સંસ્કૃતિ અંગે વધુ ફિલ્મો બનવી જોઈએ

બે વર્ષ પછી ફિલ્મ ‘મોહેંજો દરો’ લઈને આવ્યા છો? આટલો ગેપ શા માટે?
‘બેંગ બેંગ’ પછી આશુતોષની આ ફિલ્મ સાઈન કરી ત્યારે તે ૮૦ દિવસનો પ્રોજેક્ટ હતો. આશુતોષ દરેક કહાનીની ભીતરમાં જાય છે. તે સંપૂર્ણ રિસર્ચ અને તૈયારી સાથે જ ફિલ્મ કરે છે અને મેં પણ તે રીતે કરવા દીધી. હું પણ એવો જ એક્ટર છું કે કોઈ ફિલ્મ શરૂ કરું એટલે તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઈ જાઉં છું. ભલે વધુ સમય લાગ્યો હોય, પરંતુ મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે.

ફિલ્મમાં તારું સાદગીભર્યું પાત્ર ‘સરમણ’ વખણાઈ રહ્યું છે. શું કહે છે?
હું માનું છું કે એ પ્રકારની સાદગી સૌમાં છે. આપણા વ્યક્તિત્વમાં દરેક પ્રકારનાં ઇમોશન હોય છે, જોકે એક એક્ટર તરીકે મારે મારા રૉલ મુજબ પરફેક્ટ ઇમોશન પરદે રજૂ કરવાં પડે છે. આ ફિલ્મમાં ‘સરમણ’ની ભૂમિકા ખૂબ જ સિમ્પલ હોવાથી તેને ભજવવામાં મને કોઈ મુશ્કેલી નડી નથી.

શાળામાં મોહેંજો-દરો અંગે ભણવામાં રસ પડ્યો હતો?
ઇતિહાસ વિષય મારો પ્રિય છે, અને આ સંસ્કૃતિ અંગે મને જેટલી જાણકારી મળી તે રોચક હતી. મેં જાણ્યુ કે આપણો ઇતિહાસ કેટલો જૂનો છે અને પૂર્વજો કઈ સંસ્કૃતિમાંથી આવી રહ્યા છે. મોહંજો-દરોની સૌથી પૌરાણિક સમાજવ્યવસ્થા અંગે ભણવાનું ત્યારે મેં જેટલું જાણ્યું તે રોચક લાગ્યું. આગળ જતાં આ ફિલ્મ બાળકોના અભ્યાસમાં કામ લાગશે. સંસ્કૃતિ અને ઇતિહાસ સમૃદ્ધ હોય તેવી ફિલ્મો બનવી જોઈએ.

રક્ષાબંધન નજીક છે ત્યારે સર્વાઇકલ કેન્સરની અવસ્થામાંથી બહાર આવેલી તારી બહેન અંગે શું કહીશ?
સુનૈના ખૂબ જ મજબૂત મહિલા છે. તેણે તેની જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર (બે લગ્નજીવમાં ભંગાણ અને સર્વાઇકલ કેન્સર) જોયાં છે. તે મારા માટે પ્રેરણાદાયી છે. તે જીવનમાં આટલી તકલીફ છતાં તે હંમેશાં હસતી હોય છે.

તે તારા જીવનની આદર્શ છે?
હા, એ તો છે જ. તેની સાથે હું પણ મારા જીવનનો આદર્શ છું. આજથી દસ વર્ષ પછી મને જે રીતે જોવા માગંુ છંુ તે રીતે જાતે જ આદર્શ બનું છું.

રક્ષાબંધન પર સુનૈનાને શું ગિફ્ટ આપશો?
હું તેને દર વર્ષે કોઈ ને કોઈ ગિફ્ટ આપંુ છું. આ વર્ષે હું તેને કંઈક સ્પેશિયલ આપવા ઈચ્છું છું, પરંતુ હું તે જણાવીશ નહીં. હું તેને જ્વેલરી કે શગૂન રૂપે પૈસા આપંુ છું. હું માનંુ છું કે ગિફ્ટમાં પૈસા આપો તે બહેનોને સૌથી વધુ ગમે. ગિફ્ટ લેવાનો તેનો હક બને છે.

ભાઈ-બહેનના તમારા સંબંધોની ખાસ બાબત શું છે?
અમે બંને એકબીજાને કોઈ પણ બાબતે સલાહ આપીએ છીએ અને ટીકા પણ કરીએ છીએ. આ પ્રકારનું બોન્ડિંગ દરેક ભાઈબહેનમાં હોય છે. મારી બહેન ખૂબ જ વહાલી છે.

કારકિર્દીનાં ૧૬ વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે અસફળતાનો ભય છે?
અસફળતાથી જ કંઈક શીખવા મળે છે. કેટલીક વાર અસફળ થવાથી વ્યક્તિ મૂંઝાઈ જાય છે, પરંતુ ત્યાર પછી મળેલી સફળતા મીઠી લાગે છે. આમ, અસફળતાનો સ્વાદ પણ ચાખેલો હોવો જોઈએ.જોકે ઈન્ડસ્ટ્રીઝમાં આટલાં વર્ષોથી હોવાથી હવે પહેલાં જેવો ડર નથી લાગતો. હું અસફળ થઈ શકું, પરંતુ મહેનત કરવાથી મને કોઈ રોકી શકે નહીં. નિષ્ફળતા ત્યારે જ ગણાય જ્યારે હું હાર માની લઉં.

હિના કુમાવત

You might also like