ઈન્ટરનેશનલ પ્રોજેક્ટે નવી મંજિલ આપીઃ અમાયરા

અમાયરા દસ્તૂરે ૧૬ વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘ઇશક’ ફિલ્મના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેની સાથે પ્રતીક બબ્બર હતો. તેની આગામી ફિલ્મ વિક્રમ ભટ્ટ નિર્દેશિત ‘મિ. એક્સ’ હતી, જેમાં તેની સામે ઇમરાન હાશ્મી હતો. આ વર્ષે તેની ફિલ્મ ‘કુંગફૂ યોગા’ ખૂબ જ સફળ રહી, જેમાં તે જેકી ચેન અને સોનુ સુદ સાથે જોવા મળી. હાલમાં તે હિંદીની સાથે-સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ સમાન રીતે સક્રિય છે. તેની તામિલમાં પણ એક ફિલ્મ આવી રહી છે. અમાયરા કહે છે કે ‘કુંગફુ યોગા’ની સફળતાને લઇને હું ખૂબ જ ઉત્સાહિત છું. ભલે હું સપોર્ટિંગ રોલમાં હતી, પરંતુ તે મારી કરિયરની એક મોટી ફિલ્મ હતી.

અમાયરાનો જન્મ પારસી પરિવારમાં થયો હતો અને તે દક્ષિણ મુંબઇમાં ઊછરી છે. તે કહે છે પહેલાંથી જ હું અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. જ્યારે હું ૧૬ વર્ષની હતી ત્યારે મેં મોડલિંગ શરૂ કર્યું. જ્યારે હું ૧૨મા ધોરણમાં આવી ત્યારે ‘ઇશક’ ફિલ્મ માટે ઓડિશન આપ્યું અને પસંદ પણ થઇ. ત્યારબાદ ‘મિ. એક્સ’ ફિલ્મ માટે મૂકેશ ભટ્ટને મળી. તેમણે મારામાં અને ફિલ્મના પાત્રમાં ઘણી સમાનતા જોઇ અને હું તે ફિલ્મ માટે પસંદ થઇ. ત્યારબાદ મને ‘કુંગફુ યોગા’ મળી. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટનો હિસ્સો બનીને મારી કરિયરને એક અલગ મંજિલ મળી. હવે અમાયરા સારી દક્ષિણ ભારતીય અને હિંદી ફિલ્મો કરવા ઇચ્છે છે. ભવિષ્યમાં તે ફેમિલી એન્ટરટેઇનર્સ પણ કરવા ઇચ્છે છે. તે કહે છે કે હું કોમેડી ફિલ્મ પણ કરીશ. હું ઇચ્છું છું કે મને એવા પાત્ર મળે તેમાં મારી પ્રતિભા દર્શાવવાનો મોકો મળે.

http://sambhaavnews.com/

You might also like