હંમેશાં બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરવા પ્રયત્નશીલ છું

એકથી એક ચઢિયાતી ભૂમિકા કરનાર નાજુક અભિનેત્રી અનુષ્કા શર્મા હવે સલમાન અભિનીત ‘સુલતાન’માં દમદાર કુસ્તીબાજ મહિલાની ભૂમિકામાં નજરે પડશે. જે સંદર્ભે તેની સાથેની ખાસ વાતચીત…

‘સુલતાન’ માં સલમાન સાથે કામ કર્યું, અગાઉ શાહરૃખ-આમિર સાથે કામ કર્યું છે. ત્રણેય ખાન સાથેનો અનુભવ કેવો રહ્યો?
મને સલમાન સાથે કામ કરવા મળ્યું તે આનંદની વાત છે. તે મેગાસ્ટાર હોઈ મારું કામ અનેક લોકો સુધી પહોંચશે. મેં ત્રીજા ખાન સાથે ભૂમિકા નિભાવી છે. જોકે મેં નક્કી નહોતું કર્યું કે મારે સારા સ્ટાર્સ સાથે જ કામ કરવું છે, પરંતુ યોગ્ય દિશા પસંદ કરવાથી સારાં કામ આપોઆપ થાય છે. મને ગર્વ છે કે આટલા ઓછા સમયમાં ત્રણેય ખાન સાથે કામ કરવા મળ્યું.

ત્રણેય ખાનમાં કોઈ સમાનતા જણાઈ?
જ્યારે તમે સ્ટાર્સ સાથે કામ કરો છો ત્યારે તમે ઈન્ડસ્ટ્રી વિશે ઘણું બધું જાણો છો. મેં ત્રણેય ખાનમાં એક સમાનતા જોઈ છે કે તેઓ પોતાના ફેન્સને સુંદર રીતે ટ્રીટ કરે છે તથા વધુમાં વધુ સમય અને લાગણી પીરસી રહ્યા છે, જે ખૂબ જ સારી બાબત છે.

કુસ્તીમાં પહેલેથી રસ હતો કે આ ફિલ્મથી જ જાણકારી મળી?
આ ફિલ્મથી જ મને કુસ્તી અંગે ખાસ જાણકારી મળી છે. હું નવા વિષય અંગે જાણવા આતુર હોઉં છું અને તે માટે અનેક સવાલો કરું છું કે વાંચતી રહું છુંં. નવા વિષય પરની ફિલ્મ કરવામાં મજા આવે છે.

પહેલવાની અંગેની તાલીમ મુશ્કેલ હતી?
મારે છ સપ્તાહથી ઓછા સમયમાં પહેલવાનીની તાલીમ લેવાની હતી. મને ચિંતા હતી કે પહેલવાન જેવી દેખાવા માટે ઘણી મહેનત કરવી પડશે. આમેય આપણા મગજમાં પહેલવાનો માટે અલગ પ્રકારની ઇમેજ હોય છે. જોકે થોડાક સંશોધન બાદ જણાયું કે તેમાં જુદીજુદી વેઈટ કેટેગરી હોવાથી હું રૉલ ચોક્કસ નિભાવી શકીશ. આ માટેની ટ્રેનિંગ મેં એક યુવક સાથે લીધી હતી. આ રમતમાં ફિઝિકલ ટચ વધુ રહેતો હોઈ શરૃઆતમાં ખૂબ અજુગતંુ લાગતુંં. પરંતુ હરિયાણાની યુવતીઓના યુવકો સાથે કુસ્તી કરતાં વીડિયો જોયા બાદ મેં ટ્રેનિંગમાં પાછંુ વળીને જોયું નથી.

આ રૉલ માટે વજન વધારવુ પડ્યું?
હા, પરંતુ મારું વજન ખોટી રીતે ન વધી જાય તેનું મેં ખૂબ ધ્યાન રાખ્યું છે. મારે મારા ભોજનમાં પ્રોટીન ડાયટ વધારવો પડ્યો. બે વર્ષથી મેં શાકાહાર અપનાવ્યો હોઈ શું ખાવું તેની મને સૂઝ નહોતી, પરંતુ શરીરમાં પ્રોટીન ઈન્ટેક વધારવા ન ભાવતું પણ ખાવું પડ્યું. પનીર મને બિલકુલ પસંદ ન હોવા છતાં તે સૌથી વધુ ખાવું પડ્યુંં.

આજે મહિલાઓને સારા રૉલ મળી રહ્યા છે?
દુનિયા બદલાઈ રહી છે. પહેલાં ફિલ્મોના સેટ પર યુવતીઓ જોવા નહોતી મળતી. આજે ક્રૂ ટીમમાં જ અનેક યુવતી કામ કરે છે. કેટલાક સમયથી સમાજમાં બદલાવ આવ્યો છે, જે ફિલ્મોમાં પણ જોવા મળે છે. એક એક્ટ્રેસ તરીકે મને જે તક મળી તેનો ફાયદો લઈને રૉલને યોગ્ય ન્યાય આપવા પ્રયત્નશીલ છુંં. હું છવાઈ જવા નથી માગતી પરંતુ પ્રયત્ન કરું છું કે મને જે પ્રકારનું જીવન મળ્યું તેનો યોગ્ય ફાયદો ઉઠાવું અને મારા તરફથી બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરી શકુંં.

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવવી પડે છે?
સોશિયલ મીડિયા પર મહિલાઓની મજાક ઉડાવે છે તેઓ કાયર છે. કેટલીક કૉમેન્ટ્સ જોઈને લાગે કે તેઓ દુનિયાથી પરેશાન છે. પહેલાં આવા મેસેજ જોઈને હું ખૂબ દુઃખી થઈ જતી, પરંતુ આવા લોકોમાં એટલી નફરત હોય છે કે તેઓ બીજાને નીચા દેખાડવાના જ ઈરાદા ધરાવે છે. આથી હું આવી કૉમેન્ટ્સ પર ધ્યાન નથી આપતી.

બોલિવૂડમાં તારી સફરને કઈ રીતે મૂલવે છે?
ફિલ્મી દુનિયા સાથે મારે દૂર સુધી કોઈ સંબંધ નહોતો. જોકે ફિલ્મો સાથે જોડાયા બાદ મને જે સારું લાગે તે કરવાનો હું પૂરતો પ્રયાસ કરું છુંં. મહત્ત્વની બાબત એ છે કે મેં મારી જાતને ક્યારેય બદલી નથી. હું બોલિવૂડમાં માત્ર ગ્લેમર કે પૈસો જ નથી ઈચ્છતી, પરંતુ હવે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છું એટલે ફિલ્મો પ્રત્યે મારું કોઈ યોગદાન હોવું જોઈએ અને તેથી જ હું પૂરી મહેનત અને ઈમાનદારીથી મારું કામ કરી રહી છુંં.

હોલિવૂડમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે?
હું કોઈ પણ કામ માત્ર કરવા ખાતર નથી કરતી. હું એવું કામ કરવા ઇચ્છું છું જે મહત્ત્વનું હોય. પ્રિયંકા અને દીપિકા જે કામ કરે છે તે લેવલનું કામ મળે તો ચોક્કસ વિચારીશ. તેઓ ભારતીયતાને પ્રસ્તુત કરી રહ્યા છે જેથી અન્યો માટે વિશાળ તક ઊભી થઈ છે. જોકે હાલ હું તે અંગેના કોઈ પ્રયાસમાં નથી.

હિના કુમાવત

You might also like