પઠાણકોટ હુમલોઃ ભારત ઈન્ટરપોલની મદદ માંગશે

નવી દિલ્હી/ઈસ્લામાબાદ : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પઠાણકોટ અથડામણમાં માર્યા ગયેલા ચાર ત્રાસવાદીઓની ઓળખ માટે ભારત બ્લેક કોર્નર નોટિસ માટે ઈન્ટરપોલને રજૂઆત કરશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અથડામણ સ્થળે સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષા દળોને વધુ એક મોબાઈલ, એક એકે-૪૭ મેગઝિન અને એક બાયનોક્યુલર મળી આવ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે પંજાબમાં પઠાણકોટ એર બેઝની અંદર અને એરબેઝની બહાર એમ બંન્ને જગ્યાએ એનઆઈએની ટીમો સાક્ષીઓની તપાસ કરી રહી છે.

દરમ્યાન, કેન્દ્ર સરકારે પંજાબ પોલીસવડા સલવિંદર સિંહની તત્કાળ ધરપકડની શક્યતાને નકારી કાઢી હતી. પોતાના નિવેદનોમાં વિસંગતતાને લીધે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ નવી દિલ્હીમાં આજે સવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે ગૃહ મંત્રાલયની એક બેઠક બોલાવી હતી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પઠાણકોટ હુમલા બાદ દેશમાં સુરક્ષાની સ્થિતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ખાસ કરીને દેશના સંરક્ષણ સંસ્થાનો પર આતંકી ખતરાની સમીક્ષા કતરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલે સંરક્ષણ મંત્રી મનોહર પારિકરના કાર્યાલયમાં તેમની મુલાકાત લીધી હતી. દરમ્યાન અજીત દોવાલે સ્પષ્ટતા કરી હતી કે પાક્સ્તિાન પઠાણકોટ હુમલા અંગે નક્કર કાર્યવાહી કરશે તો જ પાકિસ્તાન સાથે વાટાઘાટો આગળ વધશે.દરમ્યાનમાં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં ભારત દ્રારા સોંપવામાં આવેલા પુરાવા પર પાકિસ્તાને પ્રાથમિક તપાસ પૂરી કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી તપાસ બાદ અહેવાલ ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. જોકે, પ્રાથમિક તપાસમાં જ પાકિસ્તાનનું વલણ અલગ જ જોવા મળ્યું છે અને ફોન નંબરો પાકિસ્તાનના હોવાનો તેણે ઈનકાર કર્યો હતો. દરમ્યાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પઠાણકોટ અથડામણમાં માર્યા ગયેલા ચાર ત્રાસવાદીઓની ઓળખ અંગે ભારત બ્લેક કોર્નર નોટિસ માટે ઈન્ટરપોલનો સંપર્ક કરશે.

આ ઉપરાંત અથડામણ સ્થળેથી સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષા દળોને વધુ એક મોબાઈલ, એક એકે-૪૭ મેગઝિન અને એક બાયનોક્યુલર મળી આવ્યા હતા. આતંકવાદીઓએ પાકિસ્તાનમાં તેમના સૂત્રધારો સાથે જે ફોન નંબરો પર વાત કરી હતી તે ફોન નંબરો ભારત તરફથી પુરાવા રૂપે આપવામાં આવ્યા હતા. ભારતે એમ પણ જણાવ્યું હતું કે હુમલાખોરો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.

જોકે, હુમલાખોરોએ પાકિસ્તાની નંબરો પર વાત કરી હતી તેવા ભારતના દાવાને પાકિસ્તાને પ્રાથમિક તપાસમાં જ નકારી કાઢ્યો હતો. સૂત્રો મુજબ પાકિસ્તાને પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે પુરાવા તરીકે જે નંબરો આપવામાં આવ્યા હતા તે પાકિસ્તાનમાં નોંધાયેલા નથી. તપાસ એજન્સીઓ હુમલાખોરો અંગે વધુ તપાસ કરી રહી છે.

You might also like