ઈન્ડસ્ટ્રીમાં મને ઘણાં સારા લોકો મળ્યા છે

અર્જુન, લગભગ એક વર્ષ પછી તમે બોક્સઓફિસ પર પુનરાગમન કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે?
એક વર્ષ જેટલો સમય લાગ્યો છે, કારણ કે ફિલ્મો બનાવવામાં પણ સમય લાગે છે. હું ‘રોક ઓન-૨’ કરી રહ્યો હતો. ‘કહાની-૨’ અને ‘ડેડી’ એમ ત્રણેય ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું હતું એટલે મારું તો એક વર્ષ ફિલ્મોનાં શૂટિંગ પાછળ જ જતું રહ્યું. એક ફિલ્મ બનવા પાછળ જેટલો સમય લાગ્યો છે એટલો જ સમય મને લાગ્યો છે એટલે પુનરાગમન કે બોક્સઓફિસને યાદ કરવા જેવી તો કોઇ વાત જ નથી.

‘રોક ઓન-૨’નું ટ્રેલર દર્શકોને પસંદ આવ્યું છે. તમે શું કહેશો તેના વિશે?
‘રોક ઓન’ ફિલ્મ મારા માટે ખાસ છે, કારણ કે મને આ ફિલ્મ માટે નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. ‘રોક ઓન-૨’માં મારું પાત્ર એ જ છે પણ અગાઉની ફિલ્મ આવ્યે ૮ વર્ષ થઇ ગયાં એટલે આ ૮ વર્ષમાં પાત્રોની જિંદગી પણ કેવી રીતે બદલાઇ છે તેની વાત ‘રોક ઓન-૨’માં કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી પહેલાંની સ્ટોરી કરતાં એકદમ અલગ છે. ૮ વર્ષમાં ફિલ્મનાં પાત્રો- જૉ, કેડી અને આદીમાં શું પરિવર્તન આવ્યું છે અને તેમના પર શું વીતી છે તેના વિશે ‘રોક ઓન-૨’માં વાત કરવામાં આવી છે. આ ફિલ્મ સાચા અર્થમાં સિક્વલ છે. ઘણી ફિલ્મોની સિક્વલ બનતી હોય છે. એક્ટર એના એ જ રહે છે પણ ફિલ્મોમાં પાત્ર અને સ્ટોરી બિલકુલ બદલાઇ જતી હોય છે પણ ‘રોક ઓન-૨’ સાચા અર્થમાં સિક્વલ છે, કારણ કે તે જૂની વાર્તાને જ આગળ વધારે છે. અમારા બેન્ડમાં નવી જનરેશનની જિયાની એન્ટ્રી થઇ છે. શ્રદ્ધા કપૂર જિયાની ભૂમિકા નિભાવી રહી છે. અમારી જનરેશન આ નવી જનરેશન સાથે કેવી રીતે ડીલિંગ કરે છે તેની પણ વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે.

ફિલ્મમાં તમે શ્રદ્ધા સાથે કામ કર્યું છે, તેના વિશે થોડું જણાવો.
શ્રદ્ધા ખૂબ ટેલેન્ટેડ છે. તેના પર ફિલ્માવાયેલાં તમામ ગીતો શ્રદ્ધાએ ખુદ ગાયાં છે. તે આત્મવિશ્વાસથી સભર છે. મને યાદ છે કે હું જ્યારે એની ઉંમરનો હતો ત્યારે મારામાં આટલો કોન્ફિડન્સ નહોતો. આજની જનરેશન પોતાની કારકિર્દી અને જીવન માટે સ્પષ્ટ અને ફોકસ્ડ છે.

તમને ઇન્ડસ્ટ્રીમાં આવ્યે ૧૫ વર્ષ થયાં, કેટલું પરિવર્તન આવ્યું છે ઇન્ડસ્ટ્રીમાં?
સમય સાથે બધું જ બદલાય છે. ટેકનોલોજી બદલાઇ રહી છે. આ પરિવર્તનને આપણે બધાંએ સ્વીકારવું જ પડે છે. ‘રોક ઓન’ના સમયે ઇન્સ્ટાગ્રામ ન હતું અને ટ્વિટરની શરૂઆત જ થઇ હતી. તો સોશિયલ મીડિયાને કારણે પણ ઘણું બધું બદલાઇ ગયું છે. આજે અડધું પ્રમોશન સોશિયલ મીડિયા પર જ થઇ જતું હોય છે. ખાસ વાત એ છે કે ફિલ્મના રિવ્યૂ માટે હવે રાહ નથી જોવી પડતી. દર્શકો સોશિયલ મીડિયા પર તરત જ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરવા લાગે છે, જેને કારણે દર્શકોને તમારી ફિલ્મ કેટલી પસંદ આવી છે અને કેટલી નહીં તેની માહિતી તુરંત મળી જાય છે.

મોેડેલિંગ ઇન્ડસ્ટ્રીને યાદ કરો છો?
યાદ તો નથી કરતો પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આજે હું જે કંઇ પણ છું તે એ ઇન્ડસ્ટ્રીને કારણે જ છું. મને એ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં સારા લોકો મળ્યા તેથી જ તો હું આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી શક્યો.

તમારે બે દીકરીઓ છે. શું તેઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે?
મને લાગે છે કે નાની દીકરી ચોક્કસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે. મોટી દીકરી થોડી શરમાળ છે પણ હું પણ પહેલાં ખૂબ શરમાળ હતો. એક વાત પાક્કી છે કે મોટી દીકરી ચોક્કસ કોઇ ક્રિએટિવ ફિલ્ડમાં જ જશે. જો બંનેની ઇચ્છા હશે તો હું બંનેને લૉન્ચ કરીશ.

‘કહાની-૨’ અને ‘ડેડી’ ફિલ્મ વિશે થોડું જણાવો.
‘કહાની-૨’ની સ્ક્રિપ્ટ ખૂબ સારી છે. ટ્રેલર ખૂબ સારું બન્યું છે. લાગે છે કે ફિલ્મ હિટ જશે અને ‘ડેડી’ ફિલ્મ થોડી મુશ્કેલ છે, કારણ કે તે અરુણ ગવળીના જીવન પર બની રહી છે. હજુ તેનું શૂટિંગ થોડું બાકી છે.

You might also like