લોકોને મારા સંબંધોની ચર્ચા વધુ ગમે છે

ફિલ્મ ‘સિટીલાઈટ્સ’થી નવોદિત અભિનેત્રી તરીકે રાજકુમાર રાવ સાથેની ભૂમિકાથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પત્રલેખાની આગામી ફિલ્મ ‘લવ ગેઇમ્સ’ સંદર્ભે તેની સાથેની ખાસ વાતચીત…

‘લવ ગેઇમ્સ’માં તારી ભૂમિકા ‘રોમાના’ અંગે ખચકાટ હતો?
ના, જ્યારે દિગ્દર્શક વિક્રમ ભટ્ટે આ ભૂમિકા અંગે જણાવ્યું ત્યારે જ મને તે પસંદ આવી ગઈ હતી. જે મારી અગાઉની ફિલ્મ ‘સિટીલાઈટ્સ’ની ભૂમિકા કરતાં તદ્દન ભિન્ન પ્રકારની છે. એક એક્ટ્રેસ તરીકે મને ‘રોમાના’ તરીકેના આ રૉલથી ઘણું શીખવા મળશે.

ઈન્ડસ્ટ્રીઝમાં ચોક્કસ પ્રકારનાં કામ ન કરવાં કોઈ નિયમો બાંધ્યા છે?
મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે અમુક પ્રકારની ભૂમિકા જ નિભાવવી. શું સાચું છે અને શું ખોટું તે અંગે પણ મને કોઈએ કંઈ કહ્યું નથી. હું દરેક રૉલને સમાન રીતે જોઉં છું, કારણ કે હું ઈન્ડસ્ટ્રીઝમાં મારો માર્ગ જાતે શોધી રહી છું. હું મારું લેસન જાતે કરી રહી છું, ભલે પછી તે ખરાબ હોય કે સારું.

રાજકુમાર રાવ સાથે ‘સિટીલાઈટ્સ’માં મળેલી સફળતાનું દબાણ ‘લવ ગેઇમ્સ’ માટે હતું?
દરેક રૉલની એક ઓળખ હોય છે. કેટલાક રોલ તમને પસંદ આવશે, કેટલાકને તમે નફરત પણ કરશો. હું ઈચ્છંુ છું કે દર્શકો ‘લવ ગેઇમ્સ’ જોઈને બહાર નીકળે ત્યારે મને નફરત કરે. આમ થશે તો જ મને લાગશે કે મેં મારો રૉલ યોગ્ય રીતે નિભાવ્યો છે. અમારું કામ અમારા રોલને બેસ્ટ રીતે પરફોર્મ કરવાનું હોય છે.

‘રોમાના’ અને પત્રલેખામાં કેટલો ફર્ક છે?
‘રોમાના’ની ભૂમિકા ભજવવી ખૂબ જ મુશ્કેલ હતી. તે હાઈ સોસાયટી સાથે જોડાયેલી છે જે જીવનમાં જીત મેળવવા માટે કંઈ પણ કરી શકે છે. તે પ્રેમમાં વિશ્વાસ નથી કરતી. આથી મારા અને ‘રોમાના’માં ફર્ક છે. જોકે કોઈ પણ ભૂમિકા નિભાવીએ પછી તે અંગે સમજાય છે અને મજા આવે છે. આ રૉલ માટે પહેરવેશ, મેકઅપ, બોડી લેંગ્વેજ જેવી દરેક બાબતે મારે બાંધછોડ કરવી પડી છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને સૌથી મોટી શુભેચ્છા કોણે આપી હતી?
મારા પરિવારે. પરિવાર મારો સૌથી મોટો સપોર્ટર્સ છે. ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ કેટલાકના ફોન આવ્યા હતા કે મેં સુંદર ભૂમિકા ભજવી છે. રાજકુમારને પણ આ ભૂમિકા પસંદ આવી. જોકે મારી નાની બહેને ટીકા પણ કરી છે. તે મારી સૌથી મોટી ટીકાકાર છે.

ફિલ્મમાં વાઈફ સ્વેપિંગ બતાવાયું છે. અગાઉ તે અંગે ક્યારેય સાંભળ્યું હતું?
હા, પરંતુ હું આવી બાબતોમાં વિશ્વાસ નથી કરતી. હું એક જ વચનબદ્ધ સંબંધમાં માનું છું. મારા માટે પ્રેમ મહત્ત્વનો છે, ચાહે તે બોયફ્રેન્ડ માટેનો હોય કે પરિવાર પ્રત્યેનો. માત્ર ચોક્કસ ફાયદા ખાતર આવું કરવાનું હું વિચારી શકું નહીં.

ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા માટે કંઈ પણ કરવા તૈયાર છે?
હું ફિલ્મમાં જે ભૂમિકા હોય તેને યોગ્ય રીતે નિભાવું છું, પછી ભલે સફળતા મળે કે ન મળે. સફળતા એ ભાગ્ય આધારિત છે. મારું કામ દર્શકોને પસંદ આવે તે જ મહત્ત્વનું છે. માત્ર સફળતા મેળવવા માટે હું ગમે તેવા રસ્તા નહીં અપનાવું. મારું કામ જ મને સફળતા અપાવશે. મારી લાઈફમાં સફળતા માટે કોઈ શોર્ટકટ નથી.

તારા કામ પર તારા અંગત જીવનની અસર પડતી હોવાનું માને છે?
હું જ્યારે કોઈ વાત કરું છું ત્યારે લોકો મારા કામને બદલે મારા સંબંધોની વધુ ચર્ચા કરે છે. આ સમય મારા માટે મહત્ત્વપૂર્ણ છે. હું ઈચ્છું છું કે લોકો મારા કામની વાતો કરે, મારી આવનારી ફિલ્મો અંગે ચર્ચા કરે. જોકે મારા અને રાજકુમારના સંબંધો અંગે ચર્ચા કરવી લોકોને વધુ ગમે છે. હું ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું અને લોકોએ મારા કામની ચર્ચા કરવી જોઈએ, પછી ભલે તે વખાણ હોય કે ટીકા.

ઈન્ડસ્ટ્રીઝમાં કામ માટે પસંદગીનો આગ્રહ રાખે છે?
હા, હું પસંદગીનું કામ કરવા ઈચ્છું છું. આજે ઈન્ડસ્ટ્રીઝમાં ‘ક્વીન’, ‘તનુ વેડ્સ મનુ’, ‘પિકુ’, ‘ડર્ટી પિક્ચર’ અને ‘સિલ્ક સ્મિતા’ જેવી ફિલ્મો બની રહી છે. હું પણ આવી કોઈ ભૂમિકાની રાહમાં છું. ફિલ્મમાં મારું પાત્ર કેવા પ્રકારનું છે તે હું ચોક્કસ ચેક કરું છું. મારું કામ લોકોને પસંદ આવવું જોઈએ. ફિલ્મની સફળતા અંગે હું કોઈ આશા રાખતી નથી.

હિના કુમાવત

You might also like