આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ જીતવામાં ભારતીયો મોખરે

ભારતમાં વિદ્યાર્થીઓને સંશોધન માટે જરૂરી માળખું અને સવલત ન મળતી હોવાની ફરિયાદ વારંવાર સાંભળવા મળે છે અને તેને કારણે સંશોધન ક્ષેત્રે ભારતની સ્થિતિ કથળેલી જોવા મળે છે. જોકે, આ વખતે ભારતીયો માટે ગર્વ કરવા જેવી વાત છે. વાત એમ છે કે કૃષિ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે એનાયત કરવામાં આવતી વિશ્વની શ્રેષ્ઠ સ્કોલરશિપમાં સ્થાન પામતી એવી બિશેલ-બોરલોગ સ્કોલરશિપ જીતવામાં ભારતીયો મોખરે છે.

આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ પ્રોગ્રામ મોનસાન્ટો બિશેલ-બોરલોગ ઇન્ટરનેશનલ સ્કોલરશિપ પ્રોગ્રામમાં ભારતીયોએ સૌથી વધુ સ્કોલરશિપ જીતીને વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સ્કોલરશિપ જીતવામાં ભારતીયો સૌથી મોખરે છે. અત્યાર સુધીમાં ૩૦ દેશોના ૮૯ સંશોધકોને આ સ્કોલરશિપ એનાયત કરવામાં આવી છે. આ ૮૯ સંશોધકોમાંથી ૨૪ સંશોધકો ભારતીય છે. બિશેલ-બોરલોગ સ્કોલરશિપ ડાંગર(ચોખા) અને ઘઉંની વિવિધ જાતો પર સંશોધન કરીને ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય તે માટે એનાયત કરવામાં આવે છે. આ વર્ષે ભારતના ત્રણ વિદ્યાર્થીઓ આ આંતરરાષ્ટ્રીય રિસર્ચ સ્કોલરશિપ જીતવામાં સફળ રહ્યા છે.

આ ત્રણ વિદ્યાર્થીઓમાં ગુરુચરણ સિંઘ બ્રાર, શ્રેયા ઘોષ અને કરમિંદરબીર કૌરનો સમાવેશ થાય છે. બ્રાર ઘઉં પર, શ્રેયા ઘઉંના ક્લોનિંગ પર અને કરમિંદર કૌર ડાંગર પર સંશોધન કરી રહ્યાં છે. આ રિસર્ચ સ્કોલરશિપ આપવાની શરૂઆત ભારતમાં હરિત ક્રાંતિના જનક એમ.એસ.સ્વામીનાથન દ્વારા કરવામાં આવી હતી. શિષ્યવૃૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને ૩ મિલિયન ડૉલર આપવામાં આવે છે.
http://sambhaavnews.com/

You might also like