હું પાંચ-છ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છુંં: હર્ષ છાયા

‘શુભારંભ’ના તારા પાત્ર વિશે જણાવીશ?
હું ‘શુભારંભ’માં દીકરાના પિતાનું પાત્ર ભજવી રહ્યો છું. પ્રાચી શાહ મારી કો-સ્ટાર છે. આ ફિલ્મમાં એક તબક્કે દીકરાનાં માતા-પિતાના જીવનમાં એક એવો વળાંક આવે છે કે બંને છૂટાછેડા લેવા ઇચ્છે છે. એવા સમયે દીકરો પોતાનાં માતા-પિતાને પ્રેમ, સન્માન, જીવનસાથીનું મૂલ્ય વગેરે વિશે સમજાવીને એક કરે છે. ટૂંકમાં, હું આ ફિલ્મમાં પિતાના કિરદારમાં જોવા મળીશ.

ગુજરાતી સાહિત્યમાં તને ઘણો રસ છે, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવામાં કેમ સમય લાગ્યો?
હું ભલે ‘શુભારંભ’ દ્વારા દર્શકોને જોવા મળું પણ હું છેલ્લાં પાંચ-છ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છું. હું છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું અને તેના પર કામ કરવાનું ચાલુ છે. એટલે લોકો ભલે મને પડદા પર ‘શુભારંભ’ના માધ્યમથી જુએ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તો હું ઘણા સમયથી કાર્યરત છું.

‘શુભારંભ’ કરવાનું કોઇ ખાસ કારણ?
શરૂઆતમાં તો મેં ફિલ્મના પ્રોડ્યુસરને રીતસરના અવગણ્યા જ હતા, કારણ કે હું ફિલ્મ કરવા નહોતો માગતો પણ પ્રોડ્યુસર ખૂબ જ સ્પષ્ટ હતા કે તેમણે ‘શુભારંભ’માં મને લેવો જ છે. બીજું કારણ એ કે મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને પાત્ર બંને ગમી ગયાં. ત્રીજું પ્રોડ્યુસર અને ડિરેક્ટર બધાં જ નવા છે છતાં પણ એ લોકો ખૂબ સ્પષ્ટ હતા કે લોકોને બીબાઢાળ મનોરંજન નથી પીરસવું , કંંઇક હટકે આપવું છે. એટલે આખરે મારે માન્યા વિના છૂટકો જ નહોતો. તેર જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે અને મને આશા છે કે લોકોને ફિલ્મ ગમશે.

કેવો રહ્યો અનુભવ?
ખૂબ મજા આવી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારો, દિગ્દર્શકો અને સંગીતકારોમાં ઘણું બધું પોટેન્શિયલ રહેલું છે. હું ‘શુભારંભ’ ફિલ્મનો હિસ્સો બન્યો એ મારી ખુશકિસ્મતી છે.

સંગીતકાર બનવાનો વિચાર ક્યાંથી આવ્યો?
મારા પિતા પંડિત દિવ્યાંગ વકીલ મારા ગુરુ છે. પપ્પા સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાને કારણે બાળપણથી જ ઘરમાં સંગીતનો માહોલ રહ્યો છે. ક્લાસિકલ સંગીત સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય
ખ્યાતિપ્રાપ્ત સંગીતકારો સાથે ઘરોબો રહ્યો છે એટલે ગળથૂથીમાં જ સંગીત મળ્યું છે એમ કહેવામાં મને સહેજ પણ અતિશયોક્તિ નથી.

સંગીતકાર તરીકેની શરૂઆત કેવી રીતે કરી?
શરૂઆત તો તબલાંવાદનથી થઇ. મારા ગુરુજી પાસે મેં તબલાંની તાલીમ મેળવી. તબલાંની સાથે સાથે બીજાં ઘણાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતાં શીખ્યો. ગુરુજીના ‘તાલવ્ય’ ગ્રૂપ અને મારા ક્લાસિકલ ફ્યૂઝન ગ્રૂપ ‘તાન’ દ્વારા ઘણાં લાઇવ મ્યુઝિકલ શોમાં પરફોર્મ કર્યું. ભારત સહિત વિદેશોમાં પણ મેં લાઇવ મ્યુઝિક શો પરફોર્મ કર્યા છે અને કરી રહ્યો છું.

તેં ‘ક્લિક કર’ નામનું આલબમ પણ બહાર પાડ્યું છે?
હા, મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં પણ એક એવું આલબમ બનાવવું જોઇએ, જે સાંભળીને શ્રોતાઓને તેનાં ગીતો સાંભળવાની અને ગણગણાવવાની મજા આવે અને આ જ આશયથી ‘ક્લિક કર’ આલબમનો વિચાર મારા મનમાં સ્ફુર્યો. ક્લાસિકલ અને ફ્યૂઝન આધારિત સરસ મજાનાં ગીતોનો સંગ્રહ છે આ આલબમમાં.

‘શુભારંભ’ ફિલ્મથી તું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યો છે?
હા, મેં ‘શુભારંભ’ ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. ગુજરાતી ફિલ્મો માટે તો ઘણાં સમયથી ઑફર આવતી હતી પણ હું એવી ફિલ્મની શોધમાં હતો જેમાં બીબાઢાળ સંગીત ન પીરસવાનું હોય. આપણાં શ્રોતાઓને સાંભળવું અને ગુનગુનાવવું ગમે એવું મ્યુઝિક મારે કમ્પોઝ કરવું હતું અને ‘શુભારંભ’માં મને એ પ્લેટફોર્મ મળ્યું.

‘શુભારંભ’ના મ્યુઝિક વિશે જણાવીશ?
‘શુભારંભ’નું સંગીત કર્ણપ્રિય છે. દરેક ગીતો ફિલ્મની સિચ્યુએશન પ્રમાણે વણી લેવામાં આવ્યાં છે. તમે ફિલ્મ જોશો તો તમને થશે કે ફિલ્મમાં કોઇ જગ્યાએ કોઇ ગીત બળજબરીથી નથી ઘુસાડવામાં આવ્યું. આ ફિલ્મમાં દરેક ઝોનરનાં ગીતો છે. સાથે જ અનિકેત ખાંડેકરજી, સ્વાનંદ કિરકિરે, પલક જોશી અને દિવ્ય કુમાર જેવાં પ્લેબેક સિંગરોના મધુર અવાજમાં ગીતો રેકોર્ડ કરવામાં આવ્યાં છે, જે દર્શકોને ગમશે જ. આપણે ‘શુભારંભ’ને સૂરજ બડજાત્યા સ્ટાઇલની ફિલ્મોની કક્ષામાં મૂકી શકીએ. એવી ફિલ્મ જેમાં કર્ણપ્રિય સંગીત ફિલ્મનું અભિન્ન અંગ હોય છે.

અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસ બાદ આપણને યાદ રહી જાય એવાં ગીતો આપનારા કોઇ સંગીતકાર નથી મળ્યા?
અવિનાશ વ્યાસજી અને ગૌરાંગભાઇએ સંગીતના ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે, એ માટે આપણે સૌ એમના ઋણી રહીશું. વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવો દોર આવી ગયો, જેમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો અને તેને કારણે નવી પેઢીના સંગીતકારોને પણ ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રે સેવા આપવાની તક નહોતી મળી રહી. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી સરસ ગુજરાતી ફિલ્મો દર્શકોનું મનોરંજન કરી રહી છે અને તેનાં ગીતો પણ લોકમુખે ચઢી રહ્યાં છે. ટૂંકમાં, એમ કહીશ કે હવે ગુજરાતી ફિલ્મ મ્યુઝિક કમ્પોઝર માટે સારા સ્કોપ ઊભા થઇ રહ્યા છે. સારું અને કર્ણપ્રિય સંગીત પીરસવું હંમેશાંથી મારી પ્રાથમિકતા રહી છે અને રહેશે.

You might also like