‘સુલતાન’નું ટાઈટલ સ્ટારપાવરને અનુરૂપ છે

સલમાન ખાન તેના લાખો ચાહકો માટે આ વર્ષે ઈદની ભેટ રૂપે ‘સુલતાન’ બનીને પરદે આવી રહ્યો છે, ત્યારે સલમાન અને ‘સુલતાન’ વિશે તેના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર સાથે ખાસ વાતચીત…

‘સુલતાન’ માત્ર પહેલવાની પરની જ ફિલ્મ છે?
‘સુલતાન’ એ માત્ર સ્પોર્ટ અંગેની જ ફિલ્મ નથી, પરંતુ વ્યક્તિના અંગત જીવનમાં શું બની રહ્યુ છે તે અંગેની વાર્તા છે. કુસ્તીમાં અખાડામાં દાવ લાગે તેમ જીવન રોજેરોજ દાવ પર લાગી જાય છે. આ ફિલ્મ કોઈની બાયોપિક નથી. મેં ફિલ્મની સ્ક્રિપ્ટ સલમાનને સંભળાવી ત્યારે તેણે પ૦ વર્ષની ઉંમર થશે ત્યારે ફિલ્મ કરીશ તેમ જણાવ્યું હતું અને આ તેમની પ૦મા વર્ષની સૉલો રિલીઝ છે. આટલી ઉંમરે આ ફિલ્મ માટે તેમણે હાર્ડવર્ક કર્યું તે અમેઝિંગ છે.

સલમાન સાથે કામ કરવું કમ્ફર્ટેબલ હતું?
સલમાનના ‘પ્રેમ રતન ધન પાયો’ના શૂટિંગ પછી મેં તેની સાથે તેના
ફાર્મહાઉસ પર સમય વિતાવ્યો હતો. બાદમાં અમે સેટ પર ગયા ત્યારે ખૂબ જ કમ્ફર્ટેબલ હતા. આ ફિલ્મના ટ્રેલરમાં જે સુપરમેન પંચ છે તે અમે પ્રથમ દિવસે જ શૂટ કર્યો હતો અને એ શૉટ જોઈને તેમણે પણ પોતાનામાં સુલતાન અનુભવ્યો હતો. તેની ઇચ્છા હોય તો તે દિલ ખોલીને કામ કરે છે. મેં તેની ફિલ્મ ‘એક થા ટાઈગર’ આસિસ્ટ કરી હતી જેથી મારો તેની સાથેનો અનુભવ સારો રહ્યો.

મહિલા પહેલવાન અંગેનો આઈડિયા કેવી રીતે આવ્યો?
પહેલાં મેં ૧૦ પેજની વાર્તા લખી હતી. બાદમાં ‘ગૂંડે’નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી ત્રણ મહિના સુધી ‘સુલતાન’ના રિસર્ચ માટે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, બનારસ ફર્યો. જેમાં હરિયાણાની એક બાબત મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગી. લોકલ મેચ દરમિયાન મેં જોયું કે યુવતીઓ કુસ્તીનો હિસ્સો બને તેવું ત્યાંના લોકો નથી ઈચ્છતા, છતાં યુવતીઓ તેમાં ભાગ લે છે. આ આજનું હિન્દુસ્તાન છે, જ્યાં યુવતીઓ મુક્ત રીતે યુવકો સાથે બાથ ભીડે છે. ‘સુલતાન’ માટે એક મજબૂત કેરેક્ટરની જરૂર હતી જે વર્તમાન સમયને ઉજાગર કરી શકે. અનુષ્કાએ તેમાં બખૂબી ભૂમિકા નિભાવી છે.

ફિલ્મથી કુસ્તીને કેટલો ફાયદો મળશે?
સલમાન-અનુષ્કાને તાલીમ આપનાર ગુરુ જગદીશ કાલી રમન ફિલ્મ રિલીઝ થયાના છ માસ પછી જણાવશે કે કેટલાં યુવક-યુવતીઓ કુસ્તી શીખવા આવ્યાં છે. ભારતીય રમતને પ્રાધાન્ય આપવું એ મારું ધ્યેય હતું. કોલ્હાપુરથી કોલકાત્તા સુધી કુસ્તીની બોલબાલા છે, પરંતુ તેના કોઈ ફિલ્મ બની નથી.

ફિલ્મ માટે બોડી બનાવવાનો સમય મળ્યો ન હોવાની સલમાનની ફરિયાદ છે?
તેમની બોડીને કારણે જ લોકો તેમને આદર્શ માને છે. તે જ્યારે શર્ટ ઉતારે છે ત્યારે હાઈલાઈટ થઈ જાય છે. મેં તેમને કહ્યું કે આ વખતે હું તમારું શર્ટ જ નહીં, પેન્ટ પણ ઊતરાવીશ જેથી બોક્સઓફિસ પર ટંકશાળ પડી શકે. તેમણે માત્ર છ માસમાં જ ત્રણ પ્રકારે બોડી બનાવ્યું. તેમના સિવાય બીજું કોઈ આવું કામ ન કરી શકે. આ માટે તેમણે દુખાવો પણ સહન કર્યો છે. મેં નક્કી કર્યું હતું કે આ ફિલ્મ સલમાન નહીં કરે તો અન્ય પાસે નહીં કરાવું.

સલમાનને લંગોેટ પહેરવામાં તકલીફ પડી?
લંગોટ તો તેમણે આસાનીથી પહેરી લીધી, પરંતુ શૂટિંગસ્થળ પર આવીને તેમણે શૂટિંગ કરવાની મનાઈ કરી દીધી હતી. તેમને એમ હતું કે શૂટિંગ વખતે માત્ર અમુક લોકો જ હાજર હશે, બાદમાં હું વીએફએક્સથી ટોળું બતાવી દઈશ, પરંતુ શૂટિંગસ્થળે ૬૦૦૦ લોકોનું ટોળું હાજર હતું, કારણ કે પ૦ને બદલે ૬૦૦૦ લોકો ‘સુલતાન… સુલતાન’નો શોર મચાવે તો જ એક્ચ્યુઅલી પર્ફોર્મન્સ મળી શકે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે ટોળામાંથી કોઈ લંગોટ વિશે ટિપ્પણી કરશે તો શૂટિંગ પેકઅપ કરાવી દઈશ. આથી મેં ટોળું બૂમો ન પાડે તે અંગે સહાયક દિગ્દર્શકને સૂચના આપી દીધી હતી.

લેખકની સાથે દિગ્દર્શક બનવું આસાન છે?
મારી પ્રથમ ફિલ્મની વાર્તા કોઈ લખવા તૈયાર નહોતું એટલે હું તો મજબૂરીથી લેખક બન્યો છું. જોકે લેખક સાથે દિગ્દર્શક બનવાથી કોન્ફિડન્ટ બની શકાય છે. એક ફાયદો એ પણ છે ચાલુ શૂટિંગે સીન ચેન્જ કરવાનો હોય ત્યારે રાઈટરની રાહ નથી જોવી પડતી.

આ ફિલ્મ કેટલો બિઝનેસ કરી શકશે?
બિઝનેસ કરવો મારા હાથમાં નથી. ફિલ્મ કેટલી કમાણી કરશે તે સ્ટાર અને પ્રોડ્યુસર વચ્ચેની બાબત છે. હું જે ઇચ્છતો હતો તે સલમાને કર્યું છે, એ જ મારું બોક્સઓફિસ કલેક્શન છે.

ફિલ્મનું નામ ‘સુલતાન’ કેમ રાખ્યું?
નામમાં કેટલીક બાબતો હોય છે અને મને તેમાં ખૂબ જ વિશ્વાસ છે. ‘સુલતાન’ ટાઈટલ તેના સ્ટારપાવરને પણ અનુરૂપ છે. ર૦૧રમાં આ વાર્તા અંગે સલમાન સાથે ચર્ચા કર્યા પછી મને જણાયું કે આમિરની ‘દંગલ’ પણ કુસ્તી પર આધારિત છે ત્યારે મેં અને ‘દંગલ’ના લેખકે વાર્તાઓ એકબીજા સાથે શૅર કરી હતી. જોકે ‘દંગલ’ પિતા-પુત્રીના સંબંધ પર છે અને ‘સુલતાન’નો મુદ્દો જુદો છે. બંને ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ પડશે.

You might also like