મારા માટે પ્રેમ કરવા હાલનો સમય યોગ્ય નથી

‘મિર્ઝિયા’માં દર્શકો તારી રાહ જોઈ રહ્યા હતા કે અનિલ કપૂરના પુત્રની?
મને લાગે છે કે આપણને સોંપાયેલું કામ આપણે યોગ્ય રીતે કરીએ તો લોકો આપણે જેવા છીએ તેવા જ સ્વીકારી લેશે, કોઈની સાથે તુલના નહીં કરે. ઈન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર, હૃતિક રોશન, કરિના કપૂર જેવાં ઘણાં સ્ટારકિડ્સ છે અને તેમની એક અલગ ઓળખ છે. તેમની તુલના તેમના પિતા સાથે કરવામાં નથી આવતી. મારી બહેન સોનમ પણ અનિલ કપૂરની પુત્રી તરીકે નથી ઓળખાતી, તેની પણ એક અલગ ઓળખ છે. વ્યક્તિ પોતાના કામથી પોતાની ઓળખ બનાવી લે છે.

‘મિર્ઝિયા’માં તારી ભૂમિકા અંગે શું કહે છે?
ફિલ્મમાં આદિલ અને મિર્ઝા એમ બે ભૂમિકા છે. આદિલ રાજસ્થાનમાં પેલેસ હોટેલમાં કામ કરે છે અને ત્યાં આવતાં ટૂરિસ્ટ્સને નાઈટ સફારી પર લઈ જાય છે તથા તેમની સાથે પોલો પણ રમે છે. તો મિર્ઝાની ભૂમિકા ભૂતકાળમાં લઈ જાય છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે તમે એવી વ્યક્તિને ચાહો છો જે તમારા પરિવાર માટે જોખમી છે. તમે તે વ્યક્તિને ચાહો કે પરિવારને?

તું પ્રેમની ફિલોસોફીમાં માને છે?
પ્રેમ વિશેના મારા વિચારો જુદા છે. પ્યારમાં બધું જ ગુમાવવું પડે તેમ હું નથી માનતો. કેટલીક વસ્તુ સાથે ક્યારેય સમાધાન ન થઈ શકે. હાલમાં તો હું મારા કામ પર ધ્યાન આપી રહ્યો છુંં, તે સિવાય મેં કોઈ વિચાર કર્યો નથી. પ્યાર કરવા માટે હાલનો સમય મારા માટે યોગ્ય નથી. પરિવાર મારા માટે અગ્રસ્થાને છે.

ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં પિતા કે બહેન પાસેથી કોઈ સલાહ લીધી હતી?
આ ફિલ્મ કરવાનું મને યોગ્ય લાગ્યું અને મેં તે કરી. જેની જાણ મેં પરિવારજનોને કરી હતી, પરંતુ તેમને કંઈ પૂછ્યું નહોતુંં. મેં ફિલ્મ પસંદ કરી લીધાના આઠેક માસ પછી મારા પિતાએ સ્ક્રિપ્ટ વાંચી હતી. પરિવારજનો પાસેથી ફિલ્મ અંગે હું કોઈ ક્રિએટિવ ઈનપુટ્સ અંગે માહિતી મેળવતો નથી. હા, કોમર્શિયલ કે માર્કેટિંગ ટિપ્સ અંગે ચર્ચા કરીએ છીએ.

ઈન્ડસ્ટ્રીમાં ટકવા માટે તારી પહેલી ફિલ્મથી તેં શું શીખ્યું?
મેં જોયું કે કંઈક સ્પેશિયલ મેળવવા માટે ખૂબ જ સમય લાગે છે. એ માટે ખૂબ સહનશીલ પણ બનવું પડશે અને મહેનત પણ કરવી પડશે. ટૂંકા સમયની મહેનતથી કંઈ મેળવી શકાતું નથી. લગન અને મહેનતથી જ આપણે જે જોઈએ તે જરૃર મેળવી શકાય છે.

સ્ટારકિડ્સ હોવાને નાતે તું માને છે કે ઈન્ડસ્ટ્રીમાં આવવું આસાન રહ્યું?
આજે પરિસ્થિતિ જુદી છે. દરેક વ્યક્તિ પૈસા બનાવવા ઈચ્છે છે. કોઈ પણ મારી પર એટલા માટે પૈસા નહીં લગાવે કે હું સ્ટારપુત્ર છુંં. તમારામાં કંઈ ખાસ નહીં હોય તો કોઈ તમને ફિલ્મ નહીં આપે. મેં મારી આ પ્રથમ ફિલ્મના શૂટિંગ દરમિયાન દિગ્દર્શક રાકેશ મહેરાજી પાસે હું ઘણું શીખ્યો છુંં કે એક સમયે એક જ વસ્તુ પર કામ કરો અને તેમાં લોહી રેડી દો.

ગ્લેમર વર્લ્ડને તેં બાળપણથી જોયું છે, તો ઈન્ડસ્ટ્રીેનો સૌથી મોટો ડ્રોબેક કયો લાગે છે?
કેટલાંક લોકો આપણી પાસે વધુ આશા સેવે છે અને ઇચ્છે છે કે આપણે હંમેશાં સુપર ડ્રેસઅપ રહીએ. જોકે મને લાગે છે કે વ્યક્તિ તેના કામથી ઓળખાવી જોઈએ. આપણે પણ બીમાર પડી શકીએ અને આપણા દિવસો પણ ખરાબ આવી શકે છે. કોઈનાં પેપર્સ જોયા વગર માર્ક ન આપવા જોઈએ.

ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં સમયનો અભાવ હોય છે? આવી કોઈ ફરિયાદ તારા પિતા સામે હતી?
મને તેમના પ્રત્યે આ ફરિયાદ હાલના દિવસોમાં જણાય છે. હું નાનો હતો ત્યારે મારી દુનિયામાં વ્યસ્ત હતો, પરંતુ આજે તેમની જરૃરત છે ત્યારે તેઓ અતિ વ્યસ્ત છે, કારણ કે તેઓ ટીવી સિરિયલ શૂટ કરી રહ્યાં છે જે ફિલ્મો કરતાં વધુ મુશ્કેલ છે. ફિલ્મ ત્રણ કલાકની જ હોય, પરંતુ સિરિયલમાં ૪૦ મિનિટના ઓછામાં ઓછા ર૪ હપ્તા હોય છે. હું તેમને કહું કે હવે તમે આ બધું રહેવા દો, પણ તેઓ સાંભળતાં જ નથી. જોકે હું એક સાથે એક જ ફિલ્મ કે પ્રોજેક્ટ કરવામાં ધ્યાન પરોવું છુંં.

તારી આ ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં તારા પિતા ભાવુક બની ગયા હતા?
તેમની જર્ની ખૂબ અલગ છે. ખૂબ જ મહેનત અને સંઘર્ષ પછી તેઓ અહીં પહોંચ્યા છે. તેમણે ખરાબ દિવસો પણ જોયા છે. તેથી જ આ પ્રસંગે તેઓ ભાવુક થઈ ગયા હતા, કારણ કે તેમનો પુત્ર ઈન્ડસ્ટ્રીમાં તેની જગા કરી રહ્યો છે. આવી ભાવના એક પિતા જ પ્રગટ કરી શકે. હવે હું ઈન્ડસ્ટ્રીમાં આવી ગયો છું અને તેમની સાથે કામ કરવા મળે તે તકની રાહ જોઈ રહ્યો છુંં.

હિના કુમાવત

You might also like