કામ વખણાય એ સૌથી મોટો ઍવોર્ડ

બંગાળી ગાયિકા મોનાલી ઠાકુરને ‘દમ લગા કે હઈશા’ના ગીત ‘મોહ મોહ કે ધાગે’ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજાઈ છે ત્યારે તેની સાથેની ખાસ વાતચીત…

તને ઍવોર્ડની જાણ થઈ ત્યારે સૌ પ્રથમ પ્રતિક્રિયા કઈ હતી?
રાષ્ટ્રીય ઍવોર્ડ જાહેર થયા છે તે મને નહોતી ખબર. હું ફ્લાઈટમાં હતી અને મારા મોબાઈલ પર અભિનંદનના મેસેજીસ આવવા લાગ્યા. મેં કોલકાત્તામાં મારા લેખક-દિગ્દર્શક મિત્રને ફોન કરીને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? ક્યાંક એવું તો નથી ને કે મારાં લગ્નની વાતો ચાલી રહી હોય અને મને ખબર જ ન હોય, કારણ કે મને સપનેય ખ્યાલ નહોતો કે મારા ગીતને ઍવોર્ડ માટે પસંદ કરાયું છે. જોકે આ ગીતને ઍવોર્ડ મળવાની જાણ થતાં હું એરપોર્ટ પર જ બધાને ખબર પડે એ રીતે બૂમો પાડવા લાગી હતી કે મારા ગીતને રાષ્ટ્રીય ઍવોર્ડ મળ્યો છે.

ગીત સાથે તારી કોઈ યાદો જોડાયેલી છે?
મેં જ્યારે એ ગીતનો અભ્યાસ કર્યો ત્યારે જ એ મને પસંદ આવી ગયું હતું, પરંતુ તેને ઍવોર્ડ મળશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. દરેક ગીતનો એક મુકામ હોય છે. તેમાં અનુ મલિકે જે સંગીત પીરસ્યું છે તે ખૂબ જ સુંદર હતું અને તેથી જ આ ગીત સંગીતમય બની ગયું હતું.

તારી સાથેના ગીતકારોએ આ અંગે શુભેચ્છાઓ પાઠવી?
સૌ કોઈ વ્યસ્ત રહે છે, પરંતુ વિશ્વાસ છે કે મને ઍવોર્ડ મળ્યાની જાણ થશે એટલે તેઓ ખુશ થઈ જશે. લોકોને તમારું કામ પસંદ આવે એ જ સૌથી મોટી સફળતા છે અને તમારું કામ વખણાય એ જ સૌથી મોટો ઍવોર્ડ છે. મને જે પર્સનલ મેસેજ મળી રહ્યા છે તે પણ એક લાગણી જ છે.

સમારંભ માટેની તૈયારીઓ કેવી છે?
હું ટ્રેડિશનલ ડ્રેસ પહેરીશ એ વાત નક્કી છે. થોડુંક રિહર્સલ પણ શીખવાનું છે, એ માટે મેં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેં ફિલ્મ ‘લક્ષ્મી’માં ભૂમિકા ભજવી હતી, હવે એક્ટિંગનો વિચાર છે?
હું ફરીથી એક્ટિંગમાં આવવા માગું છું. ઇચ્છા છે કે મારા માટે કોઈ સારી સ્ક્રીપ્ટ લખાય. નાગેશ કુકનુરની ફિલ્મ ‘લક્ષ્મી’માં મારી ભૂમિકા ખૂબ જ સંુદર હતી. એક્ટિંગ માટે હું હંમેશાં તૈયાર છું અને હવે એક યોગ્ય સ્ક્રીપ્ટ અને પ્રોજેક્ટની રાહ જોઈ રહી છું. જોકે એક્ટિંગની સાથે હું ગાયકી પર પણ પૂરતું ધ્યાન આપીશ.

હવે તારાં કયાં ગીતો રિલીઝ થનાર છે?
હકીકતમાં આ સવાલનો જવાબ કોઈ ગાયક પાસે નથી હોતો. જ્યાં સુધી કોઈ ગીત માર્કેટમાં ન આવે ત્યાં સુધી કંઈ જ ખબર ન પડે. ઘણાબધા ગાયકો પાસે એક જ ગીત ગવડાવાય છે. ક્યારેક તો ખ્યાલ પણ ન આવે કે કયા ગાયકનું ગીત ફિલ્મમાં લેવાયું છે.

મહેનતથી ગીત ગાયું હોય અને પસંદગી ન પામે તો ખરાબ નથી લાગતું?
આ કોઈ ખરાબ બાબત નથી. દરેક ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેક્ટર હોય જે રૉલને અનુરૂપ પાત્ર પસંદ કરે છે. ક્યારેક તેમની પસંદગી ગીત પર પણ હોય, પરંતુ તેઓ એ નક્કી નથી કરી શકતા કે ગીતમાં કયા ગાયકનો અવાજ બંધ બેસશે. આથી તેઓ અનેક ગાયકો પાસે એક જ ગીત રૅકોર્ડ કરાવી લે છે. એવું નથી કે ગાયકે ખરાબ ગાયું હોય, પરંતુ ફિલ્મના પાત્રને અનુરૂપ અવાજ પસંદ કરાય છે. જોકે ક્યારેક આપણી જાણ વગર ગીત બદલી નાખવામાં આવે કે મહેનતાણું ન ચૂકવાય ત્યારે ખરાબ લાગે છે.

રિયાલિટી શૉમાંથી આવતી ટેલેન્ટને કામ મળી રહે છે એમ માને છે?
હું તો રિયાલિટી શૉના પહેલા રાઉન્ડમાં જ બહાર નીકળી ગઈ હતી, પરંતુ કેટલાંક કિસ્સામાં આવા શૉ ફાયદાકારક રહે છે. કામ મેળવવા માટે સંઘર્ષ તો કરવો જ પડે છે. કેટલાક કિસ્સામાં રિયાલિટી શૉમાંથી નીકળેલી પ્રતિભા સીધી જ સ્ટાર બની છે.

આજે ફિલ્મોમાં કે શૉમાં વોઈસને ઓટોટ્યૂન કરી દેવાય છે તે યોગ્ય છે?
ગાયકના અવાજને ઓટોટ્યૂન કરી દેવાય તેમાં કોઈ સમસ્યા નથી, આજની હાઈ ટેકનોલોજીમાં હ્યુમન વોઈસને મેચ કરવો મુશ્કેલ છે. તમારી વોઈસ ક્વોલિટી સારી હોય તો પણ ક્યારેક ટેક્નોલોજીના સપોર્ટ માટે પણ આમ કરવું પડે. લાઇવ પરફોર્મન્સની બાબત હોય ત્યારે અવાજ આર્ટિફિશિયલ ન લાગવો જોઈએ. હંમેશ માટે અવાજ ઓટોટ્યૂન કરી દેવાય તો તમે લાઈવ પરફોર્મન્સ નહીં કરી શકો.

હાલ કયો પ્રોજેક્ટ કરે છે?
હાલ હું મારી ગાયકીમાં જ વ્યસ્ત છું અને રોમાંચિત છું. આ એક એવું ક્ષેત્ર છે જે બીજા દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે.

You might also like