હું દરેક ક્ષણને જીવવી અને માણવી પસંદ કરું છુંં: સાક્ષી તંવર

‘દંગલ’માં તારા પાત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, શું કહીશ?
ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મારા પાત્રને પણ. એટલે સ્વાભાવિક રીતે હું ખુશ જ હોઉં.

તેં આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું?
હા, આ ફિલ્મ માટે મને ફોન આવ્યો હતો. ઓડિશન આપવાનું કહેવામાં આવ્યું હતું. મેં ઓડિશન આપ્યું, ફિલ્મ સાઇન કરી, શૂટિંગ કર્યું ત્યારે પણ મને વિશ્વાસ નહોતો આવતો કે હું આમિર ખાન સાથે ફિલ્મ કરી રહી છું. જોકે, હું એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ ખરેખર ખૂબ સરસ છે.

આમિર ખાનની મમ્મીએ તારું નામ આપ્યું હતું એ વાત સાચી છે?
હા, સાચી છે. મને પણ આ વાતની ખબર નહોતી. એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને જ્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે મને ખબર પડી. હું થોડા દિવસ પહેલાં જ આમિરની મમ્મીને મળી અને મેં તેમનો આભાર પણ માન્યો. હું ખુશ છું કે તેમને મારું કામ ગમે છે. તેઓ મારી સિરિયલ જોતા હતા અને એટલે જ તેમણે મારું નામ સૂચવ્યું હતું. મને લાગે છે કે મારું કામ મને શોધતું શોધતું મારી પાસે આવી જ જાય છે. મારે કામ પાછળ દોડવું નથી પડતું.

હરિયાણવી ભાષા બોલવામાં કોઇ તકલીફ પડી હતી?
મારો જન્મ અલવરમાં થયો છે. ત્યાં હરિયાણવીને મળતી આવતી ભાષા બોલાય છે અને મારો ઉછેર દિલ્હીમાં થયો છે. હું દિલ્હીમાં જ્યાં રહેતી હતી ત્યાં પણ આ ભાષા બોલાતી સાંભળી છે. એટલે હું આ ભાષા સાંભળવા અને બોલવા ટેવાયેલી છું. મને ખાસ કોઇ તકલીફ ન પડી. મારું માનવું છે કે હરિયાણવી ભાષાનો અલગ ટૉન અને અંદાજ છે જે મને ગમે છે.

આ ફિલ્મનો સંદેશ છે કે છોકરીઓ છોકરાં કરતાં સહેજ પણ ઉણી ઊતરતી નથી હોતી, તારો ઉછેર એવી રીતે થયો છે?
અમે ત્રણ ભાઇ બહેન છીએ. હું સૌથી નાની છું. અમારા ઘરમાં મને અને મારી બહેનને મારા ભાઇ જેટલી જ સ્વતંત્રતા મળી છે. અમારાં માતા પિતાએ ક્યારેય દીકરી દીકરા વચ્ચે ભેદ નથી કર્યો. અમને અમારા નિર્ણયો લેવાની અને અમારી મરજી પ્રમાણેની જિંદગી જીવવાની સ્વતંત્રતા અમારાં માતા પિતાએ આપી છે. હું જ્યારે મુંબઇ આવી ત્યારે મારા પપ્પા મારી સાથે મુંબઇ આવ્યા હતા. તેમણે મને અહીં સેટલ થવામાં મદદ કરી. હું સેટલ થઇ ત્યારબાદ તેઓ દિલ્હી ગયા. આ વાત પરથી કદાચ તમને ખ્યાલ આવશે કે મારો પરિવાર હંમેશાં મારી પડખે રહ્યો છે.

તું તારી એક્ટિંગની કારકિર્દીથી સંતુષ્ટ છે?
મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એક્ટિંગના ક્ષેત્રમાં જઇશ. મને જ્યારે ‘કહાની ઘર ઘર કી’ માટે પાર્વતીની ભૂમિકા મળી અને એ ભૂમિકામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો તેનાથી જ હું સંતુષ્ટ થઇ ગઇ હતી. હું માનું છું કે એના પછી મને જે કામ, પ્રેમ ને આવકાર મળી રહ્યાં છે તે મારા માટે બોનસ સમાન છે. હું ખૂબ સંતોષી જીવ છું.

સફળ હોવા છતાં પણ સિંગલ હોવાનું પ્રેશર સહન કરવું સરળ છે?
હું નથી માનતી કે કોઈ સ્ત્રીને જીવન જીવવા માટે પુરુષની જરૃર પડે જ. હું પોતે તેનું ઉદાહરણ છું. મારું માનવું છે કે દબાણ એ વાતનું હોય જે વાતને તમે દબાણ તરીકે લેવા ઇચ્છો. હું સિંગલ છું તેનાથી હું ખુશ છું. આપણું જીવન અને આપણી ખુુશીઓ ક્યારેય કોઇની સાથે જોડાયેલી ન હોઇ શકે. તમે કોઇની સાથે રહીને પણ ખુશ ન હોવ એવું બની શકે. હું જે ક્ષણમાં જીવું છું તેને એન્જોય કરવામાં માનું છું, તેનાથી આગળ કશું વિચારતી નથી.

સાંભળ્યું છે તને ફરવાનો ખૂબ શોખ છે?
હા, મને પ્રકૃતિની વચ્ચે રહેવું ખૂબ પસંદ છે. નવાં નવાં સ્થળોની મુલાકાત લેવી, નવું નવું જાણવું વગેરે મને ગમે છે. મને લાગે છે કે ટ્રાવેલિંગ વ્યક્તિને ઘણું બધું શીખવે છે. ટ્રાવેલિંગને કારણે જિંદગી જીવવાનો અને સમજવાનો નજરિયો બદલાઇ જાય છે. હું કોઇ પણ પ્રકારનું પ્લાનિંગ નથી કરતી પણ હા, હું ટ્રાવેલિંગનું પ્લાનિંગ ચોક્કસ કરું છું. આગળ હું કયા પ્રોેજેક્ટ પર કામ કરીશ તેની મને ખબર નથી પણ હું થોડા દિવસોમાં ઉત્તર પૂર્વ ભારત ફરવા જઇ રહી છું તે નક્કી છે.

સામાન્ય યુવતીથી સેલિબ્રિટી સુધીની સફર કેવી રહી?
હું આજે પણ સામાન્ય વ્યક્તિ જ છું. હું ફરવા જાઉં છું, ફિલ્મો જોવા જાઉં છું, મૉલમાં ખરીદી કરવા જાઉં છું. મેં મારી જાતને સેલિબ્રિટી સમજીને દાયરામાં બાંધી નથી રાખી. જો તમે સામાન્યમાંથી સેલિબ્રિટી જેવો વ્યવહાર અને વર્તન કરવા ઇચ્છતા હોવ તો વાત અલગ છે, બાકી તમારે સામાન્ય વ્યક્તિ જેવી જિંદગી જીવવી હોય તો તમે જીવી જ શકો. હું આજે એટલી જ સહજ છું જેટલી વીસ વર્ષ પહેલાં દિલ્હીમાં હતી.

You might also like