રથયાત્રા દરમિયાન માહોલ બગડે તો ઈન્ટરનેટ સેવા બંધ કરવાની પોલીસની તૈયારી

અમદાવાદ: બુધવારે યોજાનારી 139મી રથયાત્રાને લઇને શહેર પોલીસનો કાફલો સુસજ્જ બન્યો છે. ત્યારે શહેરમાં કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે થઇને શહેર પોલીસે પણ બંને કોમના લોકોને સાથે રાખી વાદ-સંવાદ કર્યો હતો. આ રથયાત્રા અને રમજાન ઇદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે થઇને શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે શહેરમાં શાંતિનો માહોલ જળવાઇ રહે તેવી અપીલ કરી હતી.

બુધવારે જ્યારે રથયાત્રા નીકળશે તે પહેલાના ત્રણ મહિનાથી જ પોલીસ સજ્જ બની છે. કોઇ અનિચ્છીનીય બનાવ ન બને અને રમજાન ઇદ તથા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે થઇને શહેર પોલીસે અપીલ કરી છે. લોકોને શાંતિ જાળવવા તથા પૂરી આસ્થા સાથે લોકો દર્શન કરી શકે તેવો માહોલ બનાવી રાખવા જણાવ્યું છે.

વાત કરવામાં આવે તો આ વખતે રથયાત્રાને 12 સેક્ટરમાં વહેંચવામાં આવી છે. જેમાંથી 26 રેન્જને ઉભી કરાઇ છે અને તેમાં પણ 53 એરિયા ડિવાઇડ કરવામાં આવ્યા છે. શહેર પોલીસે બે-એક મહિના પહેલાંથી જ મહોલ્લા મિટીંગ તથા બંને કોમના આગેવાનોને સાથે રાખી સુલેહ શાંતિ જાળવવા અંગે ચર્ચા કરી રથયાત્રા તથા ઇદ પૂર્ણ થાય તે માટે મહેનત કરી છે. બંદોબસ્તની સાથે સાથે સીસીટીવી, મુવીંગ બોદોબસ્ત, બોડી ઓન કેમેરા જેવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાશે.

પાટીદાર આંદોલન વખતે જે રીતે તોફાનો થયા હતા તે રીતે આ વખતે રથયાત્રામાં કોઇ અનિચ્છીનીય બનાવો ન બને તે માટે થઇને પોલીસે પણ એક વિકલ્પ વિચાર્યો છે. જો કોઇ ઘટના બને અને કોઇ પણ પ્રકારની અફવા ન ફેલાય અને સુલેહ શાંતિ જળવાય તે માટે શહેર પોલીસ ઇન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. જો કે હાલ સુધી તો આ પ્રકારનો કોઇ નિર્ણય લેવાયો નથી પણ જો કોઇ ઘટના બને તો આ પગલું પોલીસ લઇ શકે તે વાતને નકારી શખાય નહી.

મહોલ્લા મિટીંગથી માંડીને મિટીંગ, ફિલ્ડ વર્ક સુધીની તમામ કામગિરી પોલીસે પૂર્ણ કરીને બંને તહેવારોને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાનો નિર્ધાર કરી લીધો છે. શહેરીજનો શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા માણે અને મુસ્લિમ બિરાદરો પણ શાંતિપૂર્ણ માહોલમાં ઇદ ઉજવે તે જ પોલીસનો આશય રહેલો છે.

You might also like