પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર

અમદાવાદ: શહેરમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોનો આતંક એ હદે વધી ગયો છે કે લોકો તેમની બીકથી આત્મહત્યા કરી લેતા હોય છે કે ઘર છોડીને નાસી જતા હોય છે અથવા તો તેમણે વ્યાજખોરની હવસનો શિકાર બનવું પડતું હોય છે.

છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોને ડામવા માટે પોલીસે તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાનું તો શરૂ કર્યું છે, પરંતુ ઘણા એવા ચકચારી અને હાઇ પ્રોફાઇલ કિસ્સા છે કે જેમાં પોલીસ આરોપીને પકડી શકતી નથી.

જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતાં અને આનંદનગરમાં કાફે ચલાવતાં મીનાબહેન (નામ બદલ્યું છે)એ બિટકોઇન અને વ્યાજનો ધંધો કરતા મનસુખ વડોદ‌િરયા ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધમાં બળાત્કાર અને ગેરકાયદે નાણાં ધીરધારની ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં આક્ષેપ કર્યાે હતાે કે મનસુખે (રહે. શ્રીહ‌િર બંગલો, ઘુમા) મીનાબહેનના પતિને ૬.ર૦ લાખ રૂપિયા બે ટકા વ્યાજે આપ્યા હતા, જે વધારીને તેણે ૧૦ ટકા કરી દીધા હતા. બે મહિનામાં રૂપિયા પરત આપી દીધા હોવા છતાંય હજુ સુધી મનસુખે વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી અને સમયસર વ્યાજ નહીં ચૂકવતાં તે મીનાબહેન પર બળાત્કાર ગુજારતો હતો.

થોડાક દિવસ પહેલાં વેજલપુરમાં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતા ૩૮ વર્ષના યુવકે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધી હતી. બુટભવાની સોસાયટીમાં રહેતા નથુલાલ ત્રિકમચંદ મેવાડા (૩૮) જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે વિજય રેસ્ટોરન્ટ ચલાવતા હતા.

નથુલાલે ધંધા માટે વસ્ત્રાપુરમાં રહેતા ધમાલાલ પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણાં લીધાં હતાં, જોકે મૂડી અને વ્યાજની રકમ ચૂકવી દેવા છતાં નથુલાલ તેમને પૈસા માટે પરેશાન કરતો હતો. અંતે કંટાળીને નથુલાલે ૧૮ જૂનના રોજ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ધમાલાલ પોલીસ પકડથી દૂર છે.

હિપોલિન જૂથના વિવેક શાહને રૂ. ૮૦ લાખનું ખાનગી ધિરાણ આપીને વ્યાજના નામે ખંડણી ઉઘરાવનારા શહેર ભાજપ મોરચાના મહામંત્રી રાહુલ સોની સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ચકચારી કેસમાં હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી.

You might also like