ટેલેન્ટને ભાષાની મર્યાદાની જરૃર નથી

‘બેન્જો’ સાઈન કરવા પાછળનો ઉદ્દેશશો છે? ફિલ્મની પસંદગી કયા આધારે કરે છે?
મેં આ ફિલ્મ એટલા માટે સાઈન કરી છે કે તેની વાર્તા મને પસંદ આવી હતી. રવિ જાધવ સાથે મેં મરાઠી ફિલ્મ ‘બાલક પાલક’ કરી હતી. ‘બેન્જો’ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે. તેમની સાથે કામ કરવાની મને ઘણા સમયથી ઈચ્છા હતી. બેન્જો જેવી ભૂમિકા આ પહેલાં મેં ક્યારેય હિન્દી કે મરાઠી ફિલ્મોમાં નિભાવી નથી. આ મારી પ્રથમ મ્યુઝિકલ ફિલ્મ છે.

ફિલ્મમાં તારી ભૂમિકા સ્લમ બોય તરીકેની છે, તો તે નિભાવવામાં કોઈ મુશ્કેલી પડી?
સૌને લાગે છે કે મારા પિતા મુખ્યમંત્રી હતા એટલે અમારા માટે બધું આસાન હશે. જોકે એવું નથી. મારો જન્મ લાતુરમાં થયો હતો અને હું પણ ગાયની ગમાણ જોઈને ઉછર્યો છું. હું માનું છું કે મને સારું શિક્ષણ મળ્યું એટલો હું નસીબદાર હતો પરંતુ મારી કોર વેલ્યૂ ગામડાની જ છે. હું ત્યાં બાળકો સાથે નદીમાં તરવા જતો, ગાય ભેંસની પીઠ પર બેસીને રમતા અને કેરીની ગોટલીઓથી પણ રમ્યા છીએ. વર્ષમાં પાંચ મહિના હું ગામડાંમાં જ રજા ગાળતો હતો. હું રહીશ છું એવી લોકોની ધારણા છે, પરંતુ ગામડાંના એક બાળકની જેમ મારો ઉછેર થયો છે અને હું ઈચ્છું છું કે મારાં બાળકો પણ એ જમીન સાથે હંમેશાં જોડાયેલાં રહેશે.

તારાં બાળકોને પણ ગામડે લઈ જાય છે?
હુ માનું છું કે અમે ભલે મુંબઈમાં રહેતા હોઈએ પણ અમારાં મૂળ લાતુર સાથે જોડાયેલાં છે. મુંબઈમાં શું છે અને શું નથી તે હું સારી રીતે જાણું છું. મારાં બાળકો ગામડે જઈને માટીમાં રમે કે ગાય પાછળ દોડે તે મને ગમશે. હું તેમને રોકતો નથી. ગાયને પુસ્તકોમાં જોવી અને હકીકતમાં જોવામાં ઘણો ફેર છે. કેટલીક વાર ચાર ચાર દિવસની રજા હોય ત્યારે જેનેલિયા લાતુર જવાનો આગ્રહ કરે છે, ત્યારે અમે ત્યાં જઈએ છીએ અને ગ્રામ્ય સંસ્કૃતિને ભરપૂર માણીએ છીએ.

‘બેન્જો’ અંગે તને અગાઉથી જાણકારી હતી?
આજે બેન્જોની જગ્યા ડીજેએ લઈ લીધી છે. બેન્જો ૭૦થી ૮૦ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય હતો. ત્યારે સાર્વજનિક ગણેશોત્સવમાં બેન્જો જોવા મળતો, પરંતુ રવિએ જે વાર્તા લખી છે તે અંગે તેણે પૂરું સંશોધન કર્યું હશે. એક છોકરો જે બેન્જો વગાડીને રોજી રળે છે તેના પ્રેમમાં એક વિદેશી યુવતી પડે છે. હું શ્યોર છું કે આ વાર્તા ખરેખર હિટ થશે જ. રવિ સાથે મેં ‘બાલક પાલક’માં કામ કર્યું ત્યારે મને તેની ટેલેન્ટની જાણ થઈ હતી. મને વિશ્વાસ છે કે તેની આ પહેલી ફિલ્મ લોકોને ખૂબ ગમશે.

નરગિસ ફખરી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
નરગિસ ન્યૂયોર્કથી છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તે સારું કામ કરી રહી છે. ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટને ભાષાની મર્યાદાની જરૃર નથી પડતી. અમે ‘હાઉસફુલ’માં પણ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ કાસ્ટિંગમાં એક વિદેશી યુવતીની જરૃર હતી, તો તેમાં નરગિસથી વધુ સારો ઓપ્શન કયો હોઈ શકે? તેનો લુક વિદેશી એક્ટ્રેસ જેવો જ છે અને તે હિન્દી ભાષા પણ જાણે છે.

બીજા પુત્રના જન્મ પછી તારા જીવનમાં કોઈ બદલાવ આવ્યો છે?
હવે જીવનને વધુ આનંદિત થઈને જીવી રહ્યો છુંં. સાથે જ પહેલાં કરતાં જવાબદારીઓ પણ વધી છે. હવે ફેમિલીને વધુ સમય પણ આપવો પડે છે અને ઘરે પહોંચ્યા પછી બાળકો સાથે સૌથી વધુ સમય વિતાવું પણ છુંં. મારે રજા હોય તો બાળકોને સ્કૂલે મૂકવા લેવા જાઉં છુંં.

જેનેલિયા સાથેના સંબંધમાં કોઈ બદલાવ અનુભવે છે?
મને લાગે છે કે અમારો સંબંધ સમય સમય સાથે મજબુત બન્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં મેં જે મેળવ્યું છે તે જેનેલિયા વગર શક્ય ન હતુંં. તે દરેક પગલે મારા સાથે જ છે અને કોઈ વાતની કોઈ ચિંતા નથી. ઘરની ચિંતા હોય તો વ્યક્તિ યોગ્ય પરફોર્મન્સ નથી કરી શકતો. જોકે મને જેનેલિયાનો ખૂબ જ સપોર્ટ છે એટલે હું મારા કામ પર પૂરતું ધ્યાન આપી શકું છુંં.

રાજનીતિ અંગે તારો શો વિચાર છે?
દરેક લોકો મને આ જ પૂછે છે, પરંતુ રાજનીતિ એક એવો પ્રશ્ન છે જે અંગે હું હાલ કશું કહી શકું તેમ નથી. મને ફિલ્મોમાં આવ્યે ૧૪ વર્ષ થયાં છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફિલ્મો કરીશ. કાલે શું થવાનું છે તે કહી ન શકાય. હું એમ નથી કહેતો કે હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું, પરંતુ હાલ મેં તે અંગે વિચાર્યું નથી. મને રાજકારણમાં રસ છે અને હું મારી જાતને અપડેટ રાખું છુંં.

શું જેનેલિયા ફિલ્મમાં પરત આવશે?
આ તેનો નિર્ણય છે. મારું માનવું છે કે તે ખૂબ જ સારી એક્ટ્રેસ છે. મને પણ તેને સ્ક્રીન પર જોવી પસંદ છે, પરંતુ ક્યારે અને કેવી રીતે તે તેનો નિર્ણય છે. હું હંમેશાં તેની સાથે જ છુંં.

You might also like