આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ સમગ્ર દેશ અને દુનિયા યોગમય

નવી દિલ્હી: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયા યોગમય બની ગયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં હજારો લોકો સાથે વિવિધ યોગાસનો કર્યાં હતાં. ભારત સહિત વિશ્વના ૧૫૦ કરતા વધુ દેશોમાં યોગ દિવસની ઉત્સાહભેર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. લખનૌથી લઈને લંડન સુધી અને દિલ્હીથી લઈને દુબઈ સુધી સમગ્ર દુનિયા યોગમય બની ગઈ હતી.

ન્યૂયોર્કમાં યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ સંગીતના તાલે યોગાસનો કર્યાં હતાં. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું વડું મથક નિયોન લાઈટથી લખેલા ‘YOGA’ શબ્દથી ઝગમગી ઉઠ્યું હતું. બોલિવૂડના અભિનેતા અનુપમ ખેરે સ્વિચ દબાવ્યા ્બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું વડું મથક રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. અનુપમ ખેરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘સંયુક્ત રાષ્ટ્રની ઈમારતને રોશન કરવાનું સન્માન મળ્યું.’

પેરિસમાં એફિલ ટાવર, લંડનના ટ્રેફલ્ગર સ્કવેર અને ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેવાં મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દુબઈ, પેરુ, કાઠમંડુ, ન્યૂયોર્ક અને શારજહાં જેવાં દુનિયાના મુખ્ય શહેરોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં લદ્દાખમાં – ૨૫ ડિગ્રી તાપમાનમાં પણ જવાનોએ યોગાસનો કર્યાં હતાં. એ જ રીતે સમુદ્રમાં આઈએનએસ વિક્રમાદિત્ય પર જવાનોએ યોગ કર્યો હતો.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હજારો લોકોએ વરસતા વરસાદમાં યોગાસનો કર્યાં હતાં. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ અને રાજ્યપાલ રામ નાઈક પણ જોડાયા હતા. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કોનોટ પેલેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સામેલ થવા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ જોડાયા હતા.

આ ઉપરાંત દિલ્હી, શ્રીનગર, જયપુર, ભોપાલ, પટણા, મુંબઈ, નાગપુર, જમ્મુ, મણિપુર, સિક્કિમ, ચંડીગઢ, સિમલા, વિશાખાપટ્ટનમ્ અને લેહ-લદ્દાખ સહિત દેશનાં લગભગ તમામ રાજ્યોમાં યોગાસનોના કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે સમગ્ર વિશ્વભરમાં જોઈએ તો અમેરિકા, ચીન, સંયુક્ત આરબ અમિરાત, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, દુબઈ, કાઠમંડુ, ન્યૂયોર્ક, સર્વત્ર યોગ દિવસે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like