નિષ્ફળતા પણ જીવનનો એક ભાગ છે

આકર્ષક શરીર ધરાવનાર બોલિવૂડના માચૉમેન જ્હોન અબ્રાહમ તેના ધૂમ બાઈકિંગ શોખને કારણે પણ ચાહકોમાં પ્રિય છે. તેની આગામી ફિલ્મ ‘ઢિશૂમ’ સંદર્ભે તેની સાથેની ખાસ વાતચીત…

સામાન્ય રીતે મૉડેલિંગ કરનાર ફિલ્મોમાં સફળ નથી થતા, પરંતુ તેં ૧૩ હિટ ફિલ્મો આપી.
મૉડેલિંગમાંથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવું સરળ છે પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તમારા પરિવાર પાસે ફિલ્મોનું કોઈ બેકગ્રાઉન્ડ ન હોય અને તમે ફિલ્મોમાં તમારું સ્થાન જમાવવા ઈચ્છતા હોવ.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચોક્ક્સ સ્થાન મેળવવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો?
મારી જાતને ઘણી વાર સાબિત કરવી પડી છે. હજુ પણ દરેક તબક્કે મારે મારી સમર્થતા સાબિત કરવી પડે છે. ‘વૉટર’ ફિલ્મમાં મારા અભિનયની સ્ટિવન સ્પિલબર્ગે પ્રશંસા કરી હતી, જ્યારે ‘નો સ્મોકિંગ’ને ફ્રાન્સિસ ફોર્ટ કપોલાએ વખાણી હતી. આ બંને ફિલ્મો ભારતમાં બહુ ઓછા લોકોને સમજમાં આવી હતી. ‘નો સ્મોકિંગ’ માટે આદિત્ય ચોપરાએ મને કહેલું કે તેં ઍવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યું છે પરંતુ તને ઍવોર્ડ નહીં મળે, કારણ કે તું ઍવોર્ડ માટે નથી જતો.

તને લાગે છે કે પ્રોડ્યુસર બન્યા પછી લોકો તને વધુ ગંભીરતાથી જોઈ રહ્યા છે?
‘વિકી ડૉનર’ અને ‘મદ્રાસ કાફૅ’નું નિર્માણ કર્યા બાદ લોકોમાં મારા પ્રત્યેના વિચારો ધરમૂળથી બદલાયા છે. ફિલ્મ નિર્માતા બનવું મારા માટે જરૃરી હતું, કારણ કે જે પ્રકારની ફિલ્મો હું જોવા અને કરવા માગતો હતો તે હું કરી શકતો નહોતો. જ્યારે અમે નિર્માતા બનવાનું નક્કી કર્યું અને વિકી ડૉનરની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે અમને તે ખૂબ પસંદ આવી હતી, પરંતુ મને ખબર હતી કે તેના મુખ્ય પાત્રમાં હું ફિટ નહીં થાઉં, તેથી મેં આયુષ્યમાનને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો.

તું અલગઅલગ પ્રકારની ફિલ્મો કરવામાં માને છે. આ અઠવાડિયે તારી રિલીઝ થયેલી ફિલ્મ ‘ઢિશૂમ’માં તને શું પસંદ આવ્યું?
આ ફિલ્મ મેં રોહિત ધવન અને ખાસ કરીને વરુણ ધવન માટે કરી છે. હું વરુણને પહેલી વાર ‘દેશી બોય્ઝ’ના સેટ પર મળ્યો હતો. ત્યારે તે તેની પ્રથમ ફિલ્મની તૈયારી કરી રહ્યો હતો. બાદમાં અમારી વચ્ચે સારી એવી કેમેસ્ટ્રી જામી હતી. ત્યારથી જ અમને લાગતું હતું કે અમારે કોઈ ફિલ્મ સાથે કરવી જોઈએ.

વરુણે કહ્યાનુસાર તેં ‘ઢિશૂમ’ની સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર જ રોહિત ધવનને હા કહી હતી. શું રોહિત પર તને આટલો બધો વિશ્વાસ છે ?
ડેવિડજીની ‘હૂક’ અને ‘કરુર’ પર હું કામ કરી રહ્યો હતો પરંતુ એ ફિલ્મો રિલીઝ ન થઈ શકી. રોહિત આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો ત્યારે તેનામાં જે શિસ્ત, ગંભીરતા અને આવડત હતી તે આજે પણ છે. હું રોહિતને એક જ વાત કહેતો આવ્યો છું કે ઘણા લેખક, ડિરેક્ટર અને અભિનેતાઓને સફળતા મળ્યા બાદ મેં બદલાતા જોયા છે, પરંતુ તું આ લોકોનું અનુકરણ ન કરતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ વાત હંમેશાં મહત્ત્વ રાખે છે. તે છે તમારી કામ કરવાની નીતિ.

તેં ઘણી એક્શન ફિલ્મો કરી છે, પરંતુ વરુણ માટે આ પ્રથમ અનુભવ હતો. તેને કોઈ ડર હતો?
વરુણની આ પહેલી એક્શન ફિલ્મ હતી. જોકે વરુણથી વધારે ડર મને લાગી રહ્યો હતો. ચૉપરમાં કરવામાં આવેલા એક સ્ટંટમાં ૧૮૦ પ્રતિ કલાકની ઝડપે અમારે હાર્નેસ પર લટકવાનું હતું. ત્યારે મારું ધ્યાન વરુણ પર જ હતું કે તેને બાંધવામાં આવેલા હાર્નેસ યોગ્ય રીતે ફિટ કરવામાં આવ્યા છે કે નહીં, કારણ કે મને ખબર છે કે સ્થિતિ બગડે તો શું કરવું પરંતુ તેના માટે આ અનુભવ પ્રથમ હતો.

તું બોડી ડબલનો ઉપયોગ નથી કરતો ?
મને એક્શન સિક્વન્સ કરવા ખૂબ જ પસંદ છે. આ ફિલ્મમાં મેં અને વરુણે કોઈ બોડી ડબલનો ઉપયોગ નથી કર્યો. ફોર્સ ફિલ્મમાં એક સીનમાં મારે ૧૫૦ ફૂટની ઊંચાઈ પર દોરડાં વડે લટકવાનું હતું, જેમાં વિલન આ કેબલને કાપી નાખે છે અને હું સરકીને બિલ્ડિંગના કાચ સાથે અથડાઈ બિલ્ડિંગમાં ઘૂસી જાઉં છું. આ સીન માટે મને બોડી ડબલ આપવામાં આવ્યો હતો, પરંતુ મેં તેને નકારી તે સીન જાતે કર્યો હતો.

બહુ ઓછા એવા કલાકારો છે જે સફળ થયા બાદ બદલાયા ન હોય. તેના પાછળનું રહસ્ય ?
મોટાભાગના કલાકારો સાથે એવું થાય છે કે તેને સફળતા મળ્યા બાદ તે અમુક પરિસ્થિતિઓને સહજતાથી લેવા માંડે છે અને તેનાથી ટેવાઈ જાય છે. ક્યારેક વિપરીત પરિસ્થિતિ આવી પડે તો તે એકલા લડી શકતા નથી. તો પછી આવી લાઈફસ્ટાઈલ જીવવી જ શા માટે? મારી વાત કરું તો મારી પાસે કોઈ બોડીગાર્ડ, સ્ટાઈલિસ્ટ કે આગળપાછળ ફરવાવાળા લોકો નથી. આઉટડોર શૂટિંગ દરમિયાન હું માત્ર એક મેકઅપમેન સાથે રાખું છું.

આજની નવી પેઢીને તારી કોઈ સલાહ?
આત્મવિશ્વાસ જીવનમાં સૌથી મહત્ત્વ ધરાવતી બાબત છે. તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જેમના મતે તમે અસમર્થ છો પરંતુ તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવો પડશે. નિષ્ફળતા પણ જીવનનો એક હિસ્સો જ છે.

હિના કુમાવત

You might also like