવી રીતે રજૂ કરી છે કે તમામ વર્ગના લોકો પુસ્તકમાં પોતાને મહેસૂસ કરી શકે છે, કારણ કે તમામ સાથે કોઈ ને કોઈ ઘટના બની જ હોય છે જે તેમાં ઉલ્લેખાયેલી છે. તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તેની પ્રેરણા પુસ્તકમાંથી મળી રહે છે.

એક્ટ્રેસ સાથેના સંબંધોનો ઉલ્લેખ છે?
‘જાને કહાં ગયે વો લોગ… ન વો રાત ન વો બાત ન જજબાત…’ એ દિવસોનો ઉલ્લેખ છે, પરંતુ એ માટે પુસ્તક વાંચવું પડશે. અમે કોઈ પણ વાત વલ્ગારિટી વગર રજૂ કરી છે. અમે એકટ્રેસના ગૌરવનું પણ ધ્યાન રાખ્યું છે. મારા જીવનમાં આવેલી તમામ અભિનેત્રીઓ પાસેથી મને કંઈક શીખવા મળ્યું છે અને તેથી જ મારા જીવનમાં ઘણો બદલાવ પણ આવ્યો છે. હું એ તમામનો આભારી છું.

તમારી સાથેના એ વખતના સુપરસ્ટાર્સ સાથેના અણબનાવ અંગે પુસ્તકમાં શું છે?
કોઈ પણ ક્ષેત્રમાં મુશ્કેલીઓ આવે તે સામાન્ય બાબત છે, પરંતુ હિંમત અને સાહસથી તમામ મુશ્કેલીઓનો હલ નીકળે છે. મેં પણ એમ જ કર્યું છે. જીવનમાં ઘણાં લોકો સાથે રહ્યાં છે અને ઘણી બધી રોક પણ આવી છે. જ્યારે કોઈ નવા કામને ધ્યેય સુધી લઈ જવું હોય તો મહાત્મા ગાંધીએ કહ્યા મુજબ ઉપહાસ, ઉપેક્ષા, તિરસ્કાર અને પાવર એમ ચાર સંજોગોમાંથી પસાર થવું પડે. તેમ કરવામાં સફળ રહો તો સફળતા તમારાં ચરણોમાં આવી જાય છે.

હાલ તમારી રાજકીય સફર કેવી છે?
રાજનીતિમાં અડવાણીજી મારા મિત્ર, ફિલૉસૉફર અને ગાઈડ છે. હું તેમને અલ્ટિમેટ લીડર માનું છું. હાલ રાજનીતિમાં હું દમન અને સન્માન વચ્ચે ફસાયો છું, પરંતુ હું માનું છું કે જો તમારામાં જોમ અને જુસ્સો હશે તો તમને ચોક્કસ યોગ્ય મુકામ મળશે.

બિહારની રાજનીતિમાં તમારું પ્રભુત્વ છે ત્યારે પાર્ટીમાં કેવો બદલાવ ઈચ્છો છો?
હું હાલ રચનાત્મક અને કલાત્મક બાબતો વચ્ચે રાજકારણની વાત કરવા નથી ઇચ્છતો, પરંતુ આ ચાર પંક્તિથી તમને સમજણ ચોક્કસ પડી જશે.
લમ્હેં લમ્હેં કી સિયાસત પર નજર રખતે હૈં, હમસે દીવાને ભી દુનિયા કિ નજર રખતે હૈં, ઈતને નાદાન ભી નહીં હમ કિ ભટક કર રહ ગયે, કોઈ મંઝિલ ન હી રાહગુજર રખતે હૈ, માર હી ડાલે બેમૌત યે દુનિયા વો હૈ, હમ જો હૈ જીને કા હુનર રખતે હૈં…

તમારા જીવન પર ફિલ્મ બનશે?
મારા જીવનમાં એટલાં ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે કે એક સારી ફિલ્મ બની જાય. તેમાં વીરરસ અને હાસ્યરસ પણ છે. જો કોઈને પસંદ આવે તો ચોક્કસ ફિલ્મ બનાવી શકે છે. તેમાં રણવીરસિંહ કે પછી લવ અને કુશ મારી ભૂમિકા નિભાવી શકે છે. નિર્દેશક ઇચ્છે તો હું પણ તેમાં નાનીમોટી ભૂમિકા ભજવી શકું.

You might also like